વિજ્ઞાનની દરેક બાબતોની જેમ ટેકનોલોજી પણ બેધારી તલવાર છે.
એક તરફ વાતો થાય છે કે, સતત વિકસતી ટેકનોલોજી અને ઇન્ટરનેટને કારણે આપણું જીવન અત્યંત વ્યસ્ત બનતું જાય છે અને સ્વજનો સાથે થોડો હળવાશભર્યો સમય વિતાવવાની પણ આપણને ફૂરસદ મળતી નથી.
બીજી તરફ એ જ ટેકનોલોજી આપણી પાસે જે પણ સમય છે તેનો વધુમાં વધુ સારી રીતે ઉપયોગ કરવાની સવલતો પણ આપણને પૂરી પાડે છે.
પ્રોજેક્ટ મેનેજમેન્ટ કેમ જરૂરી છે?
ઇન્ટરનેટને કારણે હવે આપણા કામકાજની કોઈ ભૌતિક સીમાઓ રહી જ નથી. અમદાવાદ તો ઠીક ધોરાજી કે વીસનગરના કોઈ ખૂણામાં બેસીને આપણે અમેરિકા કે ઓસ્ટ્રેલિયાની કંપની માટે કામ કરી શકીએ છીએ. એ જ રીતે એક કંપની માટે કામ કરતા લોકો એક જ ઓફિસમાં બેસીને કામ કરે એવું પણ જરૂરી રહ્યું નથી.
દુનિયાના કોઈ પણ ખૂણે રહેલા જુદા જુદા લોકો એક જ પ્રોજેક્ટ પર સહેલાઇથી કામ કરી શકે છે, તે પણ ઇન્ટરનેટને જ આભારી છે.
પ્રોજેક્ટ પર આખી ટીમ કામ કરી રહી હોય કે પછી આપણે વ્યક્તિગત, એકલા જ તેના પર કામ કરી રહ્યા હોઇએ, પ્રોજેક્ટનું સંપૂર્ણ ચિત્ર આપણી નજર સમક્ષ રહે તો આપણે ધારી સફળતા મેળવી શકીએ છીએ.
સવાલ ફક્ત પ્રોજેક્ટ મેનેજમેન્ટના વિવિધ ટૂલ્સનો ઉપયોગ કરીને આપણી વ્યસ્તતા અને મોકળાશ વચ્ચે જરૂરી સંતુલન સાધવાનો હોય છે.
પ્રોજેક્ટ મેનેજમેન્ટ ફક્ત મોટી કંપનીમાં જ જરૂરી હોય છે એવું પણ નથી.
ઘરમાં કોઈ સામાજિક પ્રસંગ આવી ગયો હોય ત્યારે આપણે જુદા જુદા કામની કેટલીયે જાતની યાદી બનાવવી પડે છે. આ કામોમાં પરિવારના જુદા જુદા સભ્યો અને બીજા સ્વજનો પોતપોતાની રીતે ઉપયોગી થતા હોય છે. આપણે ફક્ત દરેક કામ કેટલે પહોંચ્યું એનું પ્રોપર ટ્રેકિંગ રાખવું જરૂરી બને છે.
એવી જ રીતે કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ કોઈ એક પ્રોજેક્ટ પર સાથે કામ કરી રહ્યા હોય ત્યારે સ્ટુડન્ટસની ટીમના દરેક સભ્ય પોતપોતાની ક્ષમતા અને આવડત અનુસાર કામ વહેંચી લે અને એકમેકને કામની પ્રગતિથી માહિતગાર રાખે એ બહુ જરૂરી હોય છે.