‘ટચસ્ક્રીન ઓવરલે ડિટેક્ટેડ’ તકલીફનો ઇલાજ શું?

સવાલ મોકલનાર : માધવ જે ધ્રુવ, જામગર

આ સાથે આપેલા સ્ક્રીનશોટ મુજબ, ઘણી વાર તમે સ્માર્ટફોનમાં કોઈ નવી એપ ઇન્સ્ટોલ કરીને પહેલી વાર ચાલુ કરવાનો પ્રયાસ કરો ત્યારે એપ વિવિધ મંજૂરીઓ માગે તેમાં વચ્ચે, ‘સ્ક્રીન ઓવરલે ડિટેક્ટેડ’ એવી નોટિસ ટપકી પડે છે.

આ નોટિસમાં સ્ક્રીન ઓવરલે શું છે એની કોઈ સ્પષ્ટતા હોતી નથી. ફક્ત એટલું લખ્યું હોય છે કે આ પરમિશન સેટિંગ બદલવા માટે, પહેલાં તમારે સેટિંગ્સમાં, એપમાં જઈને સ્ક્રીન ઓવરલે ટર્ન ઓફ કરવાનું રહેશે. એ સાથે સેટિંગ્સ ઓપન કરવાની લિંક આપી હોય. આપણે સેટિંગ્સ તો ઓપન કરીએ, પણ પછી શું કરવું તેની સમજ પડે નહીં!

અને આ સમસ્યા ઉકલે નહીં ત્યાં સુધી પેલી આપણી નવી એપ ચાલુ ન થાય!

મોટા ભાગે સેમસંગ ગેલેક્સી સીરિઝના કેટલાક ફોન અને તે ઉપરાંત બીજા કેટલાક એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં આ તકલીફ જોવા મળે છે.

આગળ શું વાંચશો?

  • ‘સ્ક્રીન ઓવરલે’ એટલે શું?
  • નવી એપ ઇન્સ્ટોલ કરતી વખતે સ્ક્રીન ઓવરલે નડે તો…

‘સ્ક્રીન ઓવરલે’ શું છે?

‘સ્ક્રીન ઓવરલે’ શબ્દ આપણા માટે અજાણ્યો હશે, પણ એનો અનુભવ અજાણ્યો નથી. જો તમે સ્માર્ટફોનમાં ફેસબુક મેસેન્જરનો ઉપયોગ કરતા હો તો તમે જાણતા હશો કે તમને કોઈ મિત્ર કોઈ મેસેજ મોકલે એટલે આપણા સ્ક્રીન પર તેમના પ્રોફાઇલ પિક્ચર સાથેનું એક ચકરડું (ચેટહેડ) ટપકી પડે. આ રીતે, કોઈ પણ એપને કારણે આપણા સ્ક્રીન પર કંઈ પણ ‘ટપકી પડે’ તે જ છે સ્ક્રીન ઓવરલે.

મેસેન્જર ઉપરાંત ક્લીન માસ્ટર જેવી એપ કે બીજી એન્ટી વાઇરસ એપ્સ પણ સ્ક્રીન ઓવરલે ટેકનિકનો ઉપયોગ કરીને આપણું ધ્યાન તેના તરફ દોરતી હોય છે. આવી એપ બીજી એપ ચાલુ હોય ત્યારે પણ આપણને કશુંક બતાવી શકે છે. એ માટે એ એપે, સ્ક્રીન ઓવરલેનો ઉપયોગ કરવા આપણી પાસે મંજૂરી માગી હોય છે અને આપણે બેધ્યાનપણે તે આપી પણ હોય છે.

હવે જ્યારે આપણે નવી કોઈ એપ ઇન્સ્ટોલ કરીએ ત્યારે, એ એપ સલામતીની બાબતે બહુ ચોક્કસ હોય તો તે આપણું ધ્યાન દોરે છે કે તમારા ફોનમાં કોઈ એપ સ્ક્રીન ઓવરલેનો ઉપયોગ કરી રહી છે.

સ્ક્રીન ઓવરલેને કારણે આપણે અમુક એપ પર કંઈ કરી રહ્યા હોઈએ, જેમ કે અમુક બાબતોની પરમિશન આપી રહ્યા હોઈએ ત્યારે બીજી એપનો પાર્ટ ટપકી પડે તો એ આપણને ગેરમાર્ગે દોરી શકે છે. એટલે પેલી નવી એપ, પહેલાં અગાઉની એપની સ્ક્રીન ઓવરલે પરમિશન બંધ કરવા કહે છે.

નવી એપ ઇન્સ્ટોલ કરતી વખતે સ્ક્રીન ઓવરલે નડે તો…

નવી એપની સિસ્ટમ આપણને જે નોટિસ આપે છે તેમાં, તેને કઈ એપ માટેની સ્ક્રીન ઓવરલે પરમિશન નડે છે, તેની ચોખવટ કરેલી હોતી નથી. એટલે આપણી પાસે અખતરા કરવા સિવાય કોઈ રસ્તો રહેતો નથી.

સૌથી પહેલાં આપણે ફોનના સેટિંગ્સમાં, એપ્સમાં જઈને એ તપાસવું પડશે કે આપણે કઈ કઈ એપને સ્ક્રીન ઓવરલેની પરમિશન આપેલી છે.

સેટિંગ્સમાં એ તબક્કા સુધી પહોંચવા, ’મફિૂ’ શબ્દ સર્ચ કરી લો અને ‘ડ્રો ઓવર અધર એપ્સ’ના તબક્કા સુધી ડાઇરેક્ટ પહોંચી જાવ. અથવા, સેટિંગ્સમાં, એપ્સમાં, ગીયર આઇકન પર ક્લિક કરીને આ વિકલ્પ સુધી પહોંચો.      (સેમસંગ ફોનમાં એપ્લિકેશન્સમાં, એપ્લિકેશન મેનેજર અને તેમાં મોર પર ક્લિક કરતાં, ‘એપ્સ ધેટ કેન અપીયર ઓન ટોપ’નો વિકલ્પ જોવા મળશે).

અહીં તમને એક મજાની સરપ્રાઇઝ મળશે!

ફેસબુક મેસેન્જર અને ક્લીન માસ્ટર ઉપરાંત, યુટ્યૂબ, ફોટોઝ, મ્યુઝિક, બેકઅપ એન્ડ રીસ્ટોર, ગૂગલ પ્લે સર્વિસ વગેરે ઘણી એપને તમે સ્ક્રીન ઓવરલેની પરમિશન આપેલી હશે!

જનરલી, આમાં ક્લીન માસ્ટર જેવી એપ બીજી એપને નડતી હોવાનો સૌનો અનુભવ છે. તેની પરમિશન ડિસેબલ કરીને પેલી એપ ચાલુ કરી જોશો તો લગભગ કામ પૂરું થઈ જશે. બાકી પછી, કામચલાઉ બધી જ એપ માટેની ઓવરલે પરમિશન બંધ કરી, પેલી એપ ચાલુ કરી જુઓ.

તમારું કામ થઈ જાય તો પછી તમારે ઉપયોગી એપ્સમાં ઓવરલે પરમિશન ફરી આપવાનું ભૂલતા નહીં, બાકી અમુક એપનાં ઉપયોગી ફીચર્સ બંધ થઈ જશે!

તમને સ્માર્ટફોનના ઉપયોગમાં આવી કોઈ સમસ્યા નડતી હોય તો નીચે કમેન્ટમાં જણાવી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here