ગૂગલ તેઝમાં નવું શું છે?

ઓનલાઇન પેમેન્ટની રેસમાં અત્યારે પેટીએમ સૌથી આગળ છે, પણ ગૂગલ તેઝમાં કેટલીક વિશેષ સુવિધાઓ છે. ગૂગલનું માર્કેટિંગ જોરદાર રહેશે તો તે પેટીએમ કરતાં આગળ જશે.

તમે પોતાના અને કોઈ મિત્રના સ્માર્ટફોનમાં બ્લુટૂથ ઓન કરીને, સોંગ કે રિંગટોન ફાઇલની આપલે કરી છે? બરાબર એ જ રીતે, આપણે ગૂગલ તેઝમાં રૂપિયાની આપલે કરી શકીએ છીએ – શરત માત્ર એટલી કે બંને વ્યક્તિએ પોતાના સ્માર્ટફોનમાં ગૂગલ તેઝ ઇન્સ્ટોલ કરી, તેમાં પોતાના બેન્ક ખાતાને જોડીને યુપીઆઇ આઇડી મેળવ્યું હોવું જોઈએ.

જો આટલું હોય, તો હવે માની લો કે તમારે કરિયાણાની દુકાને રોકડથી નહીં પણ સીધી પોતાના બેન્ક એકાઉન્ટમાંથી જ રકમ ચૂકવવી છે. આ માટે…

  • તમે ગૂગલ તેઝ એપ લોન્ચ કરી, તેને તમારા પાસવર્ડથી અનલોક કરશો.
  • હવે હોમ સ્ક્રીન પર ‘કેશ મોડ’ના વર્તુળ પર ક્લિક કરશો.
  • તમારે રકમ ચૂકવવી છે એટલે સફેદ બટનને ઉપરની તરફ ‘પે’ પર લઈ જશો.
  • બીજી બાજુ દુકાનદાર પોતાના સ્માર્ટફોનમાં આ જ રીતે, કેશ મોડના બટનને ‘રીસિવ’ કે ‘પ્રાપ્ત કરો’ પર લઈ જશે.
  • બંને એપ કનેક્ટ થતાં તમારી એપમાં, એ દુકાનદારની વિગતો જોવા મળશે.
  • તમે તેને ક્લિક કરી, રકમ લખશો, શા માટે ચુકવણી કરો છો તે લખશો.
  • હવે તમે આગળ વધશો એટલે તમારો યુપીઆઇ પિન આપવાનો રહેશે.
  • યુપીઆઇ સિસ્ટમ બંને બેન્ક ખાતાની ખરાઈ કરીને, આપણા ખાતામાંથી દુકાનદારના ખાતામાં રકમ મોકલી આપશે.
  • બંને પાર્ટીને રકમની આપલે સફળ રહી હોવાનો મેસેજ મળી જશે!

આ વિધિ અત્યારે વાંચવામાં કદાચ લાંબી લાગશે, પણ વાસ્તવમાં એટલી લાંબી નથી. હા, આખી યુપીઆઇ વ્યવસ્થા હજી ધીમી હોવાથી બેન્ક ખાતાની ખરાઈ કરવામાં થોડો સમય લાગે છે. પરંતુ સરવાળે આ વિધિ રોકડ રકમની ગણતરી સાથેની આપલે કરવા જેટલો જ સમય લે છે.

આ આખી વિધિમાં આપણે સામેની પાર્ટી ગૂગલ તેઝ યૂઝર છે કે નહીં એટલું જ જાણવાની જરૂર રહે છે, તે પછી તેમનો મોબાઇલ નંબર, યુપીઆઇ આઇડી વગેરે કશું જ જાણવાની કે એપને જણાવવાની જરૂર રહેતી નથી. આમ જુઓ તો, દુકાનદારે પોતાના યુપીઆઇ કે ભારત ક્યુઆર કોડનું સ્ટીકર મૂકી દીધું હોય તો પણ આપણે માટે રકમની ચુકવણી આ કેશ મોડ કરતાં પણ વધુ સહેલી બને કારણ કે તેમાં દુકાનદારે પોતાના સ્માર્ટફોનને હાથ પણ અડાડવાની જરૂર રહેતી નથી.

પરંતુ, ગૂગલ તેઝમાં આવી નવી ‘ખૂબી’ ઉમેર્યા વિના ગૂગલને છૂટકો પણ નહોતો કેમ કે યુપીઆઇ આધારિત બધી એપ આખરે તો સરખી જ કાર્યપદ્ધતિથી કામ કરે છે. તો વધુ લોકોને ગૂગલ તેઝ તરફ વાળવા કઈ રીતે?

ભારતમાં નોટબંધી પછી ઓનલાઇન પેમેન્ટમાં ખાસ્સો ઉછાળો આવ્યો હતો, પણ એ ઉભરો ધીમે ધીમે ઓસરવા લાગ્યો હતો. પેટીએમ જેવી એપ જબરજસ્ત માર્કેટિંગને કારણે નોટબંધીનો ફાયદો લેવામાં સૌથી વધુ સફળ થઈ છે. આ કંપનીએ પાયાના સ્તરે, બજારોમાં દુકાને-દુકાને એક્ઝિક્યુટિવ્સ મોકલી, દુકાનદારોને પેટીએમથી પેમેન્ટ સ્વીકારવા સમજાવ્યા અને તેમને તથા પાણીપૂરીવાળાને સુદ્ધાં ક્યુઆર કોડનાં સ્ટીકર્સ આપ્યાં તેને કારણે પણ પેટીએમનો ઉપયોગ ખાસ્સો વધ્યો.

ભીમ એપનો ઉપયોગ પેટીએમની સરખામણીમાં અત્યારે ઘણો ઓછો હોવાનું કારણ આ જ છે. તમે પોતે ભીમ વાપરો તે પૂરતું નથી, સામેની વ્યક્તિ પાસે પણ એ રીતે નાણાં સ્વીકારવાની વ્યવસ્થા હોવી જોઈએ.

જેમ પેટીએમએમ કંપનીએ એક બાજુ લોકોને ‘પેટીએમ કરો’ કહી કહીને એપ ડાઉનલોડ કરાવી અને બીજી બાજુ દુકાને દુકાને ક્યુઆર કોડનાં સ્ટીકર ચીપકાવ્યાં તેવું ભીમના કિસ્સામાં થયું નથી.

ગૂગલ આ બાબતે પેટીએમ કરતાં આગળ નીકળી શકે છે. ભારતમાં જેટલા લોકો પાસે સ્માર્ટફોન છે એમના સુધી ગૂગલની પહોંચ છે જ, ગૂગલ તેમને તેઝ તરફ વાળી શકે તો દેનાર અને લેનાર બંને સુધી તે પહોંચી જશે. એટલે જ તેઝમાં, આપણા ગૂગલ એકાઉન્ટને પણ સાંકળી લેવામાં આવ્યું છે.

જેને કારણે, આપણા કોન્ટેક્ટ લિસ્ટમાંથી કોણે કોણે તેઝનો ઉપયોગ શરૂ કર્યો છે તે આપણે જાણી શકીએ છીએ. ઉપરાંત આપણા લોકેશન મુજબ, ખાસ ઓફર્સ પણ મળવા લાગશે! વધુ લોકોને તેઝ તરફ વાળવા, ગૂગલે રોકડ પ્રોત્સાહન આપવાની સ્કીમ પણ આપી છે. જે મુજબ, તમે તમારા કોઈ કોન્ટેક્ટને તેઝ માટે ઇન્વાઇટ મોકલો, તે વ્યક્તિ તેને સ્વીકારી, તેઝની મદદથી કોઈ પણ સાથે રકમની આપલે કરે તો તમને અને તે વ્યક્તિ બંનેને રૂા. ૫૧ મળે! આ રીતે, એક વર્ષમાં વધુમાં વધુ રૂા. ૯૦૦૦ કમાઈ શકાય છે.

તેઝમાં વિવિધ ઓફર્સ મળવાનું પણ શરૂ થઈ ગયું છે અને બિઝનેસીસ માટે તેઝના અલગ એકાઉન્ટની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. ટૂંક સમયમાં તેઝમાં રૂપિયા ઉપરાંત મેસેજની આપલે પણ શરૂ થશે. આપણે માટે ફાયદો જ છે, કારણ કે હજી તો વોટ્સએપમાં પણ યુપીઆઇ વ્યવસ્થા આવી રહી છે!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here