સામાન્ય રીતે આપણે માંદા પડીએ એટલે ડોક્ટર પાસે જઈએ, ડોક્ટર દવા લખી આપે અને આપણે દવાની દુકાને એ બતાડી, જે રકમ આપવી પડે તે ચૂકવીને દવા ખરીદી લાવીએ.
પરંતુ આમાં એક મહત્વના મુદ્દા તરફ આપણે ધ્યાન આપતા નથી. ડોક્ટર જે દવા લખે તેનું કન્ટેન્ટ (દવામાંની સામગ્રી) મહત્વનું છે, દવાની બ્રાન્ડ નહીં. ડોક્ટરે જે બ્રાન્ડની દવા લખી હોય એ જ કન્ટેન્ટવાળી બીજી કંપનીની દવા તેનાથી ખાસ્સી સસ્તી મળતી હોય એવું બની શકે છે.
પરંતુ આટલું જાણવું પણ પૂરતું નથી. આપણને એ બીજી, સસ્તી દવાની ખબર કેવી રીતે પડે? દવાવાળાએ તો ડોક્ટરે લખી આપી હોય એ જ દવા આપવી પડે અને એ દવા મોંઘી હોય તો કદાચ દવાવાળાને બીજી સસ્તી દવા ઉપલબ્ધ છે એવું કહેવામાં રસ પણ ન હોય.
ખરેખર તો, ડોક્ટર બે રીતે દવા લખી શકે છે, કંપનીના બ્રાન્ડનેમથી અથવા દવામાંના કન્ટેન્ટથી, પરંતુ મોટા ભાગના ડોક્ટર બ્રાન્ડનેમથી દવા પ્રીસ્ક્રાઇબ કરતા હોય છે.
હવે ચિત્રમાં આવે છે જેનરિક દવા.