આ બધું આપણી શાળાઓમાં ક્યારે?

‘સાયબરસફર’ની શરૂઆતથી અમુક લેખો લખાયા પછી એક પ્રશ્ન હંમેશા સતાવે છે – આ બધું આપણી શાળાઓનાં બાળકો સુધી ક્યારે પહોંચશે? આ વખતનો, ગૂગલ અર્થના નવા સ્વરૂપ અંગનો લેખ પણ એવો જ છે. 

આપણાં શહેરો ઉપરાંત ગામડાંની શાળાઓમાં પણ કમ્પ્યુટર્સ, મોટા સ્ક્રીન અને નેટ કનેક્શનની સુવિધા તો પહોંચી ગઈ છે, પણ એના ઉપયોગ સામે હંમેશા પ્રશ્નાર્થ રહે છે. આ સાધનોનો યોગ્ય અને પૂરતો ઉપયોગ કરવામાં આવે, શિક્ષકોને નવા સમયની નવી ટેક્નોલોજીના ઉપયોગ માટે ચેતનવંતા કરવામાં આવે તો વિદ્યાર્થીઓની આંખોમાં મોટાં સ્વપ્નો આંજવાં બહુ મુશ્કેલ નથી.

ગૂગલ અર્થ જેવા પ્રોગ્રામની મદદથી, ભૂગોળના શિક્ષક વિદ્યાર્થીઓને દુનિયા આખીની માઉસની પાંખે સફર કરાવે, તો વિદ્યાર્થીઓમાં વાસ્તવિક દુનિયા ફરી વળવાનો અને સાથોસાથ, આ પ્રકારના પ્રોગ્રામ્સ ડેવલપ કરવાનો ઉત્સાહ પણ જાગી શકે છે.

આશા રાખીએ કે એ દિવસો બહુ દૂર નહીં હોય, કારણ કે જે પરિવર્તનો આવી રહ્યાં છે એ બહુ ઝડપી છે. માહિતી અને મનોરંજનના ઇન્ટરનેટ પછીના બીજા મોટા સ્રોત સમાન ટીવીમાં આગામી વર્ષોમાં મોટી ઉથલપાથલ થવાની છે, એની પ્રારંભિક વાતો આ અંકમાં આવરી છે. ડિજિટલ સિગ્નેચર વિશેની જિજ્ઞાસા પૂરી કરતો અને ગેરસમજો દૂર કરતો લેખ પણ ગમશે એવી આશા છે!

– હિમાંશુ 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here