પ્લે સ્ટોરની એરર દૂર કરવાનાં પગલાં

By Content Editor

3

તમારા એન્ડ્રોઇડ પ્લે સ્ટોરમાં ખાખાં-ખોળાં કરતી વખતે તમને કોઈ મજાની એપ દેખાઈ. તેના વિશે જરા વધુ જાણકારી મેળવીને, લોકોના રિવ્યૂ વાંચ્યા. પછી તમને લાગ્યું કે એપ ચોક્કસ ઇન્સ્ટોલ કરવા જેવી છે એટલે તમે ઇન્સ્ટોલ બટન ક્લિક કર્યું. સામાન્ય સંજોગમાં આપણું ઇન્ટરનેટ કનેકશન બરાબર હોય તો તરત જ એ એપ ફોનમાં ડાઉનલોડ થાય અને પછી આપોઆપ ઇન્સ્ટોલ પણ થઇ જાય. પરંતુ એવું થવાને બદલે કોઈ એરર મેસેજ દેખાયો?

આવું થવાનાં બે-ત્રણ દેખીતાં કારણ છે. જેમ કે, તમારા ફોનમાં ઇન્ટરનેટ કનેકશન જ ચાલુ ન હોય. અથવા યોગ્ય સિગ્નલ મળતાં ન હોય કે ફોનમાં એ એપ માટે પૂરતી સ્પેસ ન હોય એવું બની શકે છે. આ તો દેખીતાં કારણ થયાં અને તમે એ બધું બરાબર હોવાની ખાતરી પણ કરી લીધી છતાં તમને કોઈ એરર મેસેજ જોવા મળે છે?

જો દેખીતી રીતે આપણા સ્માર્ટફોનમાં બધું બરાબર હોય છતાં ગૂગલ પ્લે સ્ટોરમાંથી મનગમતી એપ ડાઉનલોડ ન થતી હોય તો એવું થવાનાં જુદાં જુદાં કારણો હોઈ શકે છે.

એના ઉપાય તરીકે આપણે કુલ પાંચ-છ પગલાં અજમાવી શકીએ. આ બધાં પગલાં આપણે એક પછી એક અજમાવતાં જઈએ તેમ તેમ જુદા જુદા પ્રકારની કોઈ એરર હોય તો તે દૂર થતી જાય છે. એટલે એવું બની શકે કે પહેલાં બે-ત્રણ પગલાં લેતાં જ આપણી સમસ્યા ઉકેલાઈ જાય.

તો જાણી લઇએ પ્લે સ્ટોરની એરર દૂર કરવાનાં આ પગલાં.

પગલું-૧

  • સૌથી પહેલાં તમારો ફોન શટડાઉન કરો.

  • હવે ફોન ફરી સ્ટાર્ટ કરો.
  • ફોનમાં ડેટા કનેકશન કે વાઇ-ફાઇથી ઇન્ટરનેટ કનેકશન હોવાની ખાતરી કરો.
  • પ્લે સ્ટોરમાં જાઓ અને અગાઉ ડાઉનલોડ ન થયેલી એપ ફરી ડાઉનલોડ કરવાનો પ્રયાસ કરી જુઓ.
  • હજુ પણ એપ ડાઉનલોડ ન થાય તો પગલું-૨ અજમાવી જુઓ.

પગલું-૨

કોઈ કારણસર આપણા સ્માર્ટફોનમાંની તારીખ અને સમય અને પ્લેસ્ટોરના સર્વરના તારીખ અને સમયનો મેળ બેસતો ન હોય તો પણ એપ ડાઉનલોડ ન થાય તેવું બની શકે છે આના ઉપાય તરીકે…

  • તમારા સ્માર્ટફોનના સેટિંગ્સમાં જાઓ.
  • ‘ડેટ અને ટાઇમ’ પર ક્લિક કરો.
  • ઓટોમેટિક ડેટ એન્ડ ટાઇમ અને ઓટોમેટિક ટાઇમઝોન ઓન જોવા મળે તો બંનેને ઓફ કરી દો (આપણે જાણી જોઈને ફોનની તારીખ અને સમય ખોટા કરવા છે).
  • હવે સેટ ડેટ અને સેટ ટાઇમ પર વારાફરતી ક્લિક કરીને ખોટી તારીખ અને ખોટો સમય સેટ કરી જુઓ (આ કામચલાઉ પગલું છે આપણે થોડી વારમાં ફરીથી સાચી તારીખ અને સમય સેટ કરી લઈશું).
  • હવે ફોનના હોમ સ્ક્રીનમાં જાઓ. ફરીથી સેટિંગ્સમાં જઈને ડેટ અને ટાઇમમાં જાઓ.
  • હવે તારીખ અને સમય મેન્યુઅલી સેટ કરીને બંને સાચા હોય એ રીતે સેટ કરો.
  • ઓટોમેટિક ડેટ એન્ડ ટાઇમ ઓટોમેટિક ટાઇમઝોનને ફરીથી ઓન કરી દો.
  • કોઈ પણ કારણસર આપણા ફોનની તારીખ અને પ્લે સ્ટોરના સર્વરની તારીખ અને સમય વચ્ચેનો સંબંધ ખોરવાયો હોય તો તેને ફરી બરાબર કરવા માટે આ ક્વાયત કરી.
  • હવે ફરીથી પ્લે સ્ટોરમાં જઇને ફરીથી પેલી એપ ડાઉનલોડ કરી જુઓ. જો ફક્ત સમય અને તારીખના મીસમેચનો પ્રશ્ન હશે તો હવે એપ ડાઉનલોડ થઇ જવી જોઈએ. જો હજી પણ એપ ડાઉનલોડ ન થાય તો આગલા પગલાંમાં જાઓ.

પગલું-૩

હવે આપણે ફોનમાં જમા થયેલ કેશ ફાઇલ્સ અને બિનજરૂરી ડેટા સાફ કરવો પડશે. આપણે બધી એપની કેશ ફાઇલ્સ કે બિનજરૂરી ડેટા સાફ કરવા જવાની અત્યારે જરૂર નથી, અત્યારે ફક્ત પ્લેસ્ટોર પર ધ્યાન કેન્દ્રિત કરીએ. આ માટે…

  • સ્માર્ટફોનમાં સેટિંગ્સમાં જાઓ.
  • એપ્સ અથવા એપ્લિકેશન મેનેજર (જુદા જુદા ફોનમાં આ નામ જરા જુદું જદું હોઈ શકે છે) પર ક્લિક કરો.
  • તેમાં ગૂગલ પ્લે સ્ટોર શોધીને તેના પર ક્લિક કરો. અહીં સ્ટોરેજ વિભાગમાં ‘ક્લિયર ડેટા’ અને ‘ક્લિયર કેશ’ના વિકલ્પ જોવા મળશે. બંનેને ક્લિયર કરી દો.

હવે પ્લે સ્ટોરમાં ફરી પેલી એપ ડાઉનલોડ કરવાનો પ્રયાસ કરી જુઓ. જો ન થાય તો આગલા સ્ટેપમાં જાઓ!

પગલું-૪

આટલે સુધીના પગલામાં આપણો પ્રશ્ન ઉકેલાય નહીં તો પ્લે સ્ટોર એપના અપડેટમાં કઇ ગરબડ થઈ હોય તેવું બની શકે છે. તેને બરાબર કરવા માટે..

  • ત્રીજા ગલામાં જણાવ્યા મુજબ સેટિંગ્સમાં એપ્સ કે એપ્લિકેશન મેનેજરમાં ગૂગલ પ્લે સ્ટોર પર ક્લિક કરો.
  • તેમાં ‘અનઇન્સ્ટોલ અપડેટ્સ’નો વિકલ્પ શોધી કાઢો. ફોનના મોડેલ અને એન્ડ્રોઇડના વર્ઝન અનુસાર કાં તો આ વિકલ્પ સીધો જ દેખાશે અથવા જમણે ખૂણે ઉપર ૩ ડોટ પર ક્લિક કરતાં આ વિકલ્પ દેખાશે.
  • તેને ક્લિક કરી, પ્લે સ્ટોર એપને ફેકટરી વર્ઝનમાં લાવી દો.
  • ફોનના હોમ સ્ક્રીનમાં જાઓ. હવે પ્લે સ્ટોર એપ ઓપન કરશો ત્યારે એપ ફરીથી આપણી મંજૂરી માંગશે અને તેમાં નવા અપડેટ્સ ફરીથી ઇન્સ્ટોલ થશે.
  • જો બધું બરાબર થઈ જશે તો હવે પેલી એપ ડાઉનલોડ કરવામાં કોઈ સમસ્યા નડવી ન જોઇએ. હજી પણ તકલીફ જણાય તો હવે વાત થોડી મુશ્કેલ બનતી જાય છે. હવે બની શકે કે આપણા ફોનની સિસ્ટમમાં જ કોઈ મુશ્કેલી હોય.  આ માટે..

પગલું-૫

  • ફોનના સેટિંગ્સમાં જાઓ
  • એબાઉટ અથવા સિસ્ટમ અપડેટ્સના વિકલ્પો શોધી કાઢો. મોટા ભાગે આ વિકલ્પ ફોનના સેટિંગ્સમાં છેક નીચે જોવા મળશે.
  • તેમાં સિસ્ટમ અપડેટ્સ કે સોફ્ટવેર અપડેટ્સ પર ક્લિક કરીને જો કોઈ અપડેટ્સ ઉપલબ્ધ હોય તો તે ડાઉનલોડ કરી લો.
  • હજી પણ એપ ડાઉનલોડ કરવામાં મુશ્કેલી થઈ રહી છે? બની શકે કે તમારા ફોનના ડાઉનલોડ મેનેજરમાં કંઇક ગરબડ ઊભી થઈ હોય તેને તપાસવા માટે આગલા પગલામાં જાઓ.

પગલું-૬

  • ફોનના સેટિંગ્સમાં એપ્સ મેનેજરમાં જાઓ.
  • ફોનના મોડેલ અને એન્ડ્રોઇડના વર્ઝન અનુસાર તમને કાં તો એપ્સ બધી એક સાથે જોવા મળે અથવા ડાઉનલોડેડ, રનિંગ અથવા ઓલના વિકલ્પ જોવા મળશે. ઓલ વિભાગમાં જાઓ અને ડાઉનલોડ મેનેજરને ક્લિક કરો. જો ડાઉનલોડ મેનેજર ડિસેબલ દેખાય તો તેને ઓન કરો. હવે તમારો પ્રશ્ન ઉકેલાઈ જવો જોઈએ. જો ડાઉનલોડ મેનેજર ઇનેબલ હોય તો અહીં કશું કરવાની જરૂર નથી. આટલે સુધીમાં તમારી સમસ્યા ઉકેલાઈ જ જવી જોઈએ!

Please Login to view this content. (Not a member? Join Today!)

આ લેખો પણ ગમશે...

Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop