નોકિયા એન્ડ્રોઇડ સ્માર્ટફોન : લેવા જેવા ખરા?

એન્ડ્રોઇડમાં નોકિયાના આગમન સાથે, આખરે ભારતના સ્માર્ટફોન માર્કેટમાં રસપ્રદ ફેરફાર થવા લાગ્યા છે!

અત્યારે આપણે રૂા. 10,000 કરતાં ઓછી કિંમતનો એન્ડ્રોઇડ સ્માર્ટફોન ખરીદવા માગતા હોઈએ તો મોટા ભાગે ઇન્ડિયન કંપનીના, એન્ડ્રોઇડનું જૂનું વર્ઝન, અપૂરતાં અને આઉટડેટેડ સ્પેકિફિકેશન્સવાળો ફોન સિવાય લગભગ કોઈ વિકલ્પ મળતો નથી.

ખરેખર સ્માર્ટફોન તરીકે ઉપયોગ થઈ શકે એવો ફોન લેવો હોય તો લગભગ બારથી વીસ હજાર સુધીનું બજેટ રાખવું પડે. આ કેટેગરીમાં અત્યારે જોરદાર હરીફાઈ છે, પણ લગભગ બધી જ હરીફાઈ ચાઇનીઝ કંપનીઝ વચ્ચે છે – લિનોવો, મોટો (જે લિનોવોની માલિકીની છે), વીવો, ઓપો, ઝાયોમી, રેડમી, જિયોની… આ બધી કંપનીના ફોન ઓછી કિંમતે જબરજસ્ત સ્પેસિફિકેશન્સ આપે છે, પણ આખરે તે ચાઇનીઝ કંપનીના છે!

તેમની સામે, સેમસંગ ભારતમાં પોતાનું સ્થાન જાળવી રાખવા માટે  આ જ કેટેગરીમાં ઘણા ફોન લોન્ચ કર્યા છે, પણ એ સ્પેસિફિકેશનની દ્રષ્ટિએ ચાઇનીઝ કંપની કરતાં નીચા અને કિંમતમાં ઊંચા છે.

મતલબ કે આપણી પાસે આ કેટેગરીમાં બે જ વિકલ્પ હતા – કાં તો ‘સસ્તા, સારા, પણ ચાઇનીઝ’ ફોન ખરીદો અથવા ‘સારા, પણ જરા મોંઘા’ સેમસંગ ફોન ખરીદો.

હવે નોકિયાએ આ જ સેગમેન્ટમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે, જેના ફોન ભારતમાં બનેલા છે અને મૂળ કંપની ચાઇનીઝ નહીં પણ ફિનલેન્ડની છે!

સ્માર્ટફોનનો જુવાળ આવ્યા પહેલાં, ભારતના ફોન માર્કેટ પર નોકિયાની જબરજસ્ત પકડ હતી. નોકિયાનો ફોન ‘બેસ્ટ વેલ્યૂ ફોર મની ફોન’ ગણાતો અને ગમે તેવા રફ યૂઝ સાથે પણ એ વર્ષોવર્ષ ચાલતો. સાદા ફોનના માર્કેટમાં નોકિયાએ સેમસંગને ક્યાંય પાછળ રાખી હતી.

પણ, એન્ડ્રોઇડની ત્સુનામીને નોકિયા કંપની પારખી શકી નહીં, પરિણામે સાવ ફેંકાઈ ગઈ અને સેમસંગ ટોચ પર પહોંચી ગઈ. પછી, નોકિયાએ માઇક્રોસોફ્ટના સાથમાં વિન્ડોઝ ફોન લોન્ચ કરીને બીજી વાર નિષ્ફળતા મેળવી. હવે ફિનલેન્ડની એચએમડી ગ્લોબલ નામની કંપની સાથે નોકિયાના ત્રણ એન્ડ્રોઇડ ફોન લોન્ચ થઈ ગયા છે, જે અમદાવાદીઓની ભાષામાં કહીએ તો ‘સસ્તા, સારા ને ટકાઉ’ પૂરવાર થવાની પૂરી શક્યતા છે.

આ ત્રણેય ફોનનાં સ્પેસિફિકેશન્સ અહીં આપ્યાં છે. તેને આ જ કિંમતના અન્ય ચાઇનીઝ ફોન સાથે સરખાવશો, ખાસ કરીને પ્રોસેસરની દ્રષ્ટિએ, તો નોકિયાના ફોન સહેજ ઊતરતા લાગશે. પણ, એ યાદ રાખવું જોઈએ કે એપલ આઇફોનમાં એન્ડ્રોઇડ જેટલાં પાવરફૂલ પ્રોસેસર ન હોવા છતાં એ એન્ડ્રોઇડ કરતાં વધુ સારું પરફોર્મન્સ આપે છે, કારણ કે તેમાં હાર્ડવેર અને સોફ્ટવેરનું ઓપ્ટિમમ – એકદમ હોવું જોઈએ એવું – બેલેન્સ હોય છે.

નોકિયાના ત્રણેય ફોનનું સૌથી મોટું જમા પાસું એ છે કે તેમાં એન્ડ્રોઇડનું લેટેસ્ટ અને કોઈ ફેરફાર વગરનું તદ્દન સ્ટોક વર્ઝન છે અને બિનજરૂરી કોઈ જ એપનો ફરજિયાત ઉમેરો નથી. ઉપરાંત નોકિયાએ દર મહિને સિક્યોરિટી અપડેટ્સ અને એન્ડ્રોઇડ ઓ વર્ઝન સુધીના લેટેસ્ટ અપડેટ્સની ખાતરી આપી છે. અન્ય ફોન એન્ડ્રોઇડના જૂનાં વર્ઝન (અત્યારે) આપે છે અને તેની સાથોસાથ તેમાં પોતાની રીતે ઘણા ફેરફાર કરે છે વત્તા સંખ્યાબંધ બિનજરૂરી એપ્સ ઉમેરે છે. આ બધાને કારણે આ ફોનને વધુ પ્રોસેસિંગ પાવર, વધુ સ્પેસ અને વધુ બેટરીની જરૂર પડે છે.

જો નોકિયાના આ ફોન, તેના અગાઉના ફોન જેવી જ ‘ડિપેન્ડેબલ બિલ્ડ ક્વોલિટી’વાળા હોય તો આખરે હવે આપણને ‘સસ્તા, ખરેખર સારા અને ચાઇનીઝ નહીં’ એવા ફોન ખરીદવાનો વિકલ્પ મળશે!

નોકિયાનાં ત્રણ મોડેલની સરખામણી

મોડેલ Nokia 3 Nokia 5 Nokia 6
કિંમત રૂા. ૯૪૯૯/- રૂા. ૧૨૮૯૯/- રૂા. ૧૪૯૯૯/-
એન્ડ્રોઇડ વર્ઝન એન્ડ્રોઇડ ૭.૦ નોગટ એન્ડ્રોઇડ ૭.૧.૧ નોગટ એન્ડ્રોઇડ ૭.૧.૧ નોગટ
કનેક્ટિવિટી એલટીજી ૪જી એલટીજી ૪જી એલટીજી ૪જી
સ્ક્રીન, ડિસ્પ્લે ટાઇપ ૫.૦ ઇંચ, આઇપીએસ, ગોરિલા ગ્લાસ ૫.૨ ઇંચ, આઇપીએસ, ગોરિલા ગ્લાસ ૫.૫ ઇંચ, આઇપીએસ, ગોરિલા ગ્લાસ
સ્ક્રીન રેઝોલ્યુશન એચડી, ૧૨૮૦ x ૭૨૦ પિક્સેલ એચડી, ૧૨૮૦ x ૭૨૦ પિક્સેલ ફુલ એચડી, ૧૨૮૦ x ૧૦૮૦ પિક્સેલ
પ્રોસેસર એમટીકે ૬૭૩૭ ક્વોલકોમ સ્નેપડ્રેગન ૪૩૦ ક્વોલકોમ સ્નેપડ્રેગન ૪૩૦
રેમ ૨ જીબી ૨ જીબી ૩ એ ૪ જીબી
મેમરી ૧૬ જીબી, એક્સાન્ડેબલ ૧૨૮ જીબી ૧૬ જીબી, એક્સાન્ડેબલ ૧૨૮ જીબી ૩૨/૬૪ જીબી, એક્સા. ૧૨૮ જીબી
કેમેરા રીયર એ ફ્રન્ટ ૮ એમી રીયર ૧૩ એમી, ફ્રન્ટ ૮ એમી રીયર ૧૬ એમી, ફ્રન્ટ ૮ એમી
બેટરી ૨૬૩૦ એમએએચ, નોન-રીમૂવેબલ ૩૦૦૦ એમએએચ, નોન -રીમૂવેબલ ૩૦૦૦ એમએએચ, નોન -રીમૂવેબલ
સ્પીકર્સ સિંગલ સ્પીકર સિંગલ સ્પીકર ડ્યુઅલ સ્પીકર, ડોલ્બી એટમોસ સાથે
ક્યાં મળશે ઓફલાઇન સ્ટોરમાં ઓફલાઇ સ્ટોરમાં

માત્ર એમેઝોન પર

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here