હવે પતિ ઓફિસમાં અને દીકરી કોલેજમાં છે કે નહીં એ તમે જાણી શકશો – તેમને પૂછ્યા વિના! ટ્રસ્ટેડ કોન્ટેક્ટ નામની સુવિધા આપણી રોજિંદી ચિંતા ઓછી કરી શકે છે.
હજી હમણાં સુધી કંઈક આવી સ્થિતિ હતી… કોલેજમાં ભણતી દીકરીએ સાંજે આઠેક વાગે ઘેર આવી જવાનું કહ્યું હોય, તો સાડા સાત વાગે ત્યાં મમ્મીનું ટેન્શન વધવા લાગે. કાંટો આઠની ઉપર જાય એટલે મમ્મીનો હાથ ફોન પર જાય અને જો દીકરીનો ફોન નો-રીપ્લાય થાય તો? ફટાફટ એની જેટલી ફ્રેન્ડના નંબર હોય તેને એક-એક પછી કોલ થવાનું શરૂ થાય…
પણ હવે કંઈક આવું થઈ શકશે… આઠ વાગ્યા સુધી તો મમ્મીનો જીવ ઊંચો નહીં થાય અને આઠથી મોડું થશે તો મમ્મી દીકરીને ફોન કરવાને બદલે, પોતાનો સ્માર્ટફોન હાથમાં લઈ, દીકરીનું લાઇવ લોકેશન જાણી લેશે. દીકરી તેની એક ફ્રેન્ડને ઘરે જ છે એવું જાણીને ધરપત સાથે મમ્મી પોતાના કામે વળગશે.
અથવા, ઢળતી સાંજે દીકરી બસસ્ટોપથી ઘર સુધી એકલી આવવાની હોય અને રસ્તે અવરજવર ઓછી હોય તો મમ્મી કે પપ્પા પોતાના સ્માર્ટફોનના સ્ક્રીન પર, દીકરીની સાથોસાથ-વર્ચ્યુઅલી ચાલી શકશે!
વાત ફક્ત દીકરીની નથી. નિયમિત ચાલવા જવાના આગ્રહી વડીલ બીમારી પછી ફરી બહાર ચાલવા જવાનું શરૂ કરે ત્યારે પણ પરિવારના બીજા સભ્યોને એમની ચિંતા રહે. શહેરમાં રમખાણ ફાટી નીકળે કે આતંકી હુમલો થાય તો પણ ઘર બહાર રહેલા સ્વજનની સલામતી ચિંતાનો વિષય બને.
આવા બધા સંજોગમાં, હવે સ્વજનનું લોકેશન જાણવું સહેલું બન્યું છે.