મેપ્સમાં સરળ લોકેશન શેરિંગ

તમારા નિકટના સ્વજન આ ક્ષણે ક્યાં છે એ તમે નક્શા પર સતત જાણવા માગતા હો, તો ગૂગલ મેપ્સમાં આ કામ પહેલાં કરતાં હવે ઘણું વધુ સરળ બની ગયું છે. 

માની લો કે તમે બે-ત્રણ પરિવાર સાથે કોઈ અજાણ્યા સ્થળે પ્રવાસમાં ગયા છો. આ શહેરમાં તમે સૌ શોપિંગ પર નીકળ્યા. જુદા જુદા પરિવાર જુદી જુદી શોપમાં વહેંચાઈ ગયા અને એકબીજાથી દૂર નીકળી ગયા. હવે લંચનો સમય થઈ ગયો છે અને તમારે ફરી ભેગા થવું છે. દેખીતું છે કે તમે ફોન પર એકબીજાનો સંપર્ક કરી લેશો, પણ તમે સૌ પોતપોતાનું લોકેશન એકબીજાને કેવી રીતે જણાવશો?

બીજી સ્થિતિ વિચારો. તમારી દીકરીને કોલેજેથી પાછા આવતા મોડું થઈ ગયું છે. તમે તેને ફોન કરવાનો પ્રયાસ કરો છો પણ લેકચર દરમ્યાન સાયલન્ટ મોડ પર રાખેલા ફોનને ફરી નોર્મલ મોડમાં લાવવાનું દીકરી ભૂલી ગઈ છે. તમને સખત ચિંતા થઈ રહી છે. દીકરી અત્યારે તેના રાબેતા મુજબના રસ્તે જ છે એવું જાણવા મળે તો તમને હાશકારો થાય તેમ છે, પણ એ જાણવું કેવી રીતે?

‘સાયબરસફર’ના અગાઉના અંકોમાં આ માટેની જુદી જુદી સુવિધાઓ આપણે જોઈ હતી, પરંતુ એ બધી થોડી અટપટી હતી. હવે આ કામ બિલકુલ સહેલું થઈ ગયું છે અને એ પણ સીધું જ ગૂગલ મેપમાં.

આ સુવિધાનો આપણે ઉપર વર્ણવ્યા મુજબની અલગ અલગ સ્થિતિમાં અલગ અલગ રીતે ઉપયોગ કરી શકીએ છીએ.

આપણું અને અન્ય મિત્રોનું લોકેશન કામચલાઉ રીતે જાણવું હોય તો ફક્ત થોડા સમય માટે આપણે ગૂગલ મેપ પર આપણું લોકેશન એ મિત્ર સાથે શેર કરી શકીએ છીએ. અથવા પરિવારના તદ્દન નજીકના સભ્યો સાથે આપણું લોકેશન હંમેશ માટે શેર્ડ રહે એવી વ્યવસ્થા કરી શકીએ છીએ.

આ રીતે જ્યારે પણ જરૂર પડે ત્યારે આપણે ફોનમાં ગૂગલ મેપ્સમાં જઈને સામેની વ્યક્તિ ક્યાં છે અને તેમના સુધી સહેલાઈથી કેવી રીતે પહોંચવુ તેનો રસ્તો જાણી શકીએ છીએ. અલબત્ત એ માટે બેં વ્યક્તિના સ્માર્ટફોનમાં એક્યુરેટ લોકેશન ટ્રેકિંગની સુવિધા ઓન રાખવી પડશે.

આપણે ઇચ્છીએ કે તેનો ઉપયોગ કોઈ અણધારી સ્થિતિમાં કરવાનો ન થાય, પરંતુ એવો સમય આવે તો…

હવે ફોનમાં ઇન્ટરનેટ ડેટા અત્યંત સસ્તો થઈ રહ્યો છે ત્યારે નજીકની વ્યક્તિનું લોકેશન સતત જાણતા રહેવાના દેખીતા ફાયદા છે. આપણે ઇચ્છીએ કે તેનો ઉપયોગ કોઈ અણધારી સ્થિતિમાં કરવાનો ન થાય, પરંતુ એવી સ્થિતિ ઊભી થાય ત્યારે આ સગવડ અત્યંત કામે લાગી શકે છે.

આપણા સૌના જીવનમાં એક વ્યક્તિ તો એવી જરૂર હોવાની (કે હોવી જોઈએ!) જે સતત આપણું લોકેશન જાણતી રહે તો તેનો આપણને કોઈ વાંધો ન હોય!

મેપ્સ એપ અપડેટ કરી, તેના ડાબી તરફના મેનુમાં જઈ, ‘શેર લોકેશન (ન્યુ)’ પર ક્લિક કરો.

જો તમે તમારું લોકેશન અમુક ચોક્કસ વ્યક્તિ સાથે શેર કરવા માગતા હો તો ‘ગેટ સ્ટાર્ટેડ’ પર ક્લિક કરો

લોકેશન શેરિંગની અવધિ પસંદ કરી, જેની સાથે શેર કરવું હોય તે વ્યક્તિનું ઈ-મેઇલ એડ્રેસ લખો

હવે એ વ્યક્તિ પોતાની મેપ્સ એપ પર તમે જે તે ઘડીએ ક્યાં છો તે જોઈ શકશે

જો એ વ્યક્તિ પણ આ જ રીતે પોતાનું લોકેશન તમારી સાથે શેર કરશે તો…

…તમે બંને એકબીજાનું લાઇવ લોકેશન, પોતપોતના સ્માર્ટફોન પર સતત જોઈ શકશો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here