રવિવારની બપોર હોય ત્યારે શહેરના જે રસ્તાઓ પ્રમાણમાં ખાલી લાગતા હોય એ સાંજ ઢળ્યા પછી રાતના બાર-બાર વાગ્યા સુધી સખત ટ્રાફિકથી ભરચક થઇ જતા હોય છે. એ જ રીતે ઓફિસે જવા-આવવાના સમય દરમિયાન શહેરોના અમુક રસ્તાઓ ઉપર હંમેશા સખત ટ્રાફિક જામ જોવા મળે છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન્સ પોતપોતાના શહેરના ટ્રાફિકની પેટર્નનો અભ્યાસ કરીને રસ્તા પહોળા કરવાથી માંડીને ફ્લાયઓવર કે મેટ્રો રેલવે કે બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (બીઆરટીએસ) જેવા ઉપાયો અજમાવતા રહેતા હોય છે. પરંતુ શહેરનો ટ્રાફિક ક્યારે કેવી રીતે વધશે તેનો પાકો અંદાજ મેળવવો એક ખાસ્સુ મુશ્કેલ કામ છે.
સાયબરસફરના ગયા અંકમાં આપણે જે કેબ સર્વિસની વિગતવાર વાત કરી તે ઉબર કંપનીએ આ દિશામાં જગતભરના શહેરોના મ્યુનિસિપલ કોર્પોરેશન્સને મદદરૂપ થવા માટે એક નવી પહલ કરી છે તેનું નામ આપ્યું છે મૂવમેન્ટ.