આપણે ફેમિલી ફોટોગ્રાફ્સ કે ઓફિસની મહત્ત્વની ફાઇલ્સ અન્ય કોઈ વ્યક્તિને મોકલવી હોય ત્યારે સામાન્ય રીતે જીમેઇલ જેવી જૂની અને જાણીતી મેઈલ સર્વિસનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ આપણી ફાઇલ સાઇઝ ઘણી મોટી હોય તો આવી મેઇલ સર્વિસની મર્યાદા આવી જાય છે.
જીમેઇલની વાત કરીએ તો તેમાં ૨૫ એમબીથી હેવી ફાઇલ્સ એટેચમેન્ટ તરીકે મોકલવી હોય તો જીમેઇલ તેને પહેલાં ગૂગલ ડ્રાઇવમાં અપલોડ કરે છે અને પછી તેની લિંક તરીકે સામેની પાર્ટીને મોકલે છે. આ કામ સરળ હોવા છતાં કેટલાક લોકોને ગૂંચવાડાભર્યું લાગે છે કારણ કે તેમાં એટેચમેન્ટની ફાઇલ્સ માટે એક્સેસ પરમિશન સેટ કરવાનો મુદ્દો વચ્ચે આવે છે.
તેના ઉપાય તરીકે ઘણા લોકો હેવી ફાઇલ્સ મોકલવા માટે ડ્રોપ બોક્સ, વીટ્રાન્સફર, સેન્ડસ્પેસ કે એરડ્રોપ જેવી ક્લાઉડ સર્વિસનો ઉપયોગ કરે છે પરંતુ આવી સર્વિસમાં આપણી ફાઇલ્સ જે તે સર્વિસના સર્વરમાં સ્ટોર થતી હોવાથી આપણને તેની પ્રાયવસીની ચિંતા રહી શકે છે.
ફાયરફોક્સ બ્રાઉઝર માટે જાણીતા મોઝિલા કોર્પોરેશને હવે આ ચિંતાનો ઉપાય આપ્યો છે.