ખાસ બાળકો માટેની યુટ્યૂબ એપ

યુટ્યૂબ એટલે એક અલગ દુનિયા. તેમાં બાળકો માટે ઉપયોગી અસંખ્ય વીડિયો છે, પણ તેને અલગ તારવવા અત્યાર સુધી બહુ મુશ્કેલ હતા. હવે આ કામ સહેલું બનાવતી એપ આવી ગઈ છે.

આગળ શું વાંચશો? 

  • બાળકને બીજી કોઈ એપ ઓપન કરતાં કેવી રીતે રોકી શકાય?

‘સાયબરસફર’ને વાચકો તરફથી સૌથી વધુ પૂછાતા સવાલોની યાદી બનાવીએ તો સૌથી ટોચ પર બે સવાલ જોવા મળે – પહેલો સવાલ, “ઇન્ટરનેટ પરથી કમાણી કેવી રીતે કરવી? અને બીજો સવાલ, “ઇન્ટરનેટને બાળકો માટે સલામત કેવી રીતે બનાવવું?

મુશ્કેલી એ છે કે આ બંને સાદા સવાલોના જવાબ બહુ મુશ્કેલ છે!

ઇન્ટરનેટ પરથી કમાણી કરવાના તો હજી કેટલાક રસ્તા મળે, પણ અસીમ જ્ઞાનનો અફાટ ખજાનો હોવા છતાં, ઇન્ટરનેટને બાળકો માટે સલામત બનાવવું બહુ મુશ્કેલ છે. મા-બાપનો લગભગ કોઈ અંકુશ અહીં કામ લાગતો નથી અને મા-બાપ માટે મોટી મૂંઝવણ એ હોય છે કે બાળકને આજના સમય સાથે રાખવા માટે, સ્માર્ટફોનથી તદ્દન દૂર રાખવું એ બરાબર નથી અને તે પોતાની રીતે સ્માર્ટફોનમાં ખાખાંખોળાં કરે, તો તેની ઉંમરને અનુ‚પ ન હોય એવું કન્ટેન્ટ પણ તેની નજરે ચઢી જવાનો ડર રહે, ખાસ કરીને યુટ્યૂબ પર.

યુટ્યૂબ પોતે એક અલગ ઇન્ટરનેટ જેવી આગવી દુનિયા છે. અહીં તમે જેવા જોવા ઇચ્છો તેવા વીડિયો જોઈ શકો છો. એમ કહો કે પૃથ્વી પરનો કોઈ વિષય એવો નહીં હોય, જેના વિશે યુટ્યૂબ પર વીડિયો ન હોય. આ જ કારણે, એ બાળકને મજો મજો કરાવી દેવાનું કે તેની જિજ્ઞાસાને સાચા રસ્તે વાળવાનું જેટલું અદભુત સાધન કે માધ્યમ છે એટલું જ જોખમી પણ છે.

યુટ્યૂબમાં, તેના અત્યારના સ્વરૂપમાં સેફ સર્ચ જેવી કેટલીક સગવડ છે, પણ પેરેન્ટલ કંટ્રોલની દ્રષ્ટિએ એ તદ્દન અપૂરતી છે. ખુદ યુટ્યૂબના સંચાલકો પણ આ વાત બરાબર જાણતા હશે. એટલે જ દોઢેક વર્ષ પહેલાં ‘યુટ્યૂબ કિડ્સ’ નામની એક અલગ એપ અમેરિકામાં લોન્ચ કરવામાં આવી હતી અને હવે, નવેમ્બર ૨૦૧૬થી તે ભારતમાં પણ ઉપલબ્ધ થઈ ગઈ છે.

તમે પણ તમારાં બાળકોને યુટ્યૂબનો ફક્ત લાભ મળે અને તેમને કોઈ નુક્સાન ન પહોંચે એવું ઇચ્છતા હો તો તમારે તમારા એન્ડ્રોઇડ કે આઇઓએસ સ્માર્ટફોન/ટેબલેટમાં યુટ્યૂબ કિડ્સ એપ ચોક્કસ ઇન્સ્ટોલ કરી લેવા જેવી છે.

આ એપમાં ફક્ત બાળકોને ઉપયોગી એવા વીડિયો ઓટોમેટિક ફિલ્ટર થાય છે. ભારતમાં ઇંગ્લિશ ઉપરાંત સંખ્યાબંધ હિન્દી વીડિયો પણ જોઈ શકાય છે.

આ એપ ખાસ બાળકો માટે ડિઝાઇન થયેલી હોવા છતાં, મોટી ઉંમરના લોકોને શ‚આતમાં ગૂંચવી શકે એવી છે – આપણે અહીં તેનો સ્ટેપ-બાય-સ્ટેપ ઉપયોગ સમજી લઈએ.

૧. યુટ્યૂબ કિડ્સ એપ તમારા સ્માર્ટફોનમાં ઇન્સ્ટોલ કરીને ઓપન કરશો ત્યારે સૌથી પહેલાં, તમારે પોતે તેમાં કેટલાંક સેટિંગ્સ કરવાનાં અને સમજવાનાં રહેશે. એપની શ‚રૂઆત આ પગલાં સૂચવતા સ્ક્રીનથી થશે.

૨. બાળક તમારાં સેટિંગ્સમાં કોઈ ફેરફાર કરી ન શકે એ માટે, શ‚રૂઆતમાં આપણે એક પિનકોડ એન્ટર કરીને આગળ વધી શકીએ છીએ. જરા મોટાં બાળકો આ કામ શીખી શકે છે, પણ તમે પોતાનો પિન પણ સેટ કરી શકો છો.

૩. હવે એપ આપણને સમજાવશે કે તેમાં બાળકોને અનુ‚પ વીડિયો કઈ રીતે પસંદ કરવામાં આવે છે. બાળક કેટલાક વીડિયો જુએ એ પછી, એપ તેની પસંદગી સમજીને તે મુજબ એ પ્રકારના વધુ વીડિયો સૂચવે છે.

૪. આ એપમાં બાળકોને અનુ‚પ વીડિયોની પસંદગી ઓટોમેટિક થતી હોવાથી કોઈ વીડિયો બાળકને અનુ‚પ ન હોય એવું બની શકે છે. આપણે એવો વીડિયો ઓપન હોય ત્યારે ત્રણ ડોટ પર ક્લિક કરી, તેને ‘ફ્લેગ’ કરી તે યોગ્ય ન હોવાની જાણ કરી શકીએ છીએ.

૫. એપ શરૂઆતનાં સેટિંગ્સ વખતે આપણે પૂછે છે કે તમે બાળક માટે કયા પ્રકારના વીડિયો પસંદ કરશો – પ્રીસ્કૂલ, સ્કૂલ એજ કે પછી તમામ ઉંમરનાં બાળકો માટે.

૬. બાળકો પોતાની રીતે વીડિયો સર્ચ કરી શકે કે નહીં એ પણ આપણે નક્કી કરી શકીએ છીએ. જો સર્ચ ઓફ રાખશો તો મર્યાદિત વીડિયો બાળકને જોવા મળશે. તમે પોતે બાળકની સાથે વીડિયો સર્ચ કરતા રહેશો અને પછી સર્ચ ઓફ કરશો તો તેને પસંદગીની વધુ તક મળશે.

૭. આટલું કર્યા પછી, તમે નિશ્ચિત મને સ્માર્ટફોન બાળકના હાથમાં સોંપી શકો છો. બાળગીતો, બાળવાર્તા, ગણિત કે વિજ્ઞાનની વિવિધ વાતો રમત-રમતમાં શીખવતા વીડિયોમાં બાળક લાંબો સમય ગૂંથાયેલું રહેશે એ નક્કી.

૮. તમે ઇચ્છો ત્યારે લોકની નિશાની પર ક્લિક કરી, સિસ્ટમ પૂછે તે પિન આપીને એપનાં સેટિંગ્સ બદલી શકો  છો. એપ અમુક નિશ્ચિત સમય સુધી જ ચાલુ રહે અને પછી આપોઆપ બંધ થાય એવું સેટિંગ પણ થઈ શકે છે.


બાળકને બીજી કોઈ એપ ઓપન કરતાં કેવી રીતે રોકી શકાય?

યુટ્યૂબ કિડ્સ એપ નાનાં બાળકો માટે ખાસ ઉપયોગી છે, પણ આ ફોન ઓપન કરીને ફોન તેમના હાથમાં મૂકી દેવામાં જોખમ એ છે કે એ રમત રમતમાં બીજી કોઈ એપ ઓપન કરી લે, તો આપણે કામની બાબત ડિલીટ થઈ જવા શક્યતા રહે.

આમાંથી બચવા માટે તમે એપ્સ લોક કરવાની સગવડ આપતી કોઈ એપ ઇન્સ્ટોલ કરી શકો, અથવા જો તમારા ફોનમાં લોલિપોપ કે ત્યાર પછીનું એન્ડ્રોઇડ વર્ઝન હશે તો સ્ક્રીન પીનિંગની સુવિધા ઉપયોગી થશે. તેનો લાભ લેવા માટે, સિક્યુરિટી વિભાગમાં, સ્ક્રીન પીનિંગનો વિકલ્પ શોધીને તેને ઇનેબલ્ડ કરી દો અને અનપિન કરવા માટે પિનની જરૂર પડે તેવા વિકલ્પને પણ ઇનેબલ કરો.

હવે તમારા બાળકને ફોન આપવો હોય ત્યારે યુટ્યુબ કિડ્સ એપ ઓપન કરો. પછી ફોનમાં ઓપન બધી એપ જોવાની સગવડ આપતા ‘ઓવરવ્યૂ’ બટન પર ક્લિક કરો. તેમાં સૌથી ઉપરની યુટ્યૂબ કિડ્સ એપ પર નીચેના જમણા ખૂણે આપેલા પિનના આઇકનને ક્લિક કરી દો. બાળક યુટ્યુબ કિડ્સ એપ જોઈ શકશે, પણ ભૂલથી પણ બીજી કોઈ એપ ઓપન કરી શકશે નહીં.

કોઈ મિત્ર ફક્ત કોલ કરવા તમારો ફોન માગે ત્યારે આ રીતે કોલ એપ પિન કરીને આપશો તો એ મિત્ર બીજી કોઈ એપ જોવાનો પ્રયાસ કરશે તો મેસેજ મળશે કે ‘આ સ્ક્રીનને અનપિન કરવા માટે…’. એમ કરવા જતાં, ફોનનો લોકસ્ક્રીન સામે આવી જશે! તમે પોતે ફોન અનલોક કરશો, પછી બધી એપ પહેલાંની જેમ ઓપન કરી શકશો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here