આપણા વિશેના તમામ ડેટાને પરસ્પર સાંકળી શકે એવી કોઈ સિસ્ટમ હોય તો?

અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો શહેરમાં સેન્ટ્રલ ઓપરેટિંગ સિસ્ટમ નામે એક સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી છે. જેમ કમ્પ્યુટર કે સ્માર્ટફોનમાંની ઓપરેટિંગ સિસ્ટમ આપણા વિશે ઘણું બધું જાણે છે, તેમ આ તો આખા શહેરની ઓપરેટિંગ સિસ્ટમ છે, એ શહેરના દરેક નાગરિકના જીવનને સ્પર્શતી અસંખ્ય વાતો જાણી શકે છે અને આ દરેક માહિતીને એકમેક સાથે સાંકળીને, છેડા મેળવે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી લેટેસ્ટ ટેક્નોલોજીથી આ સિસ્ટમ વધુ ને વધુ સ્માર્ટ બનતી જાય છે.

પણ આખરે તો આ સિસ્ટમ પણ એક પ્રકારનું મશીન છે. તેમાં કંઈ ખરાબી સર્જાય છે, સિસ્ટમ તેની ગણતરીઓમાં ભૂલ કરે છે અને માર્કસ હોલોવે નામની એક વ્યક્તિને, તેણે જે ગુનો કર્યો નથી તેનો આરોપી બનાવી દે છે.

વાતમાં હવે ટવીસ્ટ આવે છે, આ માર્ક્સ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. એ એક પ્રોફેશનલ હેકર છે, એટલે તે વિવિધ પ્રકારની કમ્પ્યુટર સિસ્ટમમાં ઘૂસી શકે છે. તે પોતાને ગુનેગાર ઠરાવતી, શહેરની સેન્ટ્રલ ઓપરેટિંગ સિસ્ટમ સામે મેદાને પડે છે…

આ ફક્ત એક કલ્પના છે. અને વોચ ડોગ્સ નામની એક કમ્પ્યુટર ગેમનો પ્લોટ છે.

તમે જો વીડિયો ગેમના રસિયા હો તો વોચ ડોગ્સ તમારા માટે જાણીતું નામ હશે. મૂળ ૨૦૧૪માં રજૂ થયેલી આ ગેમની સિક્વલ વોચ ડોગ્સ ૨ નવેમ્બર ૨૦૧૬માં રીલિઝ થઈ. આ ગેમનો હીરો છે માર્કસ હોલોવે નામનો એક હેકર, જેના જીવનને સંબંધિત વિવિધ ડેટાના તાણાવાણા મેળવવામાં કાલ્પનિક સેન્ટ્રલ ઓપરેટિંગ સિસ્ટમ ગોટાળા કરે છે અને પરિણામે માર્ક્સને માથે ગુનેગારનું લેબલ લાગી જાય છે.

આ તો ગેમની સ્ટોરી થઈ, હવે આખી વાતને વાસ્તવિક જીવન સાથે જોડી જુઓ. ખરેખર આવી કોઈક સેન્ટ્રલ ઓપરેટિંગ સિસ્ટમ હોય અને તે આપણા જીવનની બધી બાબતોનો તાણાવાણા મેળવી શકતી હોય તો? ‚વાડાં ઊભાં થઈ ગયાં?

આપણે સૌ અનેક રીતે, અનેક પ્રકારનો ડિજિટલ ડેટા રોજેરોજ જનરેટ કરી રહ્યા છીએ. ફેસબુક, ટ્વીટર જેવા સોશિયલ મીડિયા ઉપરાંત સંખ્યાબંધ સાઇટ પર આપણે લોગ-ઇન થઈએ, કમેન્ટ, કન્ટેન્ટ, ફોટોગ્રાફ વગેરે પોસ્ટ કરીએ… એ બધો ડેટા તો ખરો જ, એ સિવાય આપણે સંખ્યાબંધ ઓનલાઇન ફોર્મમાં આપણી વિગતો ભરીએ છીએ.

આધાર જેવી વ્યવસ્થામાં તો, આ પૃથ્વી પર આપણા અસ્તિત્વ સંબંધિત તમામ વાતો જેમ કે નામ, સરનામું, ઉંમર, દસેદસ આંગળીની ફિંગરપ્રિન્ટ, આંખની રેટિનાની યુનિક ડિઝાઇન, બેન્કનું ખાતું…. આ બધું આવરી લેવાયું છે. દેશની ટેક્નોલોજી હજી પાછળ છે, બાકી તો આપણો ડીએનએ રેકોર્ડ પણ આધારમાં આવરી લેવાયો હોત!

એ સિવાય મોટાં શહેરો હવે કેમેરાનાં જાળાં બનવા લાગ્યાં છે. લંડન જેવા શહેરમાં દર ૧૧ વ્યક્તિએ એક કેમેરા કાર્યરત થઈ ગયો છે, જેમાં દિવસરાત આપણી બધી હિલચાલ કેદ થતી રહે છે.

હવે વિચારો કે કોઈ એવી વ્યવસ્થા હોય, જે આ બધા ડેટાને એકમેક સાથે સાંકળી શકે, તો? (પેલી ગેમમાંની સિસ્ટમ હવે સમજાઈ?)

તો, આ સિસ્ટમ આપણા વિશે કદાચ આપણાથી વધુ જાણી શકે. ગૂગલ તો ફક્ત ઇન્ટરનેટ પરની આપણી થોડી ઘણી પ્રવૃત્તિ જાણે છે, આપણે જે સિસ્ટમની વાત કરીએ છીએ એ તો આપણા વિશેના તમામ ડેટાનો ઉપયોગ કરે છે.

આ જ અંકમાં આગળના પાને અમેરિકાની જે ‘સ્પોકિયો’ સર્વિસની વાત છે તે કંઈક આવી જ રીતે, જુદી જુદી ૬૧ સોશિયલ સાઇટ્સ પરથી અને ક્લાઉડમાં કનેક્ટેડ અન્ય વિવિધ સર્વિસીઝ પરથી આપણા વિશેની પાર વગરની માહિતી વ્યવસ્થિત રીતે એકઠી કરીને વેચે છે. આ સિસ્ટમમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની શક્તિ ઉમેરાય તો તે શું કરી શકે એની કલ્પના પણ મુશ્કેલ લાગે છે?

તો તમારું કામ સહેલું બનાવે છે એક ખાસ વેબસાઇટ :predictiveworld.watchdogs.com

આ લેખની શરૂ‚આતમાં કહી તેવી શહેરને બદલે આખા વિશ્વની કોઈ સેન્ટ્રલ ઓપરેટિંગ સિસ્ટમ હોય, તેને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદ હોય તો આવી સિસ્ટમ આપણો ડેટા મેળવીને તેના આધારે કેટલું જાણી શકે અને આપણા ભાવિનો કેવો અંદાજ બાંધી શકે એ આ સાઇટ બતાવે છે.

આ સાઇટ પર તમે કાલ્પનિક ઉંમર અને જાતિ કહીને આગળ વધી શકો છો અથવા ફેસબુકથી લોગ-ઇન થશો અને જો તમે ફેસબુક પર ખાસ્સા સક્રિય હશો તો તેમાંના તમારા ડેટાનું વિષ્લેષણ કરીને અને તેમાંની જુદી જુદી બાબતોનો એકબીજા સાથે તાળો મેળવીને આ સિસ્ટમ તમારા વિશે ૬૦ પ્રકારનાં અનુમાન જણાવી શકશે (આ સાઇટને ફેસબુકથી ડિસકનેક્ટ કરવા માટે, એફબીમાં સેટિંગ્સમાં એપ્સમાં જઈને તેને રીમૂવ કરી શકાશે).

આ વેબસાઇટ ખરેખર તો લેખની શરૂઆતમાં જણાવેલી કમ્પ્યુટર ગેમના પ્રમોશન માટે બનાવવામાં આવી છે, પણ તે સાવ કપોળ કલ્પના નથી. યુકેની યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજના સંશોધકો આ વેબસાઇટના સર્જનમાં સંકળાયેલા છે.

યાદ રહે, આ ફક્ત એક ઝલક છે અને માત્ર ફેસબુકના ડેટાનો ઉપયોગ કરે છે, પણ જો તે સ્પોકિયો સર્વિસની જેમ વિવિધ સ્રોતમાંથી આપણો ડેટા મેળવીને તેનાં કનેક્શન સાધી શકે તો આ કલ્પના નક્કર હકીકત બની શકે છે. આપણે કેવા ભાવિ તરફ આગળ વધી રહ્યા છીએ તેની ઝલક મેળવવા માટે એક વાર આ સાઇટ અચૂક જોવા જેવી છે.

આપણા વિશે કેવી આગાહી શક્ય છે?

  • પ્રોફાઇલ : ઉંમર કેટલી, સ્ત્રી છો કે પુરુષ? વજન કેટલું, ઊંચાઈ કેટલી? વગેરે ઊંચાઈ કેટલી છે?
  • પસંદગી : સંગીત, મૂવીઝ, સાહિય્ત, ડાન્સ, કાર વગેરેની પસંદગીના પ્રકાર. કઈ કારના માલિક છો?
  • માનસિકતા : કેટલા ખુલ્લા દિલના છો? કોઈ વાતની મન પર કેટલી અસર થાય છે? બહિર્મુખી છો કે અંતર્મુખી? લાગણીની દૃષ્ટિએ સંતુલિત છો કે નહીં? કેવા પ્રકારનું વ્યક્તિત્વ છે? કેટલા બુદ્ધિશાળી છો?
  • જીવનમાં સંતોષ : તમારી માનસિકતા ધ્યાને લઈને, કારકિર્દી, આર્થિક, સામાજિક વગેરે રીતે કેવાં જોખમો આવી શકે છે?
  • સ્વાસ્થ્ય : ડોક્ટરની કેટલી વિઝિટ કરો છો, કેટલું જીવવાની શક્યતા છે? આ વર્ષમાં મૃત્યુની સંભાવના કેટલી છે? દારુ, ડ્રગ્સ, ધૂમ્રપાન વગેરેનું કેટલું પ્રમાણ છે?
  • કામકાજ : કેવું કામ પસંદ કરો છો, રસના વિષયો કયા છે, આવક કેટલી છે?
  • પરિવાર : રીલેશનશીપ સ્ટેટસ શું છે, પરીણિત હોવાની સંભાવના કેટલી, લગ્નની સંભાવના કેટલી, લગ્નજીવન કેટલું ટકવાની શક્યતા વગેરે
  • અન્ય : કેવા પ્રકારની નોકરી મળી શકે, રોજિંદા જીવનનો ખર્ચ કેટલો, ટ્રાફિક એક્સિડન્ટમાં મૃત્યુ, આત્મહત્યા વગેરેની સંભાવના કેટલી?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here