કાર્ટૂન કે કોમિક સ્ટ્રીપ બનાવવા બે બાબત જરૂરી છે – આઇડિયા અને પેઇન્ટિંગની આવડત. ઇન્ટરનેટ પરની સંખ્યાબંધ વેબસાઇટ્સ આ બંનેમાંથી બીજું કામ સહેલું બનાવી દે છે.
આ લેખ સાથેની કોમિક સ્ટ્રીપ્સ જોઈને તમને થયું હશે કે ‘સાયબરસફર’ની ટીમમાં કોઈ કાર્ટૂનિસ્ટનો પણ ઉમેરો થયો લાગે છે! વાસ્તવમાં એવું નથી. આ કોમિક તૈયાર કરવા માટે ફક્ત મગજ દોડાવવામાં આવ્યું છે, કોઈએ હાથમાં પેન કે પીંછી પકડ્યાં નથી!
સાથે એ પણ ખરું કે કોઈ બીજાની કોમિક સ્ટ્રીપની તફડંચી કરીને તેના પર ગુજરાતી લખાણ મૂકી દીધું એેવું પણ નથી! આ બંને કોમિક સ્ટ્રીપ નવેસરથી સર્જવામાં આવી છે.
આમ જુઓ તો કાર્ટૂન કે કોમિક સ્ટ્રીપમાં બે બાબત મુખ્ય ભૂમિકા ભજવે છે. એક છે, આઇડિયા. કંઈક એવો મજાનો વિચાર, જે આપણે કોઈને કહીએ તો એને પણ મજા પડે. બીજી બાબત છે એ આઇડિયાને ચિત્ર કે જુદાં જુદાં ચિત્રોમાં રજૂ કરવાની આવડત. આ બંને બાબતનો સરસ મેળ ન થાય ત્યાં સુધી કાર્ટૂન કે કોમિક સ્ટ્રીપમાં વાત જામે નહીં.