હવે ટીવીમાં ઇન્ટરનેટ માટે લડાઈ

આવનારા દિવસોમાં એફટીટીએચ શબ્દ બહુ ગાજવાનો છે

હજી તો ‘બાહુબલી’ ફિલ્મના પહેલા ભાગના યુદ્ધનાં દ્રશ્યો આપણા મગજમાંથી ભૂંસાયાં નહોતાં ત્યાં નવી રણનીતિઓ સાથેના નવા ઘમાસાણવાળો બીજો ભાગ આવી ગયો! કંઈક આવું જ અત્યારે ઇન્ટરનેટના ડેટા કનેકશન ક્ષેત્રે પણ ચાલી રહ્યું છે.

આપણને લાગતું હતું કે ટેલિકોમ કંપનીઓ આપણને સ્માર્ટફોનમાં વધુ ને વધુ ડેટાના ઉપયોગની લત લગાડવા માટે જંગે ચઢી છે પણ આ ક્ષેત્રની બાહુબલી કંપનીઓએ અત્યારથી જ બીજા મોટા જંગની શરૂઆત કરી દીધી છે.

હજી હમણાં જ સમાચાર આવ્યા છે કે એક અભ્યાસ મુજબ ભારતમાં અને આખી દુનિયામાં સ્માર્ટફોન અને કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ ડેટા વધુ સરળ, વધુ ઝડપી અને વધુ સસ્તો બન્યો હોવાથી ટીવીના દર્શકોની સંખ્યા ઘટવા લાગી છે. બીજી તરફ ડેટા કંપનીઓને આપણે ફક્ત સ્માર્ટફોનમાં વીડિયો જોઈ જોઈને તેમને કમાણી કરાવીએ એટલાથી સંતોષ નથી. એટલે આ કંપનીઓ હવે આપણને ટીવીના પડદે ઇન્ટરનેટની ટેવ પાડવા મથે છે.

અત્યારે જેમ ૩-જી, ૪-જીની વાતો જોરશોરથી થાય છે એમ આવનારા થોડા સમયમાં એક નવો શબ્દ વધુ ગાજવાનો છે  એફટીટીએચ એટલે કે ફાઇબર-ટુ-ધ-હોમ.

આપણા ઘર કે ઓફિસ સુધી ઇન્ટરનેટ પહોંચાડવાની અત્યાર સુધીની ટેકનોલોજીમાં મોટા ભાગે કોપર ધાતુના કેબલનો ઉપયોગ થતો આવ્યો છે. ઇન્ટરનેટ જગતમાં ડેટાની કોઈ અછત નથી, પરંતુ આ ડેટાનું વહન કરી શકે તેવી સિસ્ટમની ક્ષમતા ઓછી પડે છે.

જો ધાતુના કેબલને બદલે ફાઇબરનો ઉપયોગ કરવામાં આવે તો કાચની અત્યંત બારીક નળી જેવા ફાઇબર જે ઝડપે પ્રકાશનું વહન કરી શકે એ જ ઝડપે ઇન્ટરનેટ ડેટાનું વહન કરી શકે છે. એટલે હવે દુનિયાભરની  ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડિંગ કંપની ફાઇબર નેટવર્ક ઊભા કરી રહી છે. આ ફ્યૂચરપ્રૂફ ટેકનોલોજી પણ કહેવાય છે.

દુનિયા માટે આ ટેકનોલોજી નવી નથી પણ ભારતમાં હજી ખાસ્સી નવી છે અને એટલે જ ભારતમાં તેનો વ્યાપ વધવાની શક્યતાઓ ઘણી વધુ છે. ઘર કે ઓફિસ સુધી બ્રોડબેન્ડ કનેકશન પહોંચાડતી આ નવા પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં ભારત વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં હજુ ઘણું પાછળ છે. સિંગાપોર જેવા દેશમાં ૯૫ ટકા જેટલા બ્રોડબેન્ડ કનેકશન એફટીટીએચથી ચાલે છે, દક્ષિણ કોરિયામાં ૮૨.૯ ટકા અને હોંગકોંગમાં ૭૧.૪ ટકા જેટલા કનેકશન આ ટેકનોલોજીથી ચાલે છે. તેની સરખામણીમાં ભારતમાં માત્ર ૦.૫ ટકા બ્રોડબેન્ડ કનેકશન આ ટેકનોલોજી અનુસાર ચાલે છે.

એફટીટીએચનો અર્થ બરાબર સમજીએ તો, નામ મુજબ, આ ટેકનોલોજીમાં ઇન્ટરનેટ ડેટા પૂરી પાડતી કંપનીના સેન્ટ્રલ સ્ટેશનથી છેક આપણા ઘર સુધી ફાઇબરનું કનેકશન આપવામાં આવે છે. જૂની ટેકનોલોજીમાં બેકબોન કહી શકાય એવા ભાગમાં ફાઇબરનો ઉપયોગ શરૂ થઈ ગયો હોય તો પણ આપણા ઘર સુધી છેવટે તો કોપર કેબલ દ્વારા જ કનેકશન પહોંચે છે.

એફટીટીએચમાં છેક ઘર સુધી ફાઇબર આવ્યા પછી ત્યાંથી આપણા રાઉટર સુધીના અંતર માટે જ અન્ય કેબલનો ઉપયોગ થાય છે. પરિણામે અત્યારની ટેકનોલોજી આપણને માંડ ૨ કે ૪ એમબીપીએસની ઝડપ આપી શકે છે ત્યારે એફટીટીએચથી ૧૦૦ એમબીપીએસ સુધીની ઝડપ મળી શકે છે.

બીએસએનએલ, એરટેલ અને રિલાયન્સ જિઓ જેવી કંપની ભારતમાં મોટા પાયે એફટીટીએચ સર્વિસ લાવી રહી છે અને તેના જોર પર આપણને સ્માર્ટફોન કે કમ્પ્યુટર ઉપરાંત ટીવી પર ઇન્ટરનેટ વાપરવા તરફ વાળવા માગે છે.

આ પ્રકારના કનેકશનમાં અનલિમિટેડ પ્લાન હોવાની શક્યતા નહિવત્ છે પણ મહિને એક ટેરાબાઇટ (એટલે કે એક હજાર જીબી!) સુધીના પ્લાનની વાતો થવા લાગી છે. ટીવીની જેમ ઇન્ટરનેટનો ઉપયોગ કરવો હોય તો એટલો ડેટા તો જોઈશેને!

ઉપરના ડાયાગ્રામમાં, ડાબી તરફ ટેલિકોમનું સેન્ટ્રલ સ્ટેશન છે અને જમણી તરફ હોમ કે ઓફિસ. બંને વચ્ચે ફાયબર કેબલું પ્રમાણ નેટવર્ક, કર્બ, બિલ્ડિંગ અને છેવટે હોમ સુધી સતત વધતું ગયું છે, પરિણામે આપણે મળતા નેટ કનેક્શનની સ્પીડ સતત પણ વધતી જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here