જેમ આપણને મોબાઇલ વિના ચાલતું નથી, તેમ મોબાઇલને પાવર વિના ચાલતું નથી! તમારા સ્માર્ટફોનની બેટરી આખો દિવસ ચાલતી ન હોય તો પાવર બેન્ક વસાવી લેવી હિતાવહ છે.
આજના સમયમાં સ્માર્ટફોન કે ટેબલેટ સૌને માટે અનિવાર્ય જરૂરિયાત છે અને બંનેમાં બેટરીની ક્ષમતા સતત વધી રહી છે તો સામે બેટરીનો વધુમાં વધુ ખાત્મો કરે એવી એપ્સ અને સર્વિસીઝ પણ વધી રહી છે. તમારા ફોન કે ટેબલેટમાં બેટરી પૂરો એક દિવસ પણ ન ચાલતી હોય અને તમારે વારંવાર એક સ્થળેથી બીજા સ્થળે જવાનું થતું હોય તો બેટરી ચાર્જ કરવા માટે પૂરતો સમય ન મળે તેવું બની શકે. આવી સ્થિતિમાં પાવર બેન્ક ઘણી મદદરૂપ થઈ શકે એ તો તમે જાણતા જ હશો પણ જ્યારે ખરેખર પાવર બેન્ક ખરીદવાનું વિચારો ત્યારે ઘણી ગૂંચવણનો સામનો કરવાનો થઈ શકે.
બજારમાં પાવર બેન્ક ૨૦૦૦ એમએએચથી લઈને છેક ૨૬૦૦૦ એમએએચ સુધીની કેપેસિટીમાં મળે છે. ઓફલાઇન અને ઓનલાઇન સ્ટોરમાં મળતી પાવર બેન્કની કિંમતમાં બહુ મોટા તફાવત જોવા મળે છે અને પાવર બેન્કનાં જુદાં જુદાં ફીચર્સમાં પણ ઘણું વેરિએશન જોવા મળે છે.