પોતાની ક્ષિતિજો પોતે જ વિસ્તારીએ

ટ્રેવિસ કાલાનિક નામના એક અમેરિકન કમ્પ્યુટર પ્રોગ્રામરે સાતેક વર્ષ પહેલાં, પોતે ૩૬ વર્ષનો હતો ત્યારે એક કંપની સ્થાપી. આજે સાત વર્ષમાં એ કંપની ૮૧ દેશોનાં ૫૬૧ શહેરોમાં ફેલાઈને આખી દુનિયાની સૌથી સફળ સ્ટાર્ટ-અપ કંપની બની ગઈ છે. 

રીતેશ અગરવાલ નામના એક ભારતીયે, ફક્ત ૧૭ વર્ષની ઉંમરે પોતાની કંપની શરૂ કરી અને પાંચેક વર્ષમાં એ પણ, ૧૭૭ શહેરોની ૬૫૦૦થી વધુ હોટેલ્સમાં રોજેરોજ રૂમ્સ બુક કરવા લાગીને ભારતની સૌથી સફળ સ્ટાર્ટ-અપ કંપની ગણાવા લાગી છે.

ઉબર અને ઓયો ‚રૂમ્સના આ સ્થાપકોની આ સાધારણ સફળતા ભલે અપવાદ હશે, પણ તેની સામે બીજી એક વાસ્તવિકતા એ પણ છે કે ભારતમાં દર વર્ષે કોલેજીસમાંથી બહાર નીકળતા આઠેક લાખ એન્જિનીયર્સમાંથી ૬૦ ટકાને નોકરી મળતી નથી!

ભારતીય ઉદ્યોગોને તો નવા એન્જિનીયર્સની તાતી જરૂર છે પણ નવા એન્જિનીયર્સ તેમને ‘એમ્પ્લોયેબલ – નોકરી આપી શકાય તેવા’ લાગતા નથી.

ગયા વર્ષે, ભારતની એક કંપનીએ એન્જિનીયર્સ કેટલા એમ્પ્લોયેબલ છે એ તપાસવા માટે દોઢેલ લાખ ફ્રેશર્સને આવરી લેતો એક અભ્યાસ કર્યો હતો અને તેમાં તારણ નીકળ્યું હતું કે માંડ ૭ ટકા યુવાનો નવી નોકરીની જવાબદારીઓ યોગ્ય રીતે પૂરી કરી શકવા સક્ષમ હતા.

કોઈ પણ વ્યક્તિ માટે આ બહુ આંચકાજનક આંકડા છે. આજની શિક્ષણવ્યવસ્થા જોતાં, આ સ્થિતિ ફક્ત એન્જિનીયરિંગ પૂરતી સીમિત ન હોય એવું બની શકે છે.

આ સ્થિતિ એન્જિનીયર બનીને બેકાર રહેતા યુવાનના પરિવાર માટે જેટલી તકલીફદાયી છે એટલી જ આખા દેશ માટે છે. આજે ભારત માટે આખી દુનિયામાં સૌથી વિશાળ યુવાધન છે અને સરકાર ‘મેક ઇન ઇન્ડિયા’ની ઝુંબેશ ચલાવીને દેશને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની મથામણમાં છે ત્યારે, એ દિશામાં આગળ વધવા જરૂરી ટેલેન્ટ અને સ્કિલ્સની જ જોરદાર ખોટ વર્તાઇ રહી છે.

શિક્ષણના વેપારીકરણ પછી કેટલાંય શહેરોમાં શોપિંગ સેન્ટર્સમાં પણ કોલેજ શરૂ‚ થઈ ગઈ છે. એ આ સ્થિતિ પાછળનું સૌથી મોટું કારણ હોઈ શકે, પણ આપણે પોતે પણ એટલા જ જવાબદાર છીએ.

શિક્ષણ ફક્ત કોલેજમાં જ મળે એવું હવે રહ્યું નથી. આખી દુનિયાનું જ્ઞાન મેળવવું આજે જેટલું સહેલું છે એટલું અગાઉ ક્યારેય નહોતું.

કોલેજમાં જવાથી અને લેક્ચર્સ એટેન્ડ કરીને પરીક્ષાની વૈતરણી પાર કરવાથી, એન્જિનીયર (કે બીજું કંઈ પણ) બની જવાય એ માનસિકતામાંથી આપણે બહાર આવવું પડશે. પોતાના શિક્ષણની ક્ષિતિજો પોતે જ વિસ્તારવી પડશે. આજના યુવાનો માટે યુટ્યૂબ, ફેસબુક કે વોટ્સએપનું બંધાણ તમાકુ-ગુટકા જેટલું જ ખતરનાક છે એ આપણે સમજવું પડશે.

ઉકેલ આપણા હાથમાં જ છે, જો આપણે સમજી શકીએ તો. ‘સાયબરસફર’માં અમારો પ્રયાસ સતત આ ઉકેલની જ દિશામાં છે.

– હિમાંશુ 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here