બેન્કિંગ ક્ષેત્રે ફૂંકાયેલો પરિવર્તનનો પવન અટકવાનું નામ લેતો નથી. યુપીઆઇ, આધાર, ભીમ એપ અને હવે ભારતક્યુઆર કોડથી લાગે છે કે સરકાર કેશલેસ ટ્રાન્ઝેક્શનને વેગ આપવા માટે ખરેખર ગંભીર છે.
ભારતના બેન્કિંગ તંત્રમાં છેલ્લા બે-ત્રણ દાયકામાં જેટલા ફેરફાર થયા નથી, એટલા છેલ્લાં બે-ત્રણ વર્ષમાં થયા છે અને એમાંય છેલ્લા બે-ત્રણ મહિનાથી તો પરિવર્તનનો પવન એકદમ જોશભેર ફૂંકાવા લાગ્યો છે.
હજી આપણે સૌ આઇએમપીએસ સગવડને બરાબર સમજતા થયા નથી કે તેનો પૂરતો લાભ લેતા થયા નથી, ત્યાં આઇએમપીએસ આધારિત અને તેને વધુ સરળ-સલામત-સગવડભરી બનાવતી યુપીઆઇ વ્યવસ્થા લોન્ચ થઈ. એ પણ આપણે હજી બરાબર સમજ્યા નહોતા ત્યાં, જુદી જુદી બેન્કની યુપીઆઇ એપનું સ્થાન લે તેવી ફક્ત એક જ, અત્યંત સરળ ભીમ એપ લોન્ચ થઈ. પછી તેને આધાર નંબર સાથે સાંકળી લેવામાં આવી અને હવે કેશલેસ લેવડદેવડને હજી વધુ સરળ બનાવતી ક્યુઆર કોડ વ્યવસ્થા લોન્ચ થઈ છે!