રાઈટ ટુ પ્રાઇવસી જાળવવામાં ઉપયોગી થશે આ બ્રાઉઝર્સ…

સર્વોચ્ચ અદાલતે પ્રાઇવસીને મૂળભૂત અધિકારી તો ગણાવ્યો છે, પરંતુ તેનું પાલન - આજના સમયમાં - બહુ મુશ્કેલ છે. જાણો ઇન્ટરનેટ પર પ્રાઇવસી જાળવવામાં મદદરૂપ થતાં બે બ્રાઉઝર.

ધારો કે તમે હાથમાં થેલી લઈને બજારમાં રોજિંદી ખરીદી કરવા નીકળ્યા છો. તમે શાકભાજીની લારીએ ઊભા રહ્યા. ટામેટાં, બટેટાં, કારેલાં વગેરેના ભાવ પૂછ્યા, પણ પછી ફક્ત કારેલાં અને દૂધી ખરીદી. પછી કરિયાણાવાળાને ત્યાં ગયા. ત્યાં તમે જુદી જુદી દાળ લીધી પણ ખાંડ અને ચોખા ન ખરીદ્યા. પાછા વળતાં તમે તમારા જૂના મિત્ર, જે નસીબજોગે જાણીતા ડાયાબિટોજિસ્ટ પણ છે, એમના ક્લિનિકે જરા વાર તેમને મળી લેવા રોકાયા.

ઘરે પહોંચ્યા પછી તમે તમારા જીવનવીમા એજન્ટને ફોન કરીને, નવી ટર્મ પોલિસી લેવાનો વિચાર જણાવ્યો. એજન્ટે હા તો પાડી, પણ કહ્યું કે તમારે મેડિકલ ટેસ્ટ કરાવવો પડશે, ડાયાબિટીસ માટે અને જો એ રોગ હશે તો વધુ પ્રીમિયમ ચૂકવવું પડશે.

તમે બિલકુલ સ્વસ્થ છો, તમને ડાયાબિટીસ પણ નથી, છતાં પેલા એજન્ટને એવી શંકા કેમ ગઈ?

કેમ કે જ્યારે તમે બજારમાં ફરી રહ્યા હતા ત્યારે બીજા ૫૦-૧૦૦ માણસોનું ધાડું તમારી આગળ-પાછળ ફરી રહ્યું હતું. એ સૌ તમારી દરેક હીલચાલ પર બારીક નજર રાખી રહ્યા હતા અને દરેક મુદ્દો પોતાની નોટબુકમાં ટપકાવી રહ્યા હતા! તમે બટેટાં ન લીધાં અને કારેલાં લીધાં, દાળ લીધી પણ ખાંડ ન લીધી, ડાયાબિટિસના ડોક્ટરને મળવા ગયા… આમાંનું કશું એમની નજરમાંથી છટક્યું નહોતું અને એ બધી જ માહિતી એમણે પેલા એજન્ટની વીમા કંપની સહિત બીજી કેટલીય કંપનીને પહોંચાડી દીધી હતી, અથવા કહો કે વેચીને રોકડી કરી લીધી હતી!

આ તો કલ્પના છે, પણ ઇન્ટરનેટ પર આપણી સાથે બરાબર આવું જ થાય છે – રોજેરોજ, ક્ષણે ક્ષણે!

‘સાયબરસફર’ના સપ્ટેમ્બર ૨૦૧૬ના અંકમાં આપણે વિગતવાર જાણ્યું છે કે આ બધું કેવી રીતે થાય છે અને ઇન્ટરનેટનું અર્થતંત્ર આખરે કેવી રીતે ચાલે છે. નાની-મોટી લગભગ તમામ ટેક કંપનીઝ પોતાની સર્વિસ ફ્રી આપે છે અને બદલામાં આપણી માહિતી મેળવીને, તેના આધારે જાહેરાતો બતાવીને તેમાંથી કમાણી કરે છે. આપણા વિશે તે જેટલું વધુ જાણે તેટલી વધુ સચોટ રીતે આપણને જાહેરાત બતાવી શકે અને તો જાહેરાત આપનારી તથા જાહેરાત બતાવનારી કંપનીને વધુ ફાયદો થાય.

આપણે જુદી જુદી ફ્રી સર્વિસમાં પોતાનું એકાઉન્ટ ખોલાવીએ ત્યારે જુદી જુદી ઘણા પ્રકારની પોતાની માહિતી આપીએ છીએ. એ ઉપરાંતની, આપણા વિશેની વધુ માહિતી, આપણે જે જે વેબસાઇટ્સ પર જે કંઈ કરીએ તેના આધારે એકઠી કરવામાં આવે છે.

ઇન્ટરનેટ પર સૌથી લોકપ્રિય બ્રાઉઝર્સ (પીસી અને મોબાઇલ બંનેમાં) ગૂગલ ક્રોમ, મોઝિલા ફાયરફોક્સ કે માઇક્રોસોફ્ટનાં બ્રાઉઝરમાં કંઈ પણ સર્ચ કે સર્ફ કરીએ ત્યારે સર્ચ એન્જિન, આપણી ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર (આઇએસપી) કંપની અને બીજી સંખ્યાબંધ કંપનીના ડેટા કલેક્ટર્સ આપણી દરેક હીલચાલ પર બારીક નજર રાખતા રહે છે.

એક રીતે, આ ‘એક હાથ લો, એક હાથ દો’ જેવી જ સ્થિતિ છે. એમાં આપણને ઘણી વાતે લાભ અને ઘણી વાતે ગેરલાભ બંને છે.

અત્યારે આપણે જાણતા નથી, પણ ઘણી વાર આપણા વિશે અગાઉ થયેલા ટ્રેકિંગને આધારે, ઓનલાઇન શોપિંગમાં આપણે કોઈ વસ્તુના બીજા લોકો કરતાં વધુ ભાવ ચૂકવવા પડે અને આપણને ખબર પણ ન પડે એવું બની શકે છે. ટ્રેકિંગનું આ સૌથી સામાન્ય અને દેખીતું નુક્સાન છે.

તમે ઇન્ટરનેટ પરની સૌથી લોકપ્રિય ૫૦ વેબસાઇટની મુલાકાત લો તો તમારા કમ્પ્યુટરમાં ૩૦૦૦થી વધુ ટ્રેકિંગ ફાઇલ્સ ઇન્સ્ટોલ થઈ જાય એવું બની શકે છે.

લેખની શ‚રૂઆતમાં સાચુકલી બજારનું ઉદાહરણ આપ્યું એમ ઇન્ટરનેટ પર તમે જ્યાં જાવ ત્યાં આવા ૩૦૦૦ ‘માણસો’નું ટોળું તમારી પર નજર રાખતું રહે એવું તમે ઇચ્છતા ન હો, તો તમારે જે તે બ્રાઉઝરના ઇન્કોગ્નિટો મોડ કે ખાસ પ્રાઇવસીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલાં બ્રાઉઝરનો ઉપયોગ કરવો પડે. અત્યારે આપણે ભલે પ્રાઇવસીને ખાસ મહત્ત્વ આપ્યા વિના, ઇન્ટરનેટનો મનફાવે તે રીતે ઉપયોગ કરી લેતા હોઈએ, થોડા સમયમાં જ્યારે ઓનલાઇન ટ્રેકિંગ અને તેની અસરો હદ વટાવવા લાગશે ત્યારે આપણે શક્ય એટલા પ્રાઇવેટ બ્રાઉઝિંગ તરફ વળવું જ પડશે.

પ્રશ્ન એ છે કે પ્રાઇવેટ બ્રાઉઝિંગ કેટલું શક્ય છે?

ઇન્કોગ્નિટો મોડ

દરેક જાણીતા બ્રાઉઝરમાં આ મોડ હોય છે, જે આપણને ઘણા અંશે પ્રાઇવેટ બ્રાઉઝિંગનું વચન આપે છે. આ મોડ વિશે આપણે અગાઉ ઘણું જાણી લીધું છે, તમારામાં ઘણા એનો જુદી જુદી જરૂ‚રિયાત અનુસાર ઉપયોગ પણ કરતા હશે, પણ ઇન્કોગ્નિટો મોડ પ્રાઇવસી જાળવવાનો સંપૂર્ણ સચોટ ઉપાય નથી!

આ દરેક બ્રાઉઝર પોતે જણાવે છે તેમ, આપણે આ મોડનો ઉપયોગ કરીએ ત્યારે ઇન્ટરનેટ પરથી કોઈ ટ્રેકિંગ કૂકી કે કોડ વગેરે આપણા કમ્પ્યુટરમાં ડાઉનલોડ થતાં નથી અને આપણે એ મોડ બંધ કરીએ ત્યારે આપણી સર્ચ અને સર્ફ હિસ્ટ્રી પણ ભૂંસાઈ જાય એ સાચું, પણ એટલા સમય દરમિયાન ઇન્ટરનેટ પરની આપણી ગતિવિધિ જે તે બ્રાઉઝર, આઇએસપી વગેરેથી છાની રહેતી નથી. ખાસ તો આપણું આઇપી એડ્રેસ છાનું રહેતું નથી.

પરિણામે આપણે ઇન્કોગ્નિટો મોડનો ઉપયોગ કરીએ તો પણ, એટલા સમય પૂરતા ટ્રેકિંગથી બચી શકતા નથી.

તો શું કરવું?

પીસીમાં પ્રાઇવસી પર કેન્દ્રિત બ્રાઉઝર – એપિક બ્રાઉઝર

ઇન્ટરનેટ પર પ્રાઇવેટ બ્રાઉઝિંગની વાત નીકળે ત્યારે બે નામ સૌથી પહેલાં લેવાય છે, પહેલું છે ટોર બ્રાઉઝર અને બીજું, એપિક બ્રાઉઝર.

ટોર બ્રાઉઝર વિશે, ડાર્ક વેબના સંદર્ભમાં આપણે જૂન ૨૦૧૭ના અંકમાં વધુ જાણી લીધું છે. ટેક્નોલોજીની દૃષ્ટિએ ટોર બ્રાઉઝર કે ટોર નેટવર્ક અદભુત છે, પણ તેનો ઉપયોગ સામાન્ય રીતે ડાર્ક વેબ એટલે કે ઇન્ટરનેટની અંધારી અને મોટા ભાગે ગેરકાયદે બાજુ સાથે વણાઈ ગયો છે.

જ્યારે એપિક બ્રાઉઝર આપણા જેવા સામાન્ય લોકો માટે જ છે, જેમને કશું ગેરકાયદે કરવું નથી, પણ ઇન્ટરનેટ પરના ટ્રેકિંગથી પીછો છોડાવવો છે બસ.

‘સાયબરસફર’ના બહુ જૂના સહયાત્રીઓને કદાચ યાદ હશે કે આપણે છેક જુલાઈ ૨૦૧૦માં કોલમમાં, ભારતના એક આગવા બ્રાઉઝર તરીકે એપિક બ્રાઉઝરનો પરિચય મેળવ્યો હતો. બેંગાલુરુની એક કંપનીએ વિક્સાવેલું આ બ્રાઉઝર ત્યારે મોઝિલા ફાયરફોક્સ આધારિત હતું અને તેમાં ખાસ ભારતીય યૂઝર્સ માટે કેટલીય ખૂબીઓ ઉમેરવામાં આવી હતી.

પાછળથી, એ બધું બધાં બ્રાઉઝરમાં સાવ સહેલું બની જતાં, એપિક બ્રાઉઝરે ‘વિશ્વના પહેલા, ખાસ ભારતીયો માટેના બ્રાઉઝર’માંથી ‘પ્રાઇવેટ બ્રાઉઝિંગ માટે સૌથી અસરકારક’ બ્રાઉઝર બનવાનું નક્કી કર્યું,

ઇન્ટરનેટ પર જુદી જુદી કંપની કૂકીઝ, એવરકૂકીઝ, ફ્લેશ કૂકીઝ, આઇપી એડ્રેસ, એચટીએમએલ ૫ સ્ટોરેજ, ફિંગરપ્રિન્ટિંગ વગેરે નામે જાણીતી વિવિધ ટેકનિકથી આપણા પર નજર રાખે છે.

એપિક બ્રાઉઝર લગભગ આ બધું જ બ્લોક કરે છે અને તે ઉપરાંત તે વિવિધ જાહેરાત પણ બ્લોક કરે છે. એપિક હાલમાં, ગૂગલ ક્રોમિયમ ઓપન સોર્સ કોડ પર આધારિત છે, એટલે દેખાવમાં તે ક્રોમ બ્રાઉઝર જેવું જ લાગે છે, પણ પ્રાઇવસીની બાબતે તે ક્રોમ કરતાં ઘણી વધુ સુવિધાઓ આપે છે.

એ ખાસ નોંધવા જેવું છે કે આ સુવિધાઓ ફક્ત પ્રાઇવસી ઇચ્છતા લોકો માટે ઉપયોગી છે તેમ ગેરકાયદે કામ કરવા ઇચ્છતા લોકો માટે પણ ઉપયોગી છે.

એક સાદું ઉદાહરણ લઈએ તો, એપિક બ્રાઉઝરમાં તમે ફેસબુકમાં લોગ-ઇન થતાં પહેલાં એપિક પ્રોક્સિ સુવિધા ઓન કરો તો પછી તમે ભારતમાં હો તો પણ દુનિયાનો બીજો કોઈ દેશ પસંદ કરીને ત્યાંથી લોગ-ઇન થતા હો એવી સ્થિતિ સર્જી શકો છો. પરિણામે ફેસબુક પર તમને ટ્રેક કરનારી બધી કંપની ખોટા રવાડે ચઢી જાય! જોકે આ કારણે ફેસબુક પણ ગોટાળે ચઢે અને તમારા એકાઉન્ટને કોઈ હેક કરવાનો પ્રયાસ કરી રહ્યું હોય એવું પણ એ માની શકે છે.

એ પણ યાદ રાખશો કે ઇન્ટરનેટ પર, આપણા બ્રાઉઝિંગ વખતે ઇન્સ્ટોલ થતી બધી કૂકીઝ ખરાબ નથી હોતી. કેટલીક જ‚રૂરી પણ હોય છે, જે ફર્સ્ટ-પાર્ટી કૂકીઝ તરીકે ઓળખાય છે. એપિક બ્રાઉઝર આવી કૂકીઝ ઇન્સ્ટોલ થવા દે છે, પણ આપણું કામ પત્યા પછી એપિક બ્રાઉઝર બંધ કરતાં એ બધું જ એક સાથે ડિલીટ થાય છે.

આપણને સવાલ એ થાય કે જો ઇન્ટરનેટ પર બધું જ ટ્રેકિંગ અને જાહેરાતના જોર પર જ ચાલતું હોય તો એની સામે મેદાને પડેલ એપિક પોતે કઈ રીતે કમાણી કરે છે? એપિકે એનો એક ઉપાય શોધ્યો હતો. આપણે એપિક પર સર્ચિંગ કે સર્ફિંગ કરીએ ત્યારે તેના પર ગૂગલની જાહેરાતો જોવા મળતી હતી, પણ આપણી પ્રાઇવસી જોખમાવ્યા વિના. એમાંથી એપિકને થોડી કમાણી થતી હતી. પરંતુ પછી ગૂગલે પોતાની પોલિસી બદલી અને જે બ્રાઉઝર તેના મુલાકાતીનું આઇપી એડ્રેસ ગૂગલને ન જણાવે તેને ગૂગલ જાહેરાત ન બતાવે તેવી નીતિ આવી. એપિક બ્રાઉઝરના સંચાલકો એ માટે તૈયાર નહોતા એટલે એમની કમાણીનો એકમાત્ર સ્રોત બંધ થઈ ગયો!

આપણા માટે એપિક ફ્રી જ છે. તેના પર હાથ અજમાવવા માગતા હો અહીંથી ડાઉનલોડ કરી શકાશે : https://www.epicbrowser.com/

મોબાઇલ માટે – ફાયરફોક્સ ફોકસ

એપિક બ્રાઉઝર ફક્ત વિન્ડોઝ પીસી અને મેક માટે ઉપલબ્ધ છે. સ્માર્ટફોનમાં તમે જે કોઈ વેબસાઇટ પર, જે કંઈ કરો એ બધું સતત ટ્રેક ન થાય એવું ઇચ્છતા હો તો ફાયરફોક્સ ફોકસ નામની એક એપ તમને ઉપયોગી થઈ શકે છે. આ એપ ગયા વર્ષે એપલ ડિવાઇસીઝ માટે લોન્ચ થઈ હતી અને હવે એન્ડ્રોઇડ પર પણ આવી છે.

હવે આપણી પ્રાઇવસી એ હદે જોખમાઈ ગઈ છે કે સામાન્ય સર્ફિંગ માટે પણ ફાયરફોકસ એપ જેવી એપ ઉપયોગી છે. તમે કોઈ વિષય પર રિસર્ચ કરી રહ્યા હો અને તમે જોઈલી સાઇટ્સ જેવી જ બીજી સાઇટ્સને બદલે, કોઈ હિસ્ટ્રી વિના દેખાતી નવી સાઇટ્સ જોવા માગતા હો તો ફાયરફોક્સ ફોકસ ઉપયોગી થઈ શકે છે.

આ એપ તદ્દન સિમ્પલ છે. તેમાં ક્રોમ કે યૂસી કે ઓપેરા જેવાં સંખ્યાબંધ ફીચર્સ નથી. વિતેલા સમયમાં ટેબ્ડ બ્રાઉઝિંગને લોકપ્રિય બનાવનાર ફાયરફોક્સના આ મોબાઇલ બ્રાઉઝરમાં ટેબ પણ નથી!

તમે એક સમયે તેમાં એક જ વેબસાઇટ જોઈ શકો છો, પણ ત્યારે એ તેમાંની નેટવર્ક એડ્સ બંધ કરી દે છે. સાઇટ્સ પરની એડ્સ બંધ થાય એટલે બ્રાઉઝિંગની સ્પીડ વધે અને તમે ટ્રેકિંગ પણ બંધ કરી શકો એ વધારાનો ફાયદો. આપણે ફોકસ એપ બંધ કરીએ એટલે આપણી પ્રવૃત્તિની હિસ્ટ્રી પણ તરત જ ભૂંસાઈ જાય!

આ એપ ઇન્સ્ટોલ કર્યા પછી તમે મોબાઇલમાં કોઈ પણ એપમાં, કોઈ વેબપેજની લિંક ક્લિક કરશો ત્યારે તમારા રોજિંદા બ્રાઉઝર ઉપરાંત, તેને ફોકસમાં ખોલવાનો વિકલ્પ મળશે. તમે ગૂમનામ રહીને એ પેજ જોવા માગતા હો તો ફોકસ પર ફોકસ કરો અને આગળ વધો!

આઇફોન કે એન્ડ્રોઇડના એપ સ્ટોરમાં ફાયરફોક્સ ફોકસ સર્ચ કરો અને ડાઉનલોડ કરી લો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here