તમારા ફોનમાં ખરેખર કેટલી રેમ જોઈએ?

કમ્પ્યુટર ૨ જીબી રેમથી ચાલે, તો સ્માર્ટફોનમાં ૪-૬ જીબી કેમ જોઈએ?

અમદાવાદના વાચકોને યાદ હશે કે પાંચ-છ મહિના પહેલાં, શહેરના સફાઈ કામદારો હડતાળ પર ઉતર્યા હતા અને તેને કારણે શહેરના રસ્તાઓ પર કચરાના ઢગ ખડકાવા લાગ્યા હતા. સામાન્ય રીતે એમની કામગીરી આપણી નજરે ન ચઢે, પણ એ લોકો કામ બંધ કરે ત્યારે તેમનું મહત્ત્વ સમજાય. 

જેમ શહેરોમાં નિયમિત કચરો ઉપાડી લેવામાં આવે મહત્ત્વનું છે, એમ સ્માર્ટફોનમાં પણ ગાર્બેજ કલેક્શન મહત્ત્વનું છે. સરખામણી હજી આગળ વધે છે, આપણે પોતાના ફ્લેટના કોમન પ્લોટમાં કચરો ન નાખીએ, પણ પાડોશીઓ નાખી જાય તો તકલીફ તો આપણને પણ થાય.

એ જ રીતે, સ્માર્ટફોનમાં આપણે પોતે બિનજરૂરી ફાઇલ્સના ઢગ ન ખડકીએ, પણ બીજા લોકો નાખી જાય તો? આ બીજા લોકો એટલે એવી એપ્સ, જે યોગ્ય રીતે ડેવલપ ન કરવામાં આવી હોય અને પરિણામે આપણા ફોનની મેમરી ખાય છે!

આ કચરા પુરાણ ઉખેળવાનું કારણ એટલું જ કે હવે એન્ડ્રોઇડ ફોનમાં ૬-૬ જીબીની રેમ (રેન્ડમ એક્સેસ મેમરી) આવવા લાગી છે! આપણાં પીસી માંડ કે ૨ કે ૪ જીબી પર જોરદાર પરફોર્મન્સ આપે છે (વિન્ડોઝ ૧૦ તો ૩૨-બીટ વર્ઝન માટે ફક્ત ૧ જીબી અને ૬૪-બીટ વર્ઝન માટે ૨ જીબી પર મસ્ત ચાલે છે) તો પછી આવડા અમથા ફોનમાં ૬ જીબીની શી જરૂર પડી?

તમે કદાચ જાણતા જ હશો હવે ૧૦-૧૧ હજારના એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં પણ ૩ જીબી રેમ જોવા મળે છે. તેનાથી મોંઘા ભાવના ફોનમાં ૪ જીબી અને તેથી આગળ વળી ૬ જીબીની બોલબાલા થવા લાગી છે.

તમે નવો ફોન ખરીદવાનું વિચારી રહ્યા હો અને કેટલી રેમ ખરેખર જરૂરી છે એવો સવાલ થતો હોય તો જવાબ એ છે કે જો ફોન એન્ડ્રોઇડ હોય તો તેમાં વધુ રેમ જરૂરી છે. રેમ એ આપણા ફોનમાંની એક ફિઝિકલ ચીપ હોય છે, જેમાં આપણે ચાલુ કરેલી બધી એપ્સ સ્ટોર થતી હોય છે. સામાન્ય ગણિત મુજબ, વધુ રેમ હોય તો આપણે વધુ એપ્સ ચાલુ રાખી શકીએ અને એકમાંથી બીજી એપમાં ફટાફટ જઈ શકીએ

પરંતુ આઇફોન કે વિન્ડોઝ ફોન વાપરનારાનો અનુભવ હશે કે તેમનો ફોન ૧ કે ૨ જીબી રેમ સાથે પણ, તેથી વધુ રેમ ધરાવતા એન્ટ્રોઇડ કરતાં વધુ ફાસ્ટ રીસ્પોન્સ આપી શકે છે. તેનું મુખ્ય કારણ આ લેખની શરૂઆતમાં લખ્યું તે છે – ગાર્બેજ કલેક્શન.

એન્ડ્રોઇડની મોટા ભાગની એપ્સ એવી રીતે ડેવલપ થયેલી હોય છે કે તેમાં ગાર્બેજ કલેક્શન તરીકે ઓળખાતી એક પ્રોસેસ જરૂરી બને છે, જેમાં એપ સ્ટોપ થયા પછી, જેની જરૂર ન રહી હોય તે ડેટા દૂર કરી દેવામાં આવે છે (એપલ કે વિન્ડોઝમાં આવી જરૂર હોતી નથી).

આખી વાતનો સાર એટલો કે જો તમે તમારા એન્ડ્રોઇડમાં સારી રીતે ડિઝાઇન થયેલી એપ્સને બદલે, યોગ્ય રીતે ગાર્બેજ કલેક્શન ન કરતી એપ્સનો ખડકલો કર્યો હોય તો સરવાળે ફોનની રેમ પર દબાણ વધતું જાય છે. વધુ રેમની જરૂરિયાત માટે ફોનમાં એન્ડ્રોઇડનું વર્ઝન, તેમાં કરવામાં આવેલું કસ્ટમાઇઝેશન વગેરે પણ પોતપોતાનો ભાગ ભજવે છે, પણ નબળી એપ્સ મોટો ભાગ ભજવે છે.

એટલે જો તમારે એક સાથે સંખ્યાબંધ એપ્સ ચલાવવાની ન હોય અને જાણીતા, પ્રતિષ્ઠિત ડેવલપર્સની જ એપ ડાઉનલોડ કરવાની શિસ્ત તમે જાળવી શકો તો ૨ કે ૩ જીબી રેમ પૂરતી છે, બાકી નહીં!

SHARE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here