આખા વિશ્વની જેમ, આખરે ભારતમાં પણ એપ આધારિત ટેક્સી સર્વિસની બોલબાલા વધવા લાગી છે. એવું તે શું છે આ સર્વિસમાં કે એમાં સૌને પોતપોતાનો ફાયદો દેખાઈ રહ્યો છે?
એક કામ કરોને, ઓલા કે ઉબર બોલાવી લઈએ, રીક્ષા કરતાંય સસ્તું પડશે! ગુજરાત સહિત, ભારતનાં ઘણાં શહેરોમાં હવે કોઈ કારણસર પરિવારમાં બધાને સાથે કે એક-બે વ્યક્તિને પણ બહાર જવાનું થાય અને ઘરના વાહનની સગવડ ન હોય ત્યારે (ઘણા કિસ્સામાં ઘરનું વાહન હોય તો પણ) રીક્ષા કરતાં પહેલો વિચાર સ્માર્ટફોનમાંની એપ ખોલીને તેમાં ટેક્સી બોલાવી લેવાનો થાય છે.
હજી થોડા સમય પહેલાં, આપણે પોતાના વાહન વિના શહેરમાં ક્યાંય બહાર જવાનું થાય અને સિટી બસ ન પકડવી હોય તો, મુંબઈ-દિલ્હી જેવા શહેરમાં પેલી કાળી-પીળી ફિયાટ કે એમ્બેસેડર ટેક્સી અને બીજાં શહેરો હોય તો કાળી-પીળીમાંથી લીલી-પીળી થયેલી રીક્ષાનો જ આશરો હતો.
શહેરનો પાંખી વસતિવાળો વિસ્તાર હોય તો રીક્ષા શોધવા આપણે થોડે સુધી ચાલવું પણ પડે. આપણે રીક્ષાની શોધમાં કોઈ એક દિશા પકડીએ અને એવું પણ બને કે તેનાથી ઊંધી દિશામાં, નજીકમાં જ કોઈ રીક્ષાવાળો ભાઈ પેસેન્જર મળવાની રાહ જોતો બેસી રહ્યો હોય. આપણે તેનાથી ઊંધી દિશામાં જતા હોઈએ એટલે તેને પેસેન્જર ન મળે અને આપણને ખાલી, તૈયાર રીક્ષા ન મળે! નુક્સાન બંને પક્ષે થાય.
નવી ટેક્નોલોજીએ આ સ્થિતિ બદલી નાખી છે.
નવી ટેક્નોલોજીના પ્રતાપે, સંખ્યાબંધ એવી કંપની શરૂ થઈ છે જે ખાલી ટેક્સી કે ખાલી રીક્ષાના ડ્રાઇવરોને ટેક્સી કે રીક્ષા શોધતા લોકો તરફ વાળીને, આંગળી ચીંધ્યાનું જબરું પુણ્ય કમાવા લાગી છે – આવી કંપનીની મદદ કરે છે સ્માર્ટફોન.
હવે આપણે ઘેરબેઠાં, ખિસ્સામાંથી સ્માર્ટફોન કાઢી, ગમતી ટેક્સી સર્વિસની એપ ખોલીને તેમાં બે-ત્રણ ક્લિક કરીએ એટલે આપણા ઘરની આસપાસ ફરતી ટેક્સીમાંથી કોઈ ટેક્સીવાળો ભાઈ તરત આપણને લેવા માટે આવી પહોંચે! ટેક્સી આવી રહી છે એવી આપણને એપમાં જાણ તો થાય જ, નક્શા પર આપણે એ આવી રહેલી ટેક્સી જોઈ પણ શકીએ!
તમે પોતે આવી એપ આધારિત ટેક્સીનો ઉપયોગ કરવા લાગ્યા હશો તો પણ કદાચ એની પાછળ કેટલો મોટો બિઝનેસ આખા જગતમાં વિકસી રહ્યો છે એનો તમને અંદાજ નહીં હોય, અથવા શહેરમાં જુદી જુદી કેટલીય ટેક્સી કંપનીનાં મોટાં મોટાં હોર્ડિંગ્સ અને આકર્ષક ભાડાં વાંચીને આવી ટેક્સીનો ઉપયોગ કેવી રીતે શરૂ કરવો એની તમે ગડમથલમાં હશો.
આવી એપ આધારિત ટેક્સીનો ઉપયોગ કેવી રીતે કરવો એની વાત આગળ માંડીને કરી છે, પણ એ પહેલાં ‘કેબ એગ્રીગેટર સર્વિસ’ (એટલે કે જુદી જુદી ટેક્સીને ટેક્નોલોજીની મદદથી ટેક્સી સર્વિસ મેળવવા માગતા લોકો સાથે જોડતી સર્વિસ) તરીકે ઓળખાતા આ બિઝનેસની થોડી રસપ્રદ વાત જાણી લઈએ.
આગળ શું વાંચશો?
- નવા પ્રકારના બિઝનેસ
- એપ કેબ્સ સતત વિવાદમાં કેમ રહે છે?
- ઉબર અને ગૂગલ : દોસ્તી પછી દુશ્મની
- આંગળીના ઇશારે ટેક્સી કેવી રીતે બોલાવશો?
નવા પ્રકારના બિઝનેસ
ઇન્ટરનેટ પરની એગ્રીગેટર ટેક્નોલોજીથી વર્ષોથી બીબાંઢાળ રીતે ચાલતા આવેલા ધંધાપાણી ધરમૂળથી બદલાઈ રહ્યાં છે.
હવે તમે જાણતા જ હશો કે એમેઝોન, ફ્લિપકાર્ટ વગેરે કંપની પોતે એક પણ ચીજવસ્તુનું ઉત્પાદન કે વેચાણ કરતી નથી. એ ફક્ત દુનિયાભરના વેપારીઓઓને પોતપોતાની ચીજવસ્તુઓ, એક સાથે અસંખ્ય લોકોને વેચવાનું એક પ્લેટફોર્મ આપે છે અને તેમાંથી પોતે કમિશન મેળવે છે.
ઇન્ટરનેટની મદદથી વિવિધ ક્ષેત્ર માટે આવું ‘માર્કેટપ્લેસ’ તૈયાર કરીને મોટા પાયે બિઝનેસ ફેલાવવાનો ટ્રેન્ડ અત્યારે જબરજસ્ત ચાલ્યો છે.
કોઈ ટુરિસ્ટ પ્લેસ પર કોઈ વ્યક્તિ આંખોમાં ‘પોતાની હોટેલ’નું સપનું આંજીને સાવ નાને પાયે શરૂઆત કરે, પછી તેની આંખ ઠરે એવી મોટી હોટેલ તૈયાર થતાં તો એ વ્યક્તિએ નિવૃત્ત થવાનો સમય આવી ગયો હોય. તેની સામે, રીતેશ અગરવાલ નામના એક યુવાને ૧૭ વર્ષની ઉંમરે ઇન્ટરનેટ પર પોતાની હોટેલ બુકિંગ ખોલી અને અત્યારે, ૨૩ વર્ષી ઉંમરે તેની કંપની ‘ઓયો રૂમ્સ’ ૧૭૭ શહેરોમાં, ૬૫૦૦થી વધુ હોટેલ્સની એક પ્રકારે માલિક બની ગઈ છે કારણ કે રોજેરોજ અનેક લોકો આ હોટેલ્સમાં ઓયો રૂમ્સ દ્વારા બુકિંગ કરાવીને તેને કમાણી કરાવે છે.
દવાબજારમાં સરકાર હજી દવાઓના ઓનલાઇન વેચાણ પર કેવી રીતે નિયંત્રણ કરવું તેના કાયદા ઘડી રહી છે, પણ જુદી જુદી ઘણી સ્ટાર્ટ-અપ કંપની આપણા જ પડોશની દવાની દુકાન અને આપણને પોતાની એપ થકી જોડીને મોટી કમાણી કરવા લાગી છે!
કંઈક આવું જ ટેક્સીના ક્ષેત્રે શરૂ થયું એપ આધારિત કેબ્સ કંપનીઝને કારણે.