કેશલેસની નવી ઊંચાઈ

ભારતમાં દુકાનોમાં બેન્ક કાર્ડ કે વોલેટને બદલે ફક્ત આધાર કાર્ડથી પેમેન્ટ શક્ય બનવા લાગ્યું છે, ત્યારે એમેઝોન તદ્દન ઓટોમેટિક પેમેન્ટવાળા રીટેઇલ સ્ટોર લોન્ચ કરવાની તૈયારીમાં છે. 

સેન્સરને ફોન બતાવી સ્ટોરમાં દાખલ થાઓ, જે મન થાય તે ખરીદો, બધું એપમાંની ઓર્ડર કાર્ટમાં આપોઆપ ઉમેરાશે અને પછી હાથ હલાવતા સ્ટોરની બહાર નીકળી જાઓ!

મોટા શોપિંગ સ્ટોર હવે મોટાં શહેરો પૂરતા મર્યાદિત રહ્યા નથી. ગુજરાતનાં નાનાં નાનાં શહેરોમાં પણ ધીમે ધીમે એક જ સ્ટોરમાં કરિયાણા અને શાકભાજીથી લઈને દૈનિક જ‚રૂરિયાતની તમામ ચીજવસ્તુઓ મળે તેવા સ્ટોર ઊભા થવા લાગ્યા છે. આપણને સહુને પણ હવે ટ્રોલી લઈને આવા સ્ટોરમાં આમતેમ ઘૂમીને મનગમતી, જોઇતી, ન જોઈતી ચીજવસ્તુઓની ખરીદી કરવાની ટેવ પડવા લાગી છે.

પરંતુ આવા સ્ટોરની સૌથી મોટી તકલીફ હોય છે તેમાં પેમેન્ટ કરવા માટે લાગતી લાંબી લાઇન.

મોટા સ્ટોરમાં આઠ-દસ કે તેથી વધુ કાઉન્ટર હોવા છતાં દરેક કાઉન્ટર પર ખીચોખીચ ભરેલી ટ્રોલી લઈને ઊભેલા લોકોની લાંબી લાઇન હંમેશા જોવા મળે છે.

તેને બદલે એવી સ્થિતિ વિચારો કે તમે જ્યારે આવા સ્ટોરમાં દાખલ થાવ ત્યારે ખિસ્સામાંથી મોબાઇલ કાઢીને દરવાજા પર રહેલા એક સેન્સર સામે મોબાઇલનો સ્ક્રિન ધરો, તમારી હાજરી નોંધાઈ ગયાનો બીપ અવાજ સંભળાય અને તમે સ્ટોરમાં દાખલ થઈ જાઓ.

આખા સ્ટોરમાં તમે ગમે ત્યાંથી ગમે તે ચીજવસ્તુઓ લો કે મન બદલાય તો પાછી મૂકો, ફરી મન બદલાય તો પાછી ઊઠાવો અને તમારી શોપિંગ બેગ ભરતા રહો. બધી ખરીદી પૂરી થયા પછી પેમેન્ટ માટે કાઉન્ટર પર લાઇન લગાવવાને બદલે, પૈસા પણ ચૂકવ્યા વિના, તમારી શોપિંગ બેગ લઈને નિરાંત જીવે સ્ટોરની બહાર નીકળી જાવ, એવું બને તો?

અમેરિકામાં એમેઝોન કંપનીએ આવા જ સ્ટોર લોન્ચ કરી રહી છે.

‘એમેઝોન ગો’ નામના આ સ્ટોરમાંથી ખરીદી કર્યા પછી, પેમેન્ટ કાઉન્ટર પર લાંબી લાઈનમાં ઊભવાને બદલે આપણે સડસડાટ બહાર નીકળી જઈ શકીએ અને પેમેન્ટ આપોઆપ થાય એવી ટેકનોલોજી વિક્સાવવામાં આવી છે. ગયા અંકમાં આપણે કંઈક આ જ પ્રકારની ‘ગૂગલ હેન્ડ્સફ્રી’ સર્વિસની વાત કરી હતી, તેમાં આપણે કાઉન્ટર પર કહેવું પડતું હતું કે ‘હું ગૂગલથી પે કરીશ’. બાકીનું કામ ઓટોમેટિક થતું હતું. એમેઝોન ગો સ્ટોરમાં એટલું બોલવાની પણ જરૂ‚ર રહેતી નથી.

ફક્ત પુસ્તકોના વેચાણથી શ‚રૂ કરીને આખી દુનિયાની તમામ પ્રકારની ચીજવસ્તુઓના વેચાણ માટે દુનિયાનો સૌથી મોટો ઓનલાઈન સ્ટોર ઊભો કરનાર એમેઝોન કંપની હવે વાસ્તવિક સ્ટોર્સમાં પણ મોટી ક્રાંતિ લાવવાની તૈયારીમાં હોય એવું લાગે છે. કંપની તેના આ નવા એમેઝોન ગો સ્ટોર ટૂંક સમયમાં આખા અમેરિકામાં વિસ્તારે તેવી શક્યતા છે.

એમેઝોન આ સ્ટોર માટે તેણે વિકસાવેલી ટેકનોલોજીને ‘જસ્ટ વોકઆઉટ ટેકનોલોજી’ કહે છે. જે રીતે સેલ્ફ ડ્રાઇવિંગ કારમાં કોઈ ડ્રાઇવર ન હોવા છતાં કારની સિસ્ટમ વિવિધ સેન્સર્સની મદદથી તેની આસપાસની સ્થિતિનો પાકો ક્યાસ કાઢીને ક્યારે કઈ તરફ જવું તેના સચોટ નિર્ણય લેવા લાગી છે કંઈક એ જ રીતે રીટેલ સ્ટોરમાંની ’જસ્ટ વોકઆઉટ ટેકનોલોજી’માં પણ કમ્પ્યુટર લર્નિંગ, ડીપ લર્નિંગ અલ્ગોરીધમ અને સેન્સર્સનો ઉપયોગ થાય છે.

આવા સ્ટોરમાં ખરીદી કરવા માટે આપણા ફોનમાં ફ્રી એમેઝોન ગો એપ હોવી જરૂરી છે અને એમેઝોન પર આપણું એક ખાતું હોવું જરૂરી છે. આ એપની મદદથી સ્ટોરમાં દાખલ થયા પછી આપણે જે કંઈ ચીજવસ્તુ આપણી શોપ બેગમાં ઉમેરીએ તે આપોઆપ એપમાંના વર્ચ્યુઅલ ઓર્ડર કાર્ટમાં ઉમેરાતી જાય છે.

એમેઝોનને તેના રીટેઇલ સ્ટોરમાંની ટેક્નોલોજી કઈ રીતે કામ કરે છે તેની વિગતો જાહેર કરી નથી, પણ આ માટે તેણે જે નવી પેમેન્ટ્સ મેળવી છે, તેના આધારે એવું લાગે છે કે રીટેઇલ સ્ટોરમાં શેલ્ફ પરની દરેકે દરેક પ્રોડક્ટ પર આરએફઆઇડી ટેગ લગાવવામાં આવશે તથા આખા સ્ટોરમાં અનેક એંગલથી આપણી દરેક હિલચાલ પર નજર રાખવામાં આવશે. જ્યારે આપણે છાજલી પરની કોઈ પ્રોડક્ટ ઊંચકીશું ત્યારે તેના પરનું ટેગને કારણે, આપણા ખિસ્સામાંના ફોનમાંની એપ જાણી લેશે કે આપણે એ વસ્તુ ઊંચકી છે. આ વખતે એ પ્રોડક્ટ અને ફોન વચ્ચેનું અંતર પણ ગણતરીમાં લેવાશે અને ફોનમાંની એપ નક્કી કરશે કે આપણે તે વસ્તુ ખરીદી. આથી એપમાંના ઓર્ડર કાર્ટમાં તે વસ્તુ ઉમેરાઈ જશે. જો એ વસ્તુ આપણે પરત મૂકીશું તો, એ જ ગણતરીને આધારે તે ઓર્ડર કાર્ટમાંથી દૂર કરવામાં આવશે.

છેવટે આપણે જ્યારે સ્ટોરમાંથી બહાર નીકળીશું, ત્યારે મેઇન ગેટ પાસેનાં સેન્સર્સ ફરી આપણી શોપિંગ બેગ્સમાંની ચીજવસ્તુઓનાં ટેગ્સને ફોનમાંના ઓર્ડર કાર્ટ સાથે સરખાવશે અને એટલી જ વસ્તુઓનું છેવટનું બિલ બનાવશે.

એ પછી, આપણે સ્ટોરની બિલકુલ બહાર નીકળીએ ત્યારે આપણે એમેઝોન એકાઉન્ટમાં પહેલેથી લિંક કરેલ પોતાના ક્રેડિટ/ડેબિટ કાર્ડની મદદથી આપણાં શોપ કાર્ટમાં રહેલી ચીજવસ્તુઓનું આપોઆપ પેમેન્ટ થઈ જાય છે અને આપણને તેની જાણ કરતો મેસેજ મળી જાય છે.

એમેઝોન કંપનીએ અત્યારે પ્રયોગાત્મક ધોરણે બીટા પ્રોગ્રામ તરીકે ફક્ત એમેઝોનના કર્મચારીઓ માટે આવા સ્ટોર ઓપન કર્યા છે, પરંતુ આ વર્ષની શ‚આતમાં જ તે જાહેર જનતા માટે પણ ખુલ્લા મુકાઈ જાય તેવી શક્યતા છે.

એમેઝોને પોતાના સ્ટોરમાંની ટેક્નોલોજીની પૂરી વિગતો જાહેર કરી નથી, પણ તેણે ફાઇલ કરેલી પેટન્ટ પરથી સમજાય છે કે તે આરએફઆઇડી ટેગ્સ, કેમેરા, સેન્સર વગેરેના જોરદાર જાળાની સાથોસાથ મશીન લર્નિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વગેરે બધું એક સાથે કામે લગાડી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here