વોટ્સએપમાં એનિમેટેડ ઇમેજ કેવી રીતે આવે છે?

સવાલ મોકલનાર : કેતનભાઈ કૂકડિયા, થાણે

વોટ્સએપમાં છેલ્લા થોડા સમયથી તમને પણ, અત્યાર સુધી મોટા ભાગે ફેસબુક પર જોવા મળતી ‘એનિમેટેડ ઇમેજીસ’ દેખાવા લાગી હશે. વોટ્સએપ આવી ઇમેજ પર તે જિફ હોવાનું દર્શાવે છે.

ઇન્ટરનેટ પર અવારનવાર જેનો ભેટો થઈ જાય છે તે જિફને સપોર્ટ કરવામાં વોટ્સએપે ઘણું મોડું કર્યું છે. એક વાર શરૂ થયા પછી, પૂરો થતાંવેત ફરી શરૂ થતા અને વારંવાર લૂપમાં ચાલ્યા કરતા વીડિયો જેવી આ જિફ ફાઇલ તમે બીજાને ફોરવર્ડ કરી શકતા હશો, પણ આપણે પોતે જિફ કેવી રીતે ક્રિએટ કરવી કે પોતે, પોતાને ગમતી જિફ ફાઇલ શોધીને બીજાને કેવી રીતે મોકલવી એ સવાલ તમને પણ ચોક્કસ થતો હશે.

જિફ ખરેખર છે શું?

પહેલાં તો આપણે આ જિફ ખરેખર શું છે એ સમજી લઈએ.

એન્ડ્રોઇડ અને આઇઓએસમાં વોટ્સએપ પર ભલે હવે છેક જિફનું આગમન થયું હોય, પણ તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે બરાબર પાંચ વર્ષ પહેલાં, ૨૦૧૨માં જિફની રજત જયંતિ ઉજવાઈ ચૂકી છે!

જિફ – જીઆઇએફનું આખું નામ ગ્રાફિક્સ ઇન્ટરચેન્જ ફોર્મેટ છે. તેનો સાચો ઉચ્ચાર જિફ છે કે ‘ગિફ’ એ વિશે હજી સુધી એકમત નથી, પણ આપણે ‘જિફ’ પકડી રાખીએ. ડિજિટલ ઇમેજીસ સામાન્ય રીતે .જેપીજી કે .પીએનજી પ્રકારના ફોર્મેટમાં સેવ થતી હોય છે, જિફ પણ એ જ પ્રકારનું એક ઇમેજ કે મીડિયા ફોર્મેટ છે.

તમામ જિફ એનિમેટેડ જ હોય કે લૂપ્ડ વીડિયો જ હોય એવું જરૂરી નથી, પરંતુ તેનો સૌથી વધુ ઉપયોગ, ખાસ કરીને આજના સમયમાં, એનિમેટેડ ઇમેજ તરીકે થાય છે.

તમે જોયું હશે તેમ, એનિમેટ્ડ જિફ સ્ટેટિક એટલે કે સાદી, સ્થિર ઇમેજ કરતાં વધુ ધ્યાન ખેંચે છે અને વીડિયો જેટલી એ લાંબી ન હોવાથી, બહુ ઝડપથી એ જે કહેવાનું હોય તે કહી દે છે.

ઇન્ટરનેટ પર સંખ્યાબંધ બ્લોગ્સ એવા છે, જેમાં લગભગ દરેક મુદ્દા માટે લખાણ ઉપરાંત, પૂરક જિફ પણ સામેલ હોય, જે લખાણ કરતાં વધુ ઝડપથી આખી વાત સમજાવી દેતી હોય!

તો આવી આ જિફ, તમારા વોટ્સએપમાં આવી પડતી હોય, પણ તમે નવી જિફ બીજાને મોકલી ન શકતા હો તો નિરાશ ન થશો. તમારા વોટ્સએપના હવે પછીના અપડેટમાં આ સુવિધા ઉમેરાઈ જશે.

અત્યારે જ વોટ્સએપ એપ અપડેટ કરી લેવી હોય તો પ્લે સ્ટોરમાં વોટ્સએપ શોધો અને ત્યાં અપડેટનો વિકલ્પ જોવા મળે, તો તેને ક્લિક કરીને તમારી વોટ્સએપ એપ અપડેટ કરી લો.

વોટ્સએપ પર જિફ સર્ચ

તમે કોઈ પણ મિત્ર કે ગ્રૂપમાં જેવી રીતે ઇમોજી મોકલો છો, એ જ રીતે જિફ મોકલી શકો છો.

એ માટે, કોઈ પણ મિત્રને કે ગ્રૂપમાં મેસેજ પોસ્ટ કરવા માટે ટેક્સ્ટ બોક્સ ઓપન કરો અને ડાબી તરફના ઇમોજી આઇકન પર ક્લિક કરો. તમે જે ઇમોજીનો વારંવાર ઉપયોગ કરતા હશો તે ઇમોજીસ દેખાશે. આવું અગાઉ પણ જોવા મળતું હતું, હવે ફેર એ છે કે આ ઇમોજીસની નીચે એક પટ્ટીમાં ઇમોજીસનો આઇકન અને તેની બાજુમાં જિફનું બટન જોવા મળશે.

આ જિફ બટન પર ક્લિક કરતાં, જુદી જુદી કેટલીય જાતની એનિમેટેડ જિફ ઇમેજીસ જોવા મળશે. નીચેની પટ્ટીમાં ઇમોજીસમાં પરત ફરવાનો અથવા જોઈતી જિફ સર્ચ કરવાનો વિકલ્પ મળશે.

તેની મદદથી કોઈ પણ સર્ચ કીવર્ડ – હેપ્પી, એન્ગ્રી, અમેઝિંગ… – લખીને સંબંધિત જિફ શોધી શકો છો. અલબત્ત, જિફની લોકપ્રિયતા કે જાણકારી જેટલી વિદેશોમાં છે એટલી આપણા દેશમાં નથી, એટલે અહીં વિદેશી જિફ જ જોવા મળશે.

ઇન્ટરનેટ પર જિફ સર્ચ

વોટ્સએપમાં જોવા મળતી જિફથી તમને સંતોષ ન હોય તો ઇન્ટરનેટ પર એક નહીં, અનેક જિફ શોધી શકો છો. એક રસ્તો ગૂગલ પર સર્ચ કરવાનો છે. પીસી પર કે મોબાઇલમાં, ગૂગલમાં કંઈ પણ, જેમ કે નીચે આપેલા વિકલ્પોમાં ઇમેજીસ પર ક્લિક કરો. હવે ટાઇપમાં, એનિમેટેડ વિકલ્પ ક્લિક કરી દો. હવે જે સ્ટેટિક ઇમેજીસ દેખાશે તે વાસ્તવમાં એનિમેટેડ હશે. કોઈ પણ ઇમેજ પર ક્લિક કરતાં તેને એનિમેટેડ ફોર્મેટમાં જોઈ શકશો. અહીંથી તમને તેને શેર કરવાના વિકલ્પ મળશે અને મોબાઇલ હશે તો વોટ્સએપ પર પણ શેર કરી શકાશે.

http://giphy.com/ પરથી કે તેની ફ્રી એપ ડાઉનલોડ કરીને તેમાંથી પણ ગમતી જિફ સર્ચ કરી, જુદી જુદી રીતે શેર કરી શકો છો.

પોતાની જિફ કેવી રીતે ક્રિએટ કરી શકાય?

જિફની ખરી મજા ત્યારે છે, જ્યારે તે પોતે ક્રિએટ કરેલી હોય! ઇન્ટરનેટ પર આપણી ઇમેજિસ કે વીડિયોની મદદથી જિફ ક્રિએટ કરી આપતી સંખ્યાબંધ સર્વિસ ઉપલબ્ધ છે, પણ સૌથી સહેલો રસ્તો, વોટ્સએપ પોતે આપે છે.

વોટ્સએપ આપણા વીડિયો કે આઇઓએસમાંના લાઇવ ફોટોને જિફ સ્વરૂપે શેર કરવાની સગવડ આપે છે. અલબત્ત, એ વીડિયો છ સેકન્ડથી નાનો હોવો જોઈએ. વોટ્સએપમાં, કોઈ પણ વીડિયોને એનિમેટેડ જિફમાં ફેરવવા માટે…

  1. વોટ્સએપમાં જાઓ અને કોઈ પણ ફ્રેન્ડ કે ગ્રૂપને મેસેજ પોસ્ટ કરવા ટેક્સ્ટ બોક્સ ઓપન કરો.
  2. હવે તેમાં ઇમેજ એટેચ કરવાના આઇકન યુપીન પર ક્લિક કરો.
  3. ગેલેરી પર ક્લિક કરી ગમતો વીડિયો પસંદ કરો.
  4. હવે આ વીડિયોની સાઇઝ અને કુલ સમય બતાવતી એક વિન્ડો ખૂલશે.
  5. તેમાં બંને તરફના સ્લાઇડર ફેરવીને, તમે જેટલા ભાગને જિફ બનાવવા માગતા હો તે પસંદ કરી લો. યાદ રહે, આ વીડિયોની લંબાઈ છ સેકન્ડથી વધુ ન હોવી જોઈએ.
  6. વીડિયોની ડ્યુરેશન છ સેકન્ડથી નાની થશે એટલે સ્ક્રીન પર ઉપર જમણી તરફ મૂવી કેમેરાનો આઇકન જોવા મળશે.
  7. તેને ક્લિક કરો. તમે સિલેક્ટ કરેલો ભાગ જિફ ફોર્મેટમાં ફેરવાઈ જશે અને લૂપમાં પ્લે થતો રહેશે. બસે, હવે શેર બટન પર ક્લિક કરી મિત્રોને તમારું ક્રિએશન બતાવો!

વોટ્સએપની લાઇબ્રેરીમાં કે giphy.com પર જોવા મળતી જિફ બે ઘડી ગમ્મત પૂરતી છે, પણ કોઈ કોમ્પ્લેક્સ મિકેનિઝમ કે સાયન્સના જટિલ વિષયો સમજાવવામાં પણ એનિટેડ જિફ ઉપયોગી છે. તેની વાત કરીશું આગળના અંકોમાં!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here