ગૂગલનો ટ્રેબલ પ્રોજેક્ટ શું છે?

સવાલ મોકલનાર : મહેશ ડી. વાઘેલા, સુરત

આ સવાલનો જવાબ જાણતાં પહેલાં તમે પોતે એક વધુ સવાલનો જવાબ આપો! તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડનું કયું વર્ઝન છે?

લેટેસ્ટ એન્ડ્રોઇડ નોગટ? તેનાથી જૂનું માર્શમેલો? કે તેનાથી પણ જૂનું કોઈ વર્ઝન? જો તમે હમણાં હમણાં સ્માર્ટફોન ખરીદ્યો નહીં હોય તો તમારા ફોનમાં એન્ડ્રોઇડનું ખાસ્સું જૂનું વર્ઝન હશે. 

એક અહેવાલ અનુસાર દુનિયાભરના તમામ એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાંથી ફક્ત ૭.૧ ટકામાં એન્ડ્રોઇડનું લેટેસ્ટ નોગટ (૭.૦ અને ૭.૧) વર્ઝન જોવા મળે છે. માર્શમેલો બે વર્ષ જૂનું વર્ઝન હોવા છતાં હજી ફક્ત ૩૨ ટકા સ્માર્ટફોન સુધી પહોંચી શક્યું છે.

એ સિવાયના બધા ફોન એન્ડ્રોઇડના એથી પણ જૂના વર્ઝન પર ચાલે છે. આ સ્થિતિમાં, ટૂંક સમયમાં આવી રહેલું એન્ડ્રોઇડનું નવું વર્ઝન ઓ આપણા સુધી ક્યારે પહોંચશે તેની ફક્ત કલ્પના જ કરવી રહી.

હવે આની સરખામણી એપલ સાથે કરીએ તો એપલ તેની ઓપરેટિંગ સિસ્ટમ અને હેન્ડસેટ મેન્યુફેકચરિંગ પર પૂરો અંકુશ ધરાવે છે એટલે દુનિયાભરના તમામ આઇફોનમાંથી લગભગ ૭૬ ટકા આઇફોન લેટેસ્ટ આઈઓએસ ૧૦ વર્ઝન પર ચાલે છે.

એન્ડ્રોઇડ અને એપલના લેટેસ્ટ વર્ઝનના ઉપયોગમાં આટલો તફાવત એટલા માટે છે કે બંને જુદી જુદી રીતે એન્ડ યૂઝર્સ એટલે કે આપણા સુધી પહોંચે છે.

એપલમાં સોફ્ટવેર અપગ્રેડેશન

એપલ કંપની જ્યારે આઇઓએસનું નવું વર્ઝન તૈયાર કરે ત્યારે તે એપલના આઇફોન, આઇપેડનાં લગભગ બધાં જ મોડેલ માટે તે ઉપલબ્ધ કરે છે. આઇઓએસના નવા વર્ઝનનો લાભ લેવા માટે આપણે નવો આઇફોન ખરીદવો ન પડે. તમે ૨૦૧૨માં લોન્ચ થયેલો આઇફોન-ફાઇવ હજી વાપરતા હો તો તેમાં પણ લેટેસ્ટ આઇઓએસ ૧૦ વર્ઝન ઇન્સ્ટોલ કરી શકો (હવે તો જોકે આઇઓએસ ૧૧ આવવાની તૈયારીમાં છે). તમારે ફક્ત તમારા આઇફોનના સેટિંગ્સમાં, જનરલ સેક્શનમાં, સોફ્ટવેર અપડેટ પર ક્લિક કરવાનું અને ફોનની ઓપરેટિંગ સિસ્ટમને અપગ્રેડ કરી લેવાની.

એન્ડ્રોઇડમાં સોફ્ટવેર અપગ્રેડેશન

એન્ડ્રોઇડમાં વર્ઝન અપગ્રેડ કરવું આટલું સહેલું નથી. તેમાં એન્ડ્રોઇડ ઉપરાંત, પ્રોસેસર ચીપ બનાવતી કંપની અને ફોનનો હેન્ડસેટ મેન્યુફેકચર કરનારી કંપનીની પણ ભૂમિકા રહે છે.

ગૂગલ એન્ડ્રોઇડનું લેટેસ્ટ વર્ઝન તૈયાર કરે પછી આ વર્ઝનનો કોડ બે બાબતમાં સારી રીતે ચાલવો જોઈએ. એક છે ફોનની પ્રોસેસર ચીપ અને બીજી બાબત છે ફોનના અન્ય હાર્ડવેર. પ્રોસેસર ચીપ્સ અલગ કંપનીઓ બનાવતી હોય છે અને ફોનના અન્ય હાર્ડવેર ઓરીજનિલ ઇક્વિપમેન્ટ મેન્યુફેકચરર (ઓઇએમ) તરીકે જાણીતી કંપનીઓ એટલે કે આપણા હેન્ડસેટની મેન્યુફેકચરર કંપનીઓ બનાવતી હોય છે.

ચીપ મેન્યુફેકચરર અને હેન્ડસેટ મેન્યુફેકચરર એન્ડ્રોઇડના વર્ઝનમાં પોત પોતાની રીતે ફેરફાર કરી શકતા હોય છે. આથી જ્યારે એન્ડ્રોઇડનું નવુ વર્ઝન લોન્ચ થાય ત્યારે આ બંને કંપનીઓએ તેમાં નવેસરથી ફેરફાર કરવા પડે છે. આ કામ કંપનીઓ માટે ખર્ચાળ હોવાથી તે ફક્ત મોંઘા ભાવના ફોનમાં જ સોફ્ટવેર અપગ્રેડ કરવાની સગવડ આપે છે. બાકીના સ્માર્ટફોન જૂના વર્ઝન પર પણ ચાલી શકતા હોવાથી મોટાભાગે તેમાં નવા વર્ઝનનો લાભ આપવામાં આવતો નથી.

આ બાબત ગૂગલને ખાસ નડે છે કારણ કે તેણે એન્ડ્રોઇડના નવા વર્ઝનમાં નવી સુવિધાઓ ઉમેરી હોવા છતાં દુનિયાના મોટા ભાગના એન્ડ્રોઇડ સ્માર્ટફોન ધારકો સુધી તેના લાભ પહોંચતા જ નથી.

હવે શો ફેરફાર થશે?

આના ઉપાય તરીકે ગૂગલે પ્રોજેક્ટ ટ્રેબલ તૈયાર કર્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ જ્યારે એન્ડ્રોઇડનું નવું વર્ઝન લોન્ચ થાય ત્યારે ચીપ મેન્યુફેકચરિંગ કંપનીએ તેમાં ખાસ કશું કરવાનું ન હોય અને હેન્ડસેટ મેન્યુફેકચરિંગ કંપનીને તેના પર વધુ અંકુશ મળે તેવી સ્થિતિ સર્જવામાં આવી રહી છે. આથી હેન્ડસેટ્સમાં એન્ડ્રોઇડના નવા વર્ઝનનું અપગ્રેડ આપવું હેન્ડસેટ મેન્યુફેકચરિંગ કંપની માટે સસ્તું બનશે.

જોકે જો સ્માર્ટફોન બનાવતી કંપનીએ એન્ડ્રોઇડના વર્ઝન પરથી પોતાનો આગવો યૂઝર ઇન્ટરફેસ બનાવવા માટે મોટા ફેરફારો કર્યા હશે તો તેને નવા વર્ઝનને અપડેટ કરાવવામાં વધુ વાર લાગશે અને પરિણામે તે સસ્તા ફોનમાં આવા અપગ્રેડ આપવાનું ટાળશે.

ફોન જૂની ઓપરેટિંગ સિસ્ટમ પર પણ ચાલી તો શકે છે, પણ તેમાં નવા વર્ઝનની નવી સુવિધાઓનો લાભ મળતો નથી અને ખાસ તો, સલામતી બાબતે કોઈ નવાં ફીચર્સ ઉમેરાયાં હોય, તો તેનો લાભ પણ આપણને મળતો નથી.

આ જ કારણે જો તમને સ્માર્ટફોન બદલ્યા વિના એન્ડ્રોઇડના લેટેસ્ટ વર્ઝનનો લાભ લેવાની ઇચ્છા હોય તો એન્ડ્રોઇડનું સ્ટોક વર્ઝન ઓફર કરતી કંપનીનો સ્માર્ટફોન લેશો તો વધુ ફાયદામાં રહેશો. કારણ કે આવા ફોનમાં વર્ઝન વધુ ઝડપથી અપડેટ થવાની શક્યતા રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here