જોઈતી ઇમેજ સેવ કરવાની સ્માર્ટ રીત

ગૂગલમાં સર્ચ કરેલી ઇમેજ તમે હંમેશ માટે સાચવી શકો છો અને જ્યારે જ‚ર પડે ત્યારે સહેલાઈથી શોધી શકો છો, આ રીતે...

ઇન્ટરનેટ પર એવું ઘણું બધું છે, જે હોય સાવ નાની સુવિધા, પણ આપણને ક્યારેક મોટી મદદ કરી જાય. આ સુવિધા હોય એટલી નાની કે લગભગ આપણી નજર બહાર જ જતી હોય, પણ જ્યારે એની જરૂ‚ર ઊભી થાય અને એ સુવિધાનો ઉપયોગ કરીએ ત્યારે મનમાં રીતસર ઝાટકો લાગે કે અરે આ વાત અત્યાર સુધી ક્યારેય ધ્યાને કેમ ન આવી?!

એક સાદું ઉદાહરણ લઈએ તો, દિવાળીના દિવસો નજીક આવે એટલે લગભગ દરેક ઘરમાં બહેનો અને રંગોળી બનાવવામાં જેમને રસ હોય એ બધા જ લોકો ઇન્ટરનેટ પર ગૂગલ ઇમેજીસમાં જુદી જુદી રંગોળીની ડિઝાઇન શોધવા લાગી જાય. એ જ રીતે સ્કૂલમાંથી છોકરાંઓને કોઈ પ્રોજેક્ટ આપવામાં આવ્યો હોય તો એની ઇમેજ શોધવાનું હોમવર્ક લગભગ મમ્મીને માથે જ આવે.

હવે ગૂગલ તો હનુમાનનો અવતાર છે! એ સંજીવની શોધવાનું કહીએ તો આખો પહાડ આપણી સામે ખડો કરી દે છે. એટલે આપણે એક-બે ઇમેજ જોઈતી હોય ત્યારે નજર સામે મૂકાયેલી ૨૦-૨૫ ઇમેજીસ ગમી જાય એવું બને. ફાઇનલ સિલેક્શન તો પછી કરવાનું હોય. ક્યારેક એવું પણ બને કે મમ્મીએ ફાઇનલ સિલેક્શન માટે પ્રોજેક્ટ આખરે જેણે પૂરો કરવાનો છે તે બાળકની મંજૂરી લેવી પડે.

એ માટે કાં તો તમારે પસંદ પડેલી દરેક ઇમેજનો સ્ક્રીન શોટ લેવો પડે, અથવા એ ઇમેજને સેવ કરી લેવી પડે.

ગૂગલ આનો જરા સહેલો રસ્તો આપે છે.

જો તમે પીસીમાં ઇમેજીસ સર્ચ કરી રહ્યા હો અને તમારા ગૂગલ એકાઉન્ટમાં લોગ્ડ-ઇન હો તો કોઈ પણ ઇમેજ પસંદ કરવા માટે તેને ક્લિક કરો ત્યારે એ ઇમેજ મોટા સ્વરૂપે તો દેખાય જ છે, સાથોસાથ એ ઇમેજ ધરાવતું વેબવેજ વિઝિટ કરવાનો, ફક્ત એ ઇમેજ જોવાનો વગેરે વિકલ્પ મળે છે અને તે ઉપરાંત, એ ઇમેજને સેવ કરવાનો વિકલ્પ પણ દેખાશે.

સાચું કહેજો, તમે ઇમેજ સર્ચ કરો ઘણી વાર કરી હશે, પણ આ સેવ અને વ્યૂ સેવ્ડના બટન્સ તરફ તમારું ધ્યાન ગયું હતું?!

જે ઇમેજ તમને કામની લાગે તેને માટે સેવ બટન ક્લિક કરી દો. હવે તમારે બીજી કોઈ લાંબી રીતે ઇમેજ સાચવી લેવાની જરૂર રહેશે નહીં. તમે આ રીતે સેવ કરેલી બધી ઇમેજ તમારા ગૂગલ એકાઉન્ટમાં સચવાયેલી રહેશે અને જ્યારે જોવાની જરૂર ઊભી થાય ત્યારે https://www.google.co.in/save/ પર જઈને અથવા ફરી ગૂગલ ઇમેજીસમાં કોઈ ઇમેજ સર્ચ કરતી વખતે વ્યૂ સેવ્ડ બટન પર ક્લિક કરતાં તમે સેવ કરેલી બધી ઇમેજ એક સાથે જોઈ શકશો.

ફાયદો એ છે કે અહીં તમે જુદી જુદી ઇમેજને અલગ અલગ ટેગ આપી શકશો.

સ્ટુડન્ટ્સ અને મમ્મીઓ માટે બે રીતે આ બહુ કામની સગવડ છે.

એક તો, તમે જે કોઈ ઇમેજીસ સર્ચ અને સેવ કરશો એ બધી જ એક સાથે એક જગ્યાએ જોઈ શકશો અને બીજું, એ દરેકને જ‚ર મુજબ ફિઝિક્સ, કેમિસ્ટ્રી, જ્યોગ્રાફી જેવાં ટેગ લગાવશો તો તમે ઇચ્છો તે રીતે ઇમેજ શોધી શકશો. આ ટેગિંગની સગવડ છે, ફોલ્ડરમાં સેવ કરવાની વાત નથી એટલે એક જ ઇમેજને તમે એકથી વધુ ટેગ આપી શકશો અને મન પડે તે રીતે શોધી શકશો.

આ રીતે જોઈતી ઇમેજ સેવ કરવાની ટેવ રાખશો તો પ્રોજેક્ટ સબમિટ કરવાનો હોય ત્યારે છેલ્લી ઘડીએ હાંફળા ફાંફળા થઈને બધી ઇમેજ ફરી શોધવા જવું પડશે નહીં!

ગૂગલમાં તમે કોઈ પણ ઇમેજ સર્ચ કરો ત્યારે જોવા મળતા વિકલ્પો…

ગૂગલ ઇમેજ સર્ચમાં આપણે કોઈ પણ ઇમેજ સર્ચ કરીએ – જેમ કે ‘રાષ્ટ્રપતિ ભવન’ – ત્યારે સર્ચ રીઝલ્ટમાં સંખ્યાબંધ, સંબંધિત ઇમેજ જોવા મળે છે. એ ઉપરાંત, થોડા સમય પહેલાં ઉમેરાયેલી સગવડ મુજબ, સૌથી ઉપરના ભાગે આપણી સર્ચને સંબંધિત અન્ય સર્ચ ક્વેરી જોવા મળે છે.

જેમ કે ‘રાષ્ટ્રપતિ ભવન’ સર્ચ કરતાં, સિસ્ટમ આપણને દિલ્હી, દરબાર હોલ, વ્હાઇટ હાઉસ, રોઝ ગાર્ડન, પાર્લામેન્ટ હાઉસ… વગેરે શબ્દો પણ સૂચવે છે.

હવે નીચે દેખાતી સંખ્યાબંધ ઇમેજમાંથી કોઈ પણ એક પર ક્લિક કરશો એટલે એ ઇમેજ મોટી થશે અને તેની સાથોસાથ, એ ઇમેજ સંબધિત વિવિધ માહિતી અને વિકલ્પો મળશે. નીચે એ દરેક બાબતની વિગત આપી છે. તમે અનેક વાર ગૂગલમાં ઇમેજ સર્ચ કરી હોય, પણ આ બાબતો તરફ તમારું ધ્યાન ન ગયું હોય એવું બની શકે છે!

 1. આપણે સિલેક્ટ કરેલી ઇમેજ
 2. એઇમેજ જે વેબસાઇટ, જે વેબપેજ પર હોય તેનું શીર્ષક અને તેની લિંક
 3. એવેબસાઇટની લિંક
 4. આપણેસિલેક્ટ કરેલી ઇમેજની પિક્સેલમાં સાઇઝ. તેના પર ક્લિક કરતાં, એ જ ઇમેજ અન્ય જે જે સાઇઝમાં ઉપલબ્ધ હશે તે જોવા મળશે
 5. સિલેક્ટકરેલી ઇમેજ જેવી જ બીજી ઇમેજ શોધવાનો વિકલ્પ
 6. એઇમેજ જે લેખનો ભાગ હોય તેનું શીર્ષક
 7. એ વેબપેજની લિંક
 8. બ્રાઉઝરનીનવી ટેબમાં, માત્ર એ ઇમેજ જોવાનો વિકલ્પ
 9. એઇમેજ આપણા ગૂગલ એકાઉન્ટમાં સેવ કરવાની સુવિધા
 10. આપણા ગૂગલ એકાઉન્ટમાં સેવ કરેલી તમામ ઇમેજ જોવાનો વિકલ્પ
 11. આઇમેજની લિંક જુદી જુદી રીતે શેર કરવાનો વિકલ્પ
 12. આપણેસિલેક્ટ કરેલી ઇમેજને સંબંધિત વધુ ઇમેજીસ. અહીંથી આપણે આપણી સર્ચ આગળ ધપાવી શકીએ છીએ.

અંતે, ગૂગલ સ્પષ્ટતા કરે છે તેમ આ ઇમેજ કોઈના કોપીરાઇટને આધીન હોઈ શકે છે!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here