એક અનોખી સાઇટ, જેના પર વિશ્વનો શબ્દમેળો જામ્યો છે!
એક સમયના સૂકલકડી છોકરડા જેવા આમીર ખાનનું અસલ પહેલવાની શરીર એ દંગલ ફિલ્મનું ઊડીને આંખે વળગે એવું પાસું, પણ આ ફિલ્સનું કોઈ પાસું તમને ઊડીને કાને વળગ્યું? ફિલ્મનાં પાત્રોની અસલ હરિયાણવી, દેશી ભાષા. શબ્દો લગભગ આપણા જાણીતા જ, પણ એના ઉચ્ચાર જુદા!
ફિલ્મનાં આવાં પાસાં પણ તમને સ્પર્શે કે નહીં એનો બધો આધાર, ભાષા અને શબ્દો પ્રત્યે તમને કેટલો પ્રેમ છે એના પર છે. હવે એ કહો કે ‘દિન’ અને ‘દીન’ શબ્દની જોડણી અને અર્થ તો જુદા છે, પણ એના ઉચ્ચાર પણ સ્પષ્ટપણે જુદા થાય છે એ તમે જાણો છો? હિન્દી-ઉર્દૂની વાત કરીએ તો ‘સબ’ અને ‘શબ’ના સ્પષ્ટ અર્થભેદ તમે જાણો છો? ઇંગ્લિશમાં, ‘એક્સેપ્ટ’ અને ‘એક્સ્પેક્ટ’ જેવા શબ્દોમાં તમે ગોથાં ભલે ખાવ, પણ એના અર્થ જુદા છે એ તો જાણો છોને?
આટલે સુધીની બધી વાતમાં તમારા જવાબ ના હોય તો તમે આટલેથી આ મેગેઝિનાં બીજાં પાનાં તરફ નક્કી વળી જશો, પણ જો હા હોય અથવા તો ‘જવાબ હા હોવા જોઈતા હતા’, એવું તમને લાગતું હોય તો અહીં જેની વાત કરવી છે એ સાઇટ તમને ચોક્કસ ગમશે!