ઓડિયો એમપી૩ ફાઇલ્સનું ‘વિમુદ્રીકરણ’?

ગીત-સંગીતના સૌ શોખીનો માટે અત્યંત પરિચિત એમપી૩ ફાઇલ ફોર્મેટ હવે કાયમ માટે શાંત થઈ જશે - જોકે તમારે હાલ પૂરતી ચિંતા કરવાની જરૂર નથી!

આગળ શું વાંચશો?

  • એમપી૩ ફોર્મેટ કેમ આટલું ચાલ્યું?
  • એમપી૩ કેવી રીતે કામ કરે છે?

તમે ગીત-સંગીતના શોખીન હો અને એમપી૩ શબ્દ તમારા કાને પહોંચ્યો ન હોય એવું બની જ ન શકે. હા, આ શબ્દનો ખરો અર્થ શો છે એ તમને ન સમજાયું હોય એવું બની શકે ખરું! તમારું પીસી હોય કે મોબાઇલ, બંનેમાં અચૂકપણે ઢગલાબંધ એમપી૩ ફાઇલ્સ હોવાની. એટલે જ હમણાં આવેલા એમપી૩ વિશેના સમાચાર તરફ કદાચ તમારું ધ્યાન ગયું હશે.

આ સમાચાર મુજબ, એમપી૩ ફાઇલ્સનો ઓફિશિયલી અંત આવ્યો છે, સંગીતની ફાઇલ્સ માટેના વિશ્વના આ સૌથી લોકપ્રિય ફાઇલ ફોર્મેટનો આખરે મૃત્યુઘંટ વાગી ગયો છે.

તો એનો મતલબ, હવે આપણા મોબાઇલમાં એમપી૩ ફાઇલ્સ ચાલશે નહીં? સદનસીબે એવું નથી!

ચિંતા કરવાની જરૂર નથી, તમે પારાવાર મહેનત કરીને મનગમતાં ગીતોની એમપી૩ ફાઇલ્સનો ખજાનો ઊભો કર્યો હોય, તો એનું રાતોરાત ‘વિમુદ્રીકરણ’ થવાનું નથી!

આ ફાઇલ્સ આપણે ચલાવી જ શકીશું અને હજી પણ જુદા જુદા સ્રોતમાંથી આપણને એમપી૩ ફાઇલ્સ મળતી રહે એવું બની શકે છે.

હાલના સમાચારનો સાર ફક્ત એટલો છે કે જે કંપનીએ મ્યુઝિક ફાઇલ્સ માટે આ ફોર્મેટ વિક્સાવ્યું તેણે તેને સપોર્ટ કરવાનું સત્તાવાર રીતે બંધ કર્યું છે. એટલે લાંબા ગાળે, એમપી૩ ફાઇલ્સ દેખાતી બંધ થશે એ નક્કી. જેમ પેલી ફ્લોપી ડિસ્ક અને હવે તો સીડી પણ દેખાતી બંધ થવા લાગી છે એમ.

પણ વાત નીકળી છે, તો આ એમપી૩ ફોર્મેટ શું છે, એ આટલું જબરજસ્ત લોકપ્રિય કેમ બન્યું એની થોડી વાત કરી લઈએ.

એમપી૩ ફોર્મેટ કેમ આટલું ચાલ્યું?

એમપી૩ ફોર્મેટ અત્યંત ઉપયોગી બનવાનું મૂળ કારણ, ઓડિયો ફાઇલની સાઇઝ ઘટાડવાની તેની ક્ષમતામાં રહેલું છે. તમે કોઈ પ્રતિષ્ઠિત મ્યુઝિક કંપની તૈયાર કરેલું, જગજિત સિંહની ગઝલોના કોઈ આલબમની સીડી ખરીદો તો તેમાં માંડ ૮-૧૦ ગઝલો હોય, પણ તેની સામે કોઈ પાઇરેડેટ સીડી ખરીદો તો તેમાં જગજિત સિંહની ગઝલો તો ઠીક, ભજનો સહિતનાં લગભગ તમામ આલબમ એક જ સીડીમાં સમાઈ ગયાં હોય! કારણ એ કે કંપનીની સીડીમાં મ્યુઝિકનું જુદું ફોર્મેટ હોય અને પાઇરેટેડ સીડીમાં ફાઇલ્સ એમપી૩ ફોર્મેટમાં હોય, જે ઓડિયો ફાઇલ્સની સાઇઝ મૂળ ફાઇલ કરતાં લગભગ દસમા ભાગની કરી શકે છે!

જ્યારે ઓડિયો ફાઇલ્સને ડિજિટલ સ્વરૂપમાં રેકોર્ડ કરવામાં આવે ત્યારે તેને જુદા જુદા અનેક ફોર્મેટમાં સેવ કરી શકાય છે (જેમ ઇમેજ ફાઇલ્સ માટે જેપીઇજી, જીઆઇએફ, પીએનજી વગેરે ઘણાં ફોર્મેટ છે તેમ).

આપણા જેવા સંગીતના શોખીન પણ ‘જાણકાર’ નહીં એવા લોકો માટે એમપી૩ ફોર્મેટ ચાલી જાય, પણ સાઉન્ડ એન્જિનીયર્સ તેને ઉતરતી કક્ષાનું ગણાવે છે. આવા લોકો ઓડિયો ફાઇલ્સને હાઇ-રેઝોલ્યુશનમાં સ્ટોર કરવા માટે એઆઇએફએફ, એએલએસી, એફએલએસી, ડબલ્યુએવી કે ડીએસડી જેવાં ફોર્મેટ પસંદ કરે છે.

એમપી૩ કેવી રીતે કામ કરે છે?

ઓડિયો ફાઇલ્સને સીડીને બદલે ઓનલાઇન, ઇન્ટરનેટ પર શેર કરવાનું ચલણ વધ્યું એ સાથે તેની સાઇઝ ઘટાડવાની જરૂરિયાત વર્તાવા લાગી.

ત્રણેક મિનિટના કોઈ ગીત કે ઓડિયો ક્લિપને ‘અનકમ્પ્રેસ્ડ’ સ્વરૂપમાં સેવ કરવામાં આવે તો એ લગભગ ૩૦ એમબી જેટલી જગ્યા રોકે. અત્યારે ફોરજી અને ફાઇબર બ્રોડબેન્ડના જમાનામાં આપણને આટલી સાઇઝ ચણા-મમરા જેવી લાગે, પણ ત્રીસેક વર્ષ પહેલાં, ૧૯૮૦ના દાયકામાં આ બહુ મોટી સાઇઝ હતી.

પરિણામે સંશોધકો, ઓડિયો ફાઇલ્સની ઇન્ટરનેટ પર સરળતાથી આપલે થઈ શકે તેવો કોઈ કીમિયો શોધવા લાગ્યા. ફ્રોનહોફર નામના એક જર્મન સંશોધન સંસ્થાએ ઓડિયો ફાઇલ્સને કમ્પ્રેસ કરવાની દિશામાં ખાસ્સી પ્રગતિ કરી. ડિજિટલ ઓડિયો ફાઇલની સાઇઝ ઘટાડવા માટે સંશોધકોએ મૂળ રેકોર્ડેડ ઓડિયોમાં જે ભાગ માનવની સાંભળવાની ક્ષમતા બહારનો હોય તેને દૂર કરવાનો ઉપાય કામે લગાડ્યો. તેમનો આઇડિયા એવો હતો કે અમુક ફ્રિકવન્સીથી ઓછી ફ્રિકવન્સીના જે અવાજો લોકો સાંભળી શકવાના જ નથી, તેને ડિજિટલ ફાઇલમાં રાખવાની શી જરૂર છે?!

આ રીતે ડિજિટલ સાઉન્ડનું વિશ્લેષણ કરીને તેમાંથી, માનવકાન માટે ‘બિનજરૂરી’ સાઉન્ડ્સ દૂર કરવાનું પરફેક્ટ અલ્ગોરિધમ વિક્સાવવામાં થોડો સમય લાગ્યો પણ છેવટે તેમને સફળતા મળી. અને કેવી સફળતા?! ત્રીસ એમબીની ઓડિયો ફાઇલને એમપી૩ ફોર્મેટમાં કન્વર્ટ કરવામાં આવે તો તે માંડ ૩ એમબીની બની જાય છે, છતાં, સંગીતના શોખીનો (જાણકારો નહીં!)ને તેની ગુણવત્તામાં ખાસ કોઈ ફેરફાર થયો હોય એવું લાગતું નથી.

ફ્રોનહોફર કંપનીના જે સંશોધકો આવું ફોર્મેટ શોધવાના કામે લાગ્યા હતા, જે ગ્રૂપને ‘મોશન પિક્ચર્સ એક્સપર્ટ્સ ગ્રૂપ-લેયર ૩ (એટલે એમપીઇજી-૩ અથવા ફક્ત એમપી૩) નામ  આપવામાં આવ્યું હતું, એટલે આ નવા ફોર્મેટને પણ નામ મળ્યું ‘એમપી૩’!

આ કંપની પોતે વિક્સાવેલા ફોર્મેટનો ઉપયોગ કરવા માટે જગતભરની બીજી કંપનીઓને લાઇસન્સ આપતી હતી.

હવે શું થશે?

એમપી૩ ફોર્મેટ અને તેને પગલે વિનએમ્પ પ્રોગ્રામ લોકપ્રિય બનતાં મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં ધરમૂળથી પરિવર્તન આવ્યાં હતાં. એપલના આઇપોડમાં પણ શરૂઆતમાં એમપી૩ ફોર્મેટનો જ ઉપયોગ થયો હતો. પરંતુ સમય જતાં, એમપી૩ ફોર્મેટથી મ્યુઝિકની પાઇરસી પણ સહેલી બની. મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં એમપી૩નું રાજ ચાલ્યું, પણ બીજી ઘણી કંપની તેના વિકલ્પ શોધવાની હરીફાઈમાં હતી.

આ ક્રાંતિકારી ફોર્મેટ વિક્સાવનારી સંશોધન સંસ્થાને લાગે છે કે હવે ઓડિયો ફાઇલ્સને કમ્પ્રેસ કરવાની વધુ આધુનિક ટેક્નોલોજી આવી ગઈ છે, એટલે તેણે એમપી૩ ફોર્મેટના લાઇસન્સનો અંત લાવવાનો નિર્ણય કર્યો છે અને સંસ્થા તેને સંબંધિત પેટન્ટ્સ પર રીન્યુ કરશે નહીં.

એમપી૩ના વિકલ્પ તરીકે હવે એએસી (એડવાન્સ્ડ ઓડિયો કોડિંગ) નામની ટેક્લોલોજી ચલણી બનશે. એપલે આઇપોડમાં એમપી૩ ફોર્મેટથી શરૂઆત કરી હતી, પણ પછી કંપની આ એએસી ફોર્મેટ અપનાવી લીધું. આઇટ્યૂન્સમાં અત્યારે ડિજિટલ મ્યુઝિક માટે આ જ ફોર્મેટનો ઉપયોગ થાય છે.

આ આખી વાતનો, આપણને સીધી અસર કરતો સૂર એ કે હાલ પૂરતું તો આપણી એમપી૩ ફાઇલ્સનો આપણે લાભ લઈ શકીશું, પણ એમપી૩ ટેક્નોલોજીના અંતને પગલે, તેનાં પ્લેયર પણ ધીમે ધીમે ભૂંસાશે. અત્યારે મોબાઇલ મેન્યુફેક્ચરિંગ કંપનીઝ આપણા મોબાઇલ હેન્ડસેટમાં એમપી૩ પ્લેયર મૂકે છે એટલે આપણે એ ફાઇલ્સ પ્લે કરી શકીએ છીએ. ધીમે ધીમે આ પ્લેયર મળતાં બંધ થશે એટલે આપણી ફાઇલ્સ પણ નકામી થતી જશે – પેલી જૂની ઓડિયો કેસેટ્સની જેમ!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here