અત્યાર સુધી સેટેલાઇટ ફોન આપણી પહોંચની બહાર હતા પરંતુ હવે કદાચ સ્થિતિ બદલાશે. આવતા બે વર્ષમાં ઇચ્છીએ તો આપણે પણ સેટેલાઇટ ફોન ખરીદીને ગમે ત્યાંથી ગમે ત્યારે તેનો ઉપયોગ કરી શકીશું!
સામાન્ય મોબાઇલ નેટવર્કસમાં ટાવરથી ૨૫-૩૦ કિલોમીટર સુધીના વર્તુળમાં આપણો મોબાઇલ ટાવરના સિગ્નલ પકડી શકે છે અને તેમાં ટાવર જેટલી કે ટાવર કરતાં ઓછી ઊંચાઈએ રહેલ ફોન ટાવરના સિગ્નલ ઝડપી શકે છે. જ્યારે સેટેલાઇટ ફોન પૃથ્વીથી ૩૫,૭૦૦ કિલોમીટર ઉપર ઘૂમતા સેટેલાઇટ્સમાંથી આવતા સિગ્નલ્સ ડાયરેક્ટ ઝીલી શકે છે. આ પ્રકારના ફોન પ્લેન અને શીપમાં પણ ચાલી શકે છે અને દેશના કોઈ પણ ખૂણે તેનો ઉપયોગ કરી શકાય છે.
ખાસ કરીને કુદરતી આફતના સમયે સામાન્ય મોબાઇલ નેટવર્ક પડી ભાંગે ત્યારે સેટેલાઇટ ફોન સર્વિસ બહુ ઉપયોગી થાય છે.