દેશની સૌથી મોટી આઇટી ચેલેન્જ

જીએસટી નેટવર્ક પર દર મહિને ૩ અબજ ઇનવોઇસનું પ્રોસેસિંગ થશે આ જુલાઈ મહિનાના આરંભ સાથે, ભારતના આઇટી ક્ષેત્રમાં વધુ એક ઐતિહાસિક પહેલ થઈ - જીએસટી નેટવર્ક સ્વરૂપે. તમારો પોતાનો કોઈ વેપાર-ધંધો હોય કે ન હોય, તમને જીએસટીની અસર થતી હોય કે ન થતી હોય, ઇન્ફર્મેશન ટેકનોલોજીની દ્રષ્ટિએ આ કેટલું મોટું પગલું છે એ ખાસ સમજવા જેવું છે. 

ભારતે હજી હમણાં જ તેની સમગ્ર વસતીને આધાર સ્વરૂપે યૂનિક આઇડેન્ડિટી આપવાની કવાયત લગભગ પૂરી કરી છે. આધારમાં દેશના દરેક નાગરિકનો બાયોમેટ્રિક્સ ડેટા સાચવવાની બહુ મોટી, જોખમી જવાબદારી સરકારે માથે લીધી છે, તો બીજી બાજુ યુનિફાઇડ પેમમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ) મારફતે દેશની મોટા ભાગની બેન્ક્સના ખાતેદારોની વિગતો એકમેક સાથે સાંકળીને તેને સંભાળવાની ચિંતા પણ હવે સરકાર માથે છે.

આ બંને જવાબદારી ઓછી હોય તેમ હવે દેશના લગભગ તમામ બિઝનેસના ડેટાને એકમેક સાથે સાંકળતું, જીએસટી નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે.

આધાર, યુપીઆઇ અને હવે આ જીએનટીએન આ ત્રણેય ભારતના આઇટી ટેલેન્ટની જબરી કસોટી કરશે કેમ કે અત્યારથી જ આ ત્રણેય પર પાકિસ્તાન અને ચીન તરફથી સાયબરએટેક થઈ રહ્યા હોવાના અહેવાલો આવવા લાગ્યા છે.

જીએસટીએન પર પહેલા જ દિવસથી દેશના ૮૫ લાખ કરદાતા તરફથી, દર મહિને ૩ અબજ જેટલાં ઇનવોઇસીસનું પ્રોસેસિંગ કરવાની જવાબદારી આવવાની છે. અત્યાર સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારોનાં વિવિધ ખાતાં વચ્ચે આ બધું વહેંચાયેલું હતું, પણ હવે તો ‘એક રાષ્ટ્ર, એક કર’ યોજના હેઠળ દેશના તમામ કરદાતા (બિઝનેસ), કરવેરા વિભાગો, બેન્ક્સ, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા, એક્સટર્નલ સર્વિસ પ્રોવાઇડર્સ વગેરે તમામને એક જ આઇટી સિસ્ટમમાં સાંકળી લેવામાં આવ્યા છે.

એમ કહો કે દેશના સમગ્ર અર્થતંત્રનો તમામ ડેટા હવે એક જ જગ્યાએ એકઠો થવાનો છે. એટલે તેને નિશાન બનાવવાનું સહેલું થશે અને સલામત રાખવાનું મુશ્કેલ!

આ માટેની તૈયારી ૪-૫ વર્ષથી ચાલી રહી હતી. સરકારે માર્ચ ૨૦૧૩ના રોજ ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નેટવર્ક (જીએસટીએન) નામે એક નોટ-ફોર-પ્રોફિટ, નોન-ગવર્નમેન્ટ, પ્રાઇવેટ લિમિટેડ કંપનીની સ્થાપના કરી છે. આ કંપનીમાં ભારત સરકારનો ૨૪.૫ ટકા હિસ્સો છે, ૨૪.૫ ટકા હિસ્સો તમામ રાજ્યો અને તેમના નાણામંત્રીઓની એક સમિતિનો છે અને બાકીનો ૫૧ ટકા હિસ્સો બિન-સરકારી નાણા સંસ્થાઓ (બેન્ક્સ, એલઆઇસી હાઉસિંગ ફાઇનાન્સ વગેરે)નો છે.

આ કંપનીએ જીએસટી માટેનું આઇટી નેટવર્ક અને સોફ્ટવેર તૈયાર કરવા ૨૦૧૫માં ઇન્ફોસિસ કંપનીને રૂા. ૧,૩૮૦ કરોડનો કોન્ટ્રેક્ટ આપ્યો. ટીસીએસ, વિપ્રો, ટેક મહિન્દ્રા અને માઇક્રોસોફ્ટ જેવી કંપની પણ આ કોન્ટ્રેક્ટ મેળવવાની હરીફાઈમાં હતી.

જીએસટીએન કંપની અને ઇન્ફોસિસે ઊભા કરેલું આઇટી નેટવર્ક કેટલું મજબૂત છે તેની ખરી કસોટી હવે થશે.

આ બધો ભાર એક વેબસાઇટ કે સિસ્ટમ ઉઠાવી ન જ શકે એટલે એક મુખ્ય પોર્ટલ અને તેને એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ (એપીઆઇ) દ્વારા એક્સેસ કરતા વિવિધ જીએસટી સર્વિસ પ્રોવાઇડરનું એક નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે.

આ લખાઈ રહ્યું છે ત્યારે વેપારીઓ અને ઉદ્યોગ સંગઠનો તો ઠીક બેન્ક્સ પણ જીએસટીના અમલ માટે તૈયાર ન હોવાનું કહી રહી છે. કેન્દ્રના ગૃહ મંત્રાલય તરફથી પણ જીએસએટીએન સલામત હોવાનું પ્રમાણપત્ર મળ્યું નથી, જોકે નાણાપ્રધાન એ માત્ર ઔપચારિકતા હોવાનું કહી જીએસટીના લોન્ચિંગ માટે મક્કમ છે.

આપણે નોટબંધી જેવી જ અરાજકતા માટૈ તૈયારી રાખવી પડશે એવું લાગે છે – પણ એ અનિવાર્ય છે, કારણ કે આવા ધરખમ ફેરફારમ માટે સંપૂર્ણ તૈયાર તો આપણે ક્યારેય થવાના નથી!

જીએસટીનાં રિટર્ન્સ કેવી રીતે ફાઈલ કરવાનાં રહેશે?

  • જુદા જુદા વેપારી કે બિઝનેસ જીએસટીના પોર્ટલ પર જઈને પોતાના પાન અને મોબાઇલ નંબરથી રજિસ્ટ્રેશન કરાવી શકે છે.
  • સફળ રજિસ્ટ્રેશન પછી તેમને 15 ડિજિટનો એક જીએસટી આઇન્ડેન્ટિફિકેશન નંબર મળે છે, જે સ્ટેટ કોડ અને પાનના આધારે નક્કી થાય છે.
  • હવે વેપારી કે બિઝનેસ, જીએસટી પોર્ટલ પર સીએની મદદથી રિટર્ન ફાઇલ કરી શકે અથવા ટેલી, સેપ કે પ્રોફિટ-એનએક્સ જેવા એકાઉન્ટિંગ સોફ્ટવેરની મદદથી ડાયરેક્ટ રિટર્ન ફાઇલ કરી શકે છે.
  • જીએસટીને કારણે એકાઉન્ટન્ટ્સ અને એકાઉન્ટિંગ સોફ્ટવેરની ડિમાન્ડ એકદમ વધી ગઈ છે. તેમ સોફ્ટવેર કંપની માટે નવી તકો પણ વિકસી છે.
  • જીએસટીની ગણતરી અત્યંત જટિલ છે અને મોટા ભાગનાં સોફ્ટવેરમાં, કઈ પ્રોડક્ટ પર કેટલો ટેક્સ લાગે અને કેવા સંજોગમાં રિવર્સ ચાર્જ લાગે વગેરે નિર્ણય એકાઉન્ટન્ટે પોતે અથવા એન્ટ્રી કરનાર ઓપરેટરે લેવાનો રહે છે. જ્યારે પ્રોફિટ-એનએક્સ (profitnx.com)
  • નામના એકાઉન્ટિંગ સોફ્ટવેરમાં આ બધું પહેલેથી ફીડ કરી દેવાયું હોવાથી ગણતરી એકદમ સહેલી બને છે.
  • જીએસટીએન અત્યારે, ઇન્કમટેક્સ રિટર્ન ઓનલાઇન ભરવાની સગવડ આપતાં ક્લિયરટેક્સ જેવાં સ્ટાર્ટઅપ્સ સાથે પણ ચર્ચા કરી રહેલ છે, પરિણામે આવા ખાનગી પોર્ટલ પરથી પણ જીએસટીનાં રિટર્ન ભરી શકાશે.
  • બહુ નાના વેપારીઓ માટે મોબાઇલ પરથી જીએસટી મુજબ ઇનવોઇસ જનરેટ થઈ શકે તેવી એપ્સ બનાવવા માટે પણ જીએસટીએન વિવિધ કંપનીને પ્રોત્સાહન આપી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here