એક્સેલમાં ડેટા વેલિડેશન સ્માર્ટ વર્કિંગનું એક ખરેખર સરસ ઉદાહરણ છે. આ એક એવી સુવિધા છે જેને કારણે એક્સેલની સ્પ્રેડશીટમાં એક ચોક્કસ સેલમાં તમે ઇચ્છો તે જ પ્રકારનો ડેટા આવી શકે, બીજા કોઈ પણ પ્રકારનો નહીં!
ઉદાહરણ સાથે વાત કરીએ તો ધારો કે કોઈ સ્પ્રેડશીટમાં જુદા જુદા લોકોએ અમુક નિશ્ચિત દિવસો વચ્ચેની કોઈ તારીખ લખવાની છે. આપણે પોતે ભૂલથી અથવા એ જ સ્પ્રેડશીટ પર કામ કરનારી બીજી કોઈ વ્યક્તિ જાણતાં કે અજાણતાં એ ગાળા સિવાયની કોઈ તારીખ લખે તો એ સ્પ્રેડશીટ પર આગળ જતાં વધુ કામ કરવું મુશ્કેલ બની શકે (એક્સેલમાં માત્ર આંકડા નહીં, તારીખ આધારિત ઘણી ગણતરી પણ થઈ શકે છે, એ વિશે ફરી ક્યારેક વાત કરીશું).