ઇન્ટરનેટ પર એવું ઘણું બધું છે, જે હોય સાવ નાની સુવિધા, પણ આપણને ક્યારેક મોટી મદદ કરી જાય. આ સુવિધા હોય એટલી નાની કે લગભગ આપણી નજર બહાર જ જતી હોય, પણ જ્યારે એની જરૂર ઊભી થાય અને એ સુવિધાનો ઉપયોગ કરીએ ત્યારે મનમાં રીતસર ઝાટકો લાગે કે અરે આ વાત અત્યાર સુધી ક્યારેય ધ્યાને કેમ ન આવી?!
એક સાદું ઉદાહરણ લઈએ તો, દિવાળીના દિવસો નજીક આવે એટલે લગભગ દરેક ઘરમાં બહેનો અને રંગોળી બનાવવામાં જેમને રસ હોય એ બધા જ લોકો ઇન્ટરનેટ પર ગૂગલ ઇમેજીસમાં જુદી જુદી રંગોળીની ડિઝાઇન શોધવા લાગી જાય. એ જ રીતે સ્કૂલમાંથી છોકરાંઓને કોઈ પ્રોજેક્ટ આપવામાં આવ્યો હોય તો એની ઇમેજ શોધવાનું હોમવર્ક લગભગ મમ્મીને માથે જ આવે.
હવે ગૂગલ તો હનુમાનનો અવતાર છે! એ સંજીવની શોધવાનું કહીએ તો આખો પહાડ આપણી સામે ખડો કરી દે છે. એટલે આપણે એક-બે ઇમેજ જોઈતી હોય ત્યારે નજર સામે મૂકાયેલી ૨૦-૨૫ ઇમેજીસ ગમી જાય એવું બને. ફાઇનલ સિલેક્શન તો પછી કરવાનું હોય. ક્યારેક એવું પણ બને કે મમ્મીએ ફાઇનલ સિલેક્શન માટે પ્રોજેક્ટ આખરે જેણે પૂરો કરવાનો છે તે બાળકની મંજૂરી લેવી પડે.
એ માટે કાં તો તમારે પસંદ પડેલી દરેક ઇમેજનો સ્ક્રીન શોટ લેવો પડે, અથવા એ ઇમેજને સેવ કરી લેવી પડે.
ગૂગલ આનો જરા સહેલો રસ્તો આપે છે.