એક્વેરિયમ’, ‘મ્યુઝિયમ’, ‘પ્લેનેટોરિયમ’… આ બધા શબ્દો તો આપણે સાંભળ્યા, સમજ્યા છે અને એનાં વાસ્તવિક સ્વરૂપ જોયાં પણ છે. પણ ‘મોલેક્યુલરિયમ’?
એ વળી શું, એવો સવાલ થયો? આ અજાણ્યા શબ્દમાં એક શબ્દ થોડો જાણીતો લાગતો હશે – મોલેક્યુલ કે પછી મોલેક્યુલર. પાંચમા-છઠ્ઠા ધોરણમાં ભણતા વિદ્યાર્થીને મોલેક્યુલનો અર્થ પૂછો તો અંગ્રેજીમાં એ કહે કે ‘ગ્રૂપ ઓફ એટમ્સ’ અને ગુજરાતી માધ્યમમાં હોય તો કદાચ ‘પદાર્થની વિભાજન પ્રક્રિયાથી થતો, તેનું રાસાયણિક રૂપ ગુમાવ્યા વિનાનો નાનામાં નાનો અંશ’ એવી મહા અઘરી વ્યાખ્યા પણ ઠપકારી દે.
આપણા માટે મોલેક્યુલ એટલે પરમાણુ અને સાદામાં સાદો મોલેક્યુલ એટલે એચટુઓ – બે હાઇડ્રોજન અને એક ઓક્સિજન એટમથી બનતો મોલેક્યુલ!
આ બધું આપણે ભણી ચૂક્યા છીએ, પણ આપણે એ ભણતા ત્યારે આપણને એટલી ગતાગમ કદાચ નહોતી પડતી, જેટલી આજનાં બાળકોને પડે છે. કેમ?
‘આજની જનરેશન જ સ્માર્ટ છે’ એ તો સીધો સાદો જવાબ થયો. મૂળ સવાલ એ છે કે આજની જનરેશન સ્માર્ટ કેમ છે?
એનો જવાબ એ કે આજનાં બાળકોએ નવું નવું શીખવા માટે માત્ર શાળા અને શિક્ષકો પર આધારિત રહેવું પડતું નથી. એ જુદી જુદી ઘણી રીતે અને ઘણી બધી જગ્યાએથી, ઘણું બધું શીખે છે જો આપણે એમને એ બધા તરફ વાળીએ તો. આ લેખમાં પરમાણુની પારાયણ માંડવા પાછળનું કારણ આવી જ એક સાઇટ કે એપ છે, જેના તરફ આપણે પરિવારનાં બાળકોને વાળવાં જોઈએ.