માની લો કે તમે બે-ત્રણ પરિવાર સાથે કોઈ અજાણ્યા સ્થળે પ્રવાસમાં ગયા છો. આ શહેરમાં તમે સૌ શોપિંગ પર નીકળ્યા. જુદા જુદા પરિવાર જુદી જુદી શોપમાં વહેંચાઈ ગયા અને એકબીજાથી દૂર નીકળી ગયા. હવે લંચનો સમય થઈ ગયો છે અને તમારે ફરી ભેગા થવું છે.
દેખીતું છે કે તમે ફોન પર એકબીજાનો સંપર્ક કરી લેશો, પણ તમે સૌ પોતપોતાનું લોકેશન એકબીજાને કેવી રીતે જણાવશો?
હજી જુદી સ્થિતિ વિચારો. તમારી દીકરીને કોલેજેથી પાછા આવતા મોડું થઈ ગયું છે. તમે તેને ફોન કરવાનો પ્રયાસ કરો છો પણ લેકચર દરમ્યાન સાયલન્ટ મોડ પર રાખેલા ફોનને ફરી નોર્મલ મોડમાં લાવવાનું દીકરી ભૂલી ગઈ છે. તમને સખત ચિંતા થઈ રહી છે. દીકરી અત્યારે તેના રાબેતા મુજબના રસ્તે જ છે એવું જાણવા મળે તો તમને હાશકારો થાય તેમ છે, પણ એ જાણવું કેવી રીતે?
‘સાયબરસફર’ના અગાઉના અંકોમાં આ માટેની જુદી જુદી સુવિધાઓ આપણે જોઈ હતી, પરંતુ એ બધી થોડી અટપટી હતી.
હવે આ કામ બિલકુલ સહેલું થઈ ગયું છે અને એ પણ સીધું જ ગૂગલ મેપમાં.
આ સુવિધાનો આપણે ઉપર વર્ણવ્યા મુજબની અલગ અલગ સ્થિતિમાં અલગ અલગ રીતે ઉપયોગ કરી શકીએ છીએ.