માની લો કે તમારા દીકરા કે દીકરીએ સ્કૂલ સિવાયની કોઈ કમ્પિટિટિવ એક્ઝામમાં ભાગ લીધો છે. એની ઉંમર હજી નાની છે એટલે એના વતી એક્ઝામ માટે રજિસ્ટ્રેશન, ઓનલાઇન પેમેન્ટ વગેરે વિધિ તમે કરો છો. રજિસ્ટ્રેશન અને પેમેન્ટ થઈ ગયા પછી, તમને એક મેઇલ આવે છે કે પરીક્ષા ત્રણ મહિના પછી અમુક-તમુક તારીખે, ફલાણા સમયે અને ઢીકણા સ્થળે લેવાશે.
એક જવાબદાર પેરેન્ટ તરીકે આપણે એ વિગતો તો યાદ રાખવાની જ છે, ઉપરાંત, એ મેઇલમાં વધુ એક યાદ રાખવા જેવો મુદ્દો પણ છે કે એક્ઝામ પહેલાં, અમુક તારીખ સુધીમાં તમને એક્ઝામ એન્ટ્રન્સ માટે હોલ ટિકિટ મોકલવામાં આવશે. એ તારીખ સુધીમાં ટિકિટ ન આવે તો, ફોલોઅપ કરવાનું પણ આપણે યાદ રાખવાનું છે!
હવે વિચારો, આજની ફાસ્ટ અને હેક્ટિક લાઇફસ્ટાઇલમાં, ત્રણ મહિના પછી બનવાની આ વિગતો ભૂલાઈ જવાના પૂરા ચાન્સ ખરા કે નહીં? ખરેખર તો આપણી યાદશક્તિની પરીક્ષા, એક્ઝામ માટે રજિસ્ટ્રેશન અને પેમેન્ટ અમુક તારીખ પહેલાં કરવાની વાતથી જ શરૂ થઈ જાય!
જો આ કે તેના જેવી બીજી કોઈ પણ મહત્ત્વની વિગતો સમયસર યાદ ન આવે, તો બધો વાંક આજની સ્માર્ટ ટેક્નોલોજી પર ઢોળાય છે!
ફોન જેટલા સ્માર્ટ બનતા જાય છે એટલી જ આપણા મગજની ક્ષમતા ઓછી થતી જાય છે એવું આજે વારંવાર સાંભળવા મળે છે અને મોટા ભાગે આવું કહેનારા એ જ લોકો હોય છે, જે પોતાના સ્માર્ટફોનનો ખરેખર સ્માર્ટ ઉપયોગ કરી શકતા નથી!
આવા લોકોની કાયમી એક જ દલીલ હોય છે સ્માર્ટફોનમાં બધાના નંબર સેવ થવા લાગ્યા એટલે હવે લોકો પોતાના ઘરનો લેન્ડલાઇન નંબર (જો હજી હોય તો!) કે પતિ/પત્નીનો મોબાઇલ નંબર પણ ભૂલવા લાગ્યા છે!
વાત સાચી, પણ અમુક બાબતો ટેક્નોલોજીને હવાલે કરી દેવાથી, આપણા મગજની ક્ષમતા ઓછી થતી નથી (એ તો આપણું બહાનું છે!), પણ આપણા મગજને બીજી વધુ મહત્ત્વની બાબતો તરફ પૂરતું ધ્યાન આપવાની તક મળે છે.
એટલે ઉપર લખ્યા જેવી કોઈ સ્થિતિ તમારી સાથે ઊભી થાય અને જો તમે જીમેઇલ જેવી કોઈ પણ એડવાન્સ્ડ પદ્ધતિનો ઉપયોગ કરતા હો તો તમે ટેક્નોલોજીનો સ્માર્ટ ઉપયોગ કરી શકો છો.