ગયા મહિને આખી દુનિયામાં બહુ ગાજેલો શબ્દ ‘રેન્સમવેર’ હવે તો તમે કદાચ ફરી ભૂલવા પણ લાગ્યા હશો જો તમે પોતે એનો ભોગ બન્યા નહીં હો તો! આ આપણી કાયમી ફિતરત છે, જેની અસર આપણા સુધી પહોંચતી ન હોય એ બાબતને, આજના સમયનાં ફેસબુક, ટવીટર કે વોટ્સએપ જેવાં સાધનોથી આમતેમ ઉછાળીને પછી ભૂલી જવી.
પરંતુ આ રેન્સમવેર એમ સહેલાઈથી ભૂલી જવા જેવી બાબત નથી. જે લોકો અત્યારે તેનો ભોગ બન્યા હશે એ સૌ પણ મોટા ભાગે રેન્સમવેર જેવી બાબતને ગંભીરતાથી ન લેવાનાં જ પરિણામો ભોગવી રહ્યા હશે, કારણ કે રેન્સમવેર કોઈ નવી બાબત નથી. થોડા સમય પહેલાં આપણા ઘર આંગણે સુરતમાં સંખ્યાબંધ બિઝનેસમેન અને તેમના એકાઉન્ટ્સ સંભાળતા એકાઉન્ટન્ટ્સનાં કમ્પ્યુટર પણ રેન્સમવેરનો ભોગ બન્યાં હતાં અને ગયા મહિને તો આખી દુનિયા આ ‘નવા પ્રકારના લાગતા વાઇરસ’થી ઉપરતળે થઈ ગઈ.
આપણા દેશમાં ઉત્તર પ્રદેશ કે બિહાર જેવાં રાજ્યોમાં ખમતીધર લોકો કે તેમના પરિવારજનોનું અપહરણ કરીને મોટી ફિરૌતી વસૂલ કરવી એ મોટો ધંધો બની ગયો છે, તેનું આધુનિક, ડિજિટલ સ્વરૂપ આ રેન્સમવેર છે.