હજી તો ‘બાહુબલી’ ફિલ્મના પહેલા ભાગના યુદ્ધનાં દ્રશ્યો આપણા મગજમાંથી ભૂંસાયાં નહોતાં ત્યાં નવી રણનીતિઓ સાથેના નવા ઘમાસાણવાળો બીજો ભાગ આવી ગયો! કંઈક આવું જ અત્યારે ઇન્ટરનેટના ડેટા કનેકશન ક્ષેત્રે પણ ચાલી રહ્યું છે.
આપણને લાગતું હતું કે ટેલિકોમ કંપનીઓ આપણને સ્માર્ટફોનમાં વધુ ને વધુ ડેટાના ઉપયોગની લત લગાડવા માટે જંગે ચઢી છે પણ આ ક્ષેત્રની બાહુબલી કંપનીઓએ અત્યારથી જ બીજા મોટા જંગની શરૂઆત કરી દીધી છે.
હજી હમણાં જ સમાચાર આવ્યા છે કે એક અભ્યાસ મુજબ ભારતમાં અને આખી દુનિયામાં સ્માર્ટફોન અને કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ ડેટા વધુ સરળ, વધુ ઝડપી અને વધુ સસ્તો બન્યો હોવાથી ટીવીના દર્શકોની સંખ્યા ઘટવા લાગી છે. બીજી તરફ ડેટા કંપનીઓને આપણે ફક્ત સ્માર્ટફોનમાં વીડિયો જોઈ જોઈને તેમને કમાણી કરાવીએ એટલાથી સંતોષ નથી. એટલે આ કંપનીઓ હવે આપણને ટીવીના પડદે ઇન્ટરનેટની ટેવ પાડવા મથે છે.