ધારો કે તમે હાથમાં થેલી લઈને બજારમાં રોજિંદી ખરીદી કરવા નીકળ્યા છો. તમે શાકભાજીની લારીએ ઊભા રહ્યા. ટામેટાં, બટેટાં, કારેલાં વગેરેના ભાવ પૂછ્યા, પણ પછી ફક્ત કારેલાં અને દૂધી ખરીદી. પછી કરિયાણાવાળાને ત્યાં ગયા. ત્યાં તમે જુદી જુદી દાળ લીધી પણ ખાંડ અને ચોખા ન ખરીદ્યા. પાછા વળતાં તમે તમારા જૂના મિત્ર, જે નસીબજોગે જાણીતા ડાયાબિટોજિસ્ટ પણ છે, એમના ક્લિનિકે જરા વાર તેમને મળી લેવા રોકાયા.
ઘરે પહોંચ્યા પછી તમે તમારા જીવનવીમા એજન્ટને ફોન કરીને, નવી ટર્મ પોલિસી લેવાનો વિચાર જણાવ્યો. એજન્ટે હા તો પાડી, પણ કહ્યું કે તમારે મેડિકલ ટેસ્ટ કરાવવો પડશે, ડાયાબિટીસ માટે અને જો એ રોગ હશે તો વધુ પ્રીમિયમ ચૂકવવું પડશે.
તમે બિલકુલ સ્વસ્થ છો, તમને ડાયાબિટીસ પણ નથી, છતાં પેલા એજન્ટને એવી શંકા કેમ ગઈ?
કેમ કે જ્યારે તમે બજારમાં ફરી રહ્યા હતા ત્યારે બીજા ૫૦-૧૦૦ માણસોનું ધાડું તમારી આગળ-પાછળ ફરી રહ્યું હતું. એ સૌ તમારી દરેક હીલચાલ પર બારીક નજર રાખી રહ્યા હતા અને દરેક મુદ્દો પોતાની નોટબુકમાં ટપકાવી રહ્યા હતા! તમે બટેટાં ન લીધાં અને કારેલાં લીધાં, દાળ લીધી પણ ખાંડ ન લીધી, ડાયાબિટિસના ડોક્ટરને મળવા ગયા… આમાંનું કશું એમની નજરમાંથી છટક્યું નહોતું અને એ બધી જ માહિતી એમણે પેલા એજન્ટની વીમા કંપની સહિત બીજી કેટલીય કંપનીને પહોંચાડી દીધી હતી, અથવા કહો કે વેચીને રોકડી કરી લીધી હતી!