આપણા વિશેના તમામ ડેટાને પરસ્પર સાંકળી શકે એવી કોઈ સિસ્ટમ હોય તો?
અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો શહેરમાં સેન્ટ્રલ ઓપરેટિંગ સિસ્ટમ નામે એક સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી છે. જેમ કમ્પ્યુટર કે સ્માર્ટફોનમાંની ઓપરેટિંગ સિસ્ટમ આપણા વિશે ઘણું બધું જાણે છે, તેમ આ તો આખા શહેરની ઓપરેટિંગ સિસ્ટમ છે, એ શહેરના દરેક નાગરિકના જીવનને સ્પર્શતી અસંખ્ય વાતો જાણી શકે છે અને આ દરેક માહિતીને એકમેક સાથે સાંકળીને, છેડા મેળવે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી લેટેસ્ટ ટેક્નોલોજીથી આ સિસ્ટમ વધુ ને વધુ સ્માર્ટ બનતી જાય છે.
પણ આખરે તો આ સિસ્ટમ પણ એક પ્રકારનું મશીન છે. તેમાં કંઈ ખરાબી સર્જાય છે, સિસ્ટમ તેની ગણતરીઓમાં ભૂલ કરે છે અને માર્કસ હોલોવે નામની એક વ્યક્તિને, તેણે જે ગુનો કર્યો નથી તેનો આરોપી બનાવી દે છે.
વાતમાં હવે ટવીસ્ટ આવે છે, આ માર્ક્સ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. એ એક પ્રોફેશનલ હેકર છે, એટલે તે વિવિધ પ્રકારની કમ્પ્યુટર સિસ્ટમમાં ઘૂસી શકે છે. તે પોતાને ગુનેગાર ઠરાવતી, શહેરની સેન્ટ્રલ ઓપરેટિંગ સિસ્ટમ સામે મેદાને પડે છે…