ઇન્ટરનેટ પર શરુ થઈ રહ્યો છે એક નવો યુગ!
‘એસએમએસ પરેશ ટુ સે આઇ વીલ બી ધેર ફોર મીટિંગ એટ ટેન, “કોલ હોમ, “શો માય ફોટોઝ ફ્રોમ સિંગપોર ટ્રીપ, “ઇઝ માય ફ્લાઇટ ઓન ટાઇમ?, “વ્હેર ઇઝ માય હોટેલ?, “હુ ઈ ઓલ્ડર, ઓબામા ઓર હીઝ વાઇફ?, “પ્લીઝ બુક એ ટેબલ ફોર ટુ એટ ક્વિકબાઇટ રેસ્ટોરન્ટ…
કિન્ડર ગાર્ડનનાં બાળકોની પેલી ફેવરિટ ગેમ ‘ફાઇન્ડ ધ ઓડ વન આઉટ’ની જેમ, ઉપલાં બધાં વાક્યોમાંથી કયું વાક્ય અલગ તરી આવે છે? જરા ધ્યાનથી વાંચો!
પહેલી નજરે તો, કોઈ બોસ પોતાની સેક્રેટરીને અલગ અલગ સૂચનાઓ આપતા હોય એવું લાગે, પણ એમાં ઓબામા અને એમનાં પત્નીમાં મોટું કોણ છે એવો સવાલ કંઈ બંધબેસતો લાગતો નથી. આવો સવાલ સેક્રેટરીને કદાચ પૂછી તો શકાય પણ એ એની બધી એફિશિયન્સી કામે લગાડે તોય આ ગૂગલી સવાલનો સાચો જવાબ કદાચ આપી ન શકે.
વાસ્તવમાં, આ વાક્ય પણ આજના જમાનામાં ‘ઓડ વન’ – બંસબેસતું ન હોય એવું વાક્ય નથી. ઓફિસના કામકાજને લગતી જુદી જુદી સૂચનાની સાથે આ અને આવા બીજા અનેક સવાલો લોકો હવે પોતાના પર્સનલ આસિસ્ટન્ટને પૂછે છે અને તેના તેમને પરફેક્ટ જવાબ પણ મળે છે – ત્યાં સુધી કે બોસ ઓફિસેથી પરત ફરતા હોય ત્યારે પર્સનલ આસિસ્ટન્ટને પૂછી શકે છે કે ઘરે પહોંચતાં કેટલી વાર લાગશે અને કયા રસ્તે ટ્રાફિક જામ નડશે નહીં?
આ વાતનો જવાબ પણ પર્સનલ આસિસ્ટન્ટ આપશે કેમ કે આજના જમાનામાં ધીમે ધીમે સેક્રેટરીનું સ્થાન વર્ચ્યુઅલ પર્સનલ આસિટન્ટ લઈ રહ્યા છે! વિવિધ કંપનીઓ આપણી રોજબરોજની કેટકેટલીય જરૂરિયાતો માત્ર કહેવાથી સમજી જાય એવા સ્માર્ટ વર્ચ્યુઅલ પર્સનલ આસિટન્ટ ડેવલપ કરી રહી છે.