ફોટોને પેન્સિલ ચિત્રમાં કેવી રીતે ફેરવી શકાય?

આખા પરિવારને મજા પડે એવી ફોટોશોપની એક મજાની કરામત, શીખો સહેલાઈથી

તમે આબુ જાવ, નૈનિતાલ જાવ કે સિંગાપોર જાવ દરેક ટુરિસ્ટ ડેસ્ટિનેશનમાં એકાદ શોપ તો એવી મળે જ જ્યાં તમારો ફોટોગ્રાફ લઈને તેને ઇન્સ્ટન્ટ પેન્સિલ સ્કેચમાં ફેરવીને પ્રિન્ટ કાઢી આપવામાં આવે. આ કામ તમે પોતે પણ કરી શકો છો – સહેલાઈથી!

જો તમારા કમ્પ્યુટરમાં ફોટોશોપ પ્રોગ્રામ હોય તો તેને ઓપન કરો, તમારા કોઈ મનપસંદ ફોટોગ્રાફની કોપી ઓપન કરો અને અહીં આપેલાં જુદાં જુદાં પગલાંને કાળજીપૂર્વક અનુસરીને તમારા ફોટોગ્રાફને પેન્સિલ સ્કેચમાં ફેરવો. લેખના અંતે, આ બધાં પગલાંને એક્શન તરીકે રેકોર્ડ કરી, નવા ફોટોગ્રાફને એક ક્લિકથી સ્કેચમાં ફેરવવાની રીત પણ સમજાવી છે રાજેશ ભોંકિયાએ.

અમદાવાદ સ્થિત રાજેશભાઈ એમએસ ઓફિસ, એમએસ પ્રોજેક્ટ, એડોબ ડિઝાઇન પેકેજ અને ટેલી સોફ્ટવેરના પ્રોફેશનલ ટ્રેઇનર છે. તેઓ વેબ ડેવલપર એ મલ્ટીમીડિયા ટ્રેઇનર તરીકે પણ સક્રિય છે.

ફોટોશોપનો થોડો અનુભવ માગી લેતા આ લેખમાં તમને ક્યાંય પણ ગૂંચવણ થાય તો જરૂર ‘સાયબરસફર’ કે રાજેશભાઈનો સંપર્ક કરી શકો છો. – સંપાદક

કોઈ પણ ચહેરાનો ફોટો લો. ૨ મેગા પિક્સેલથી માંડીને જેટલો મોટો હોય તેટલો વધુ સારો. અહીં આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ઈમેજને ઉદાહરણ તરીકે લઈશું. ફોટોશોપમાં સહુથી મહત્ત્વનો ભાગ લેયર છે માટે Window મેનુમાં જઈને તેને ચાલુ કરી દેવો.

લેયર પર માઉસ લઈ જઈ રાઇટ ક્લિક કરવાથી લેયર ડુપ્લિકેટ કરવાનો ઓપ્શન મળશે. તેનાથી ડુપ્લિકેટ લેયર બનાવો. આ વખતે લેયરનું નામ ૧ આપો, આમ ત્રણ વખત ડુપ્લિકેટ કરી ત્રણ લેયર બનાવો – ૧, ૨, ૩ લેયર. ડુપ્લિકેટ કરવા માટે લેયર નામના મેનુમાં જઈ લેયર ડુપ્લિકેટ ઓપ્શન પણ વાપરી શકાય. હવે આપણી પાસે કુલ ચાર લેયર હશે. એક મૂળ અને આપણે બનાવેલ ત્રણ, કુલ ચાર લેયર હોવા જોઈશે.

હવે Image મેનુમાં જઈ Image Adjustment Desaturate આપો. આવું દરેક લેયરમાં કરો. આવું ફક્ત ઉપરના ત્રણ લેયરમાં જ કરવાનું છે. યાદ રાખો કે મૂળ લેયરમાં કશું જ કરવાનું નથી.

હવે ફક્ત ટોપના લેયરમાં ક્લિક કરીને નીચે મુજબ ફિલ્ટર વાપરો Filter>Stylize>Find Edges

પછી તે જ લેયરના Blend Modeમાંથી Normal સેટ કરો. હવે પછીના અંકોમાં Color Burn ના જાદુ અંગે વધુ વિગતવાર માહિતી રજૂ કરીશું.

હવે ઉપરથી બીજા લેયરમાં આવીને Image Adjustment Invert Menu  ક્લિક કરો.

પછી તે જ લેયરના Blend Mode Normalમાં થી Colour Burn  સેટ કરો…

“અરે! આ શું થયું સ્ક્રીન કોરો ધાકોર થઈ ગયો! ફોટો ક્યાંક ગાયબ થઈ ગયો… ચિંતા ના કરો. આ નોર્મલ સ્થિતિ જ છે. તમે જવાબની બિલકુલ નજીક પહોંચી રહ્યા છો. હજુ પણ એ જ લેયરમાં ઊભા રહી નીચે મુજબનું ફિલ્ટર વાપરો Filter>Blur>Gaussian Blurમાં Radius = ૧૦ આપો અહીં બધા જ ઓપ્શનમાં પ્રયોગોની ઘણી ગુંજાઈશ છે, ઈમેજ પ્રમાણે ૮, ૧૦, ૧૨ લઈ શકાય. “હાશ, હવે કાંઈક દેખાયું ખરું! હજુ થોડીક ધીરજ રાખો – પિક્ચર અભી બાકી હૈ!

હવે ફરી ટોપના લેયર નંબર ૧માં ઊભા રહી રાઈટ ક્લિક કરી Merge Down ઓપ્શન સિલેકટ કરો (short cut = Ctrl key+ E) જેનાથી ઉપરનાં લેયર ૩+૨ એક થઈ જશે. ફરી આ સ્ટેપ રીપીટ કરી ૨ અને ૧ને Merge કરો. હવે આપની પાસે કુલ બે જ લેયર હશે, એક મૂળ અને બીજું તેની ઉપરનું જે આપણે ત્રણ લેયરનું મિશ્રણ કરેલ છે તે. આપ કહેશો કે ૧ નંબરના લેયરનું કઈ કામ જ ના થયું… હા, ૧ નંબરના લેયરનો એક રોલ પ્રક્રિયાના ભાગ રૂપે હતો, તો આગળ જઈએ! હવે અંતિમ સ્ટેપ, જાદુ માટે તૈયાર!

હવે Filter > Brush Stroke > Angle Stroke (અથવા નવા વર્ઝનમાં Filter > Filter Gallery > Brush Stroke > Angle Stroke) નીચે મુજબનાં સેટિંગ કરો.

હજુ એક ક્રિયેટીવીટીની ગુંજાઈશ છે અને જે ઓપ્શનલ છે – તમે ટ્રાયલ કરજો જ.

લેયર નંબર 1માં જ ઊભા રહીને Fill ને 60 ટકા કરો જુઓ, કલર પેન્સિલ ચિત્ર તૈયાર થયું? ચાલો હવે તેને ડિજિટલ પ્રિન્ટિંગ શોપમાં લઈ જઈ કલર ઝેરોક્ષની મદદથી કેન્વાસ કે Texture paper  પર પ્રિન્ટ કરી જુઓ.

આ બધાં પગલાં એક્શન તરીકે રેકોર્ડ કરી, ફટાફટ બીજા ફોટોઝમાંથી પેન્સિલ સ્કેચ બનાવો!

હવે તમને થશે કે આટલાં બધાં સ્ટેપ દરેક ફોટોગ્રાફ માટે કાયમ કરવાં જ પડે? જવાબ છે ના!

ફોટોશોપમાં ચોક્કસ શ્રેણીબદ્ધ પગલાંને રેકોર્ડ કરી, એક ક્લિકથી બધાં ફટાફટ આટોપી લેવાની વ્યવસ્થા છે, તેનું નામ છે એક્શન.

તમે એક વાર ઉપર આપેલાં પગલાં બરાબર જાણી લો, પછી નવો ફોટોગ્રાફ લઈ, તેને માટે ઉપરનાં બધાં પગલાં રેકોર્ડ થઈ શકે એ રીતે તે ફોટોગ્રાફમાંથી પેન્સિલ સ્કેચ બનાવી લો. તે પછી ફક્ત ફોટોગ્રાફ બદલી, એક્શન રિપ્લે કરશો એટલે બધું જ કામ આ ગજબનો પ્રોગ્રામ જાતે જ કરી લેશે!
આપણે આ રીતે એક્શન રેકોર્ડ કરવાની પદ્ધતિ સમજીએ.

  • સ્ટેપ-૧. કોઈ ફોટો લો. સ્ટેપ-૨. Window મેનુમાં જઈ Actions પર ક્લિક કરો. ફોલ્ડરના Icon પર જમણી બાજુ નીચે ક્લિક કરી નવા Action Setનું નામ આપો દા.ત. CyberSafar
  • હજુ ત્યાં જ એ જ Folder પર ઊભા રહી જમણી બાજુ નીચે Create New Action બટન પર ક્લિક કરો. તે તમારા Cyber Safarના Folderમાં બનેલ એક માત્ર action હશે. તેને નામ આપો PencilDraw1
  • તેની સામે Record બટન પર ક્લિક કરો
  • અહીં આ બટન લાલ થઈ જશે… યાદ રાખો રેકોર્ડનું બટન ચાલુ થયા પછી બીજી કોઈ ફાઈલ ખોલબંધ ના કરો. હવે લેખની શ‚આતમાં આપેલાં, પેન્સિલ ચિત્ર બનાવવવાનાં ૧થી ૭ સ્ટેપ્સ ધીમે ધીમે ધીરજપૂર્વક કરો. બધું બરાબર થઈ રહે એટલે ફરી  Windowમેનુમાં જઈ Action પર ક્લિક કરી નીચેના Stop બટનને click કરો. આપણી Action રેકોર્ડ થઈ ગઈ છે, હવે તે સેવ કેવી રીતે થશે તે જોઈએ.
  • આ માટે Window મેનુમાં જઈ Action પર ક્લિક કરો Cybersafar નામના ફોલ્ડર પર માઉસનું કર્સર રાખી, એકઝેટ જમણી બાજુ ઉપરની તરફના ખૂણામાં ક્લિક કરો. તેમાંથી ઓપ્શન Save Action સિલેકટ કરો. આ ફાઇલ CyberSafar.atnના નામે સેવ થશે.
  • એક્શન કેવી રીતે વાપરશો? કોઈ પણ ફોટો લો. Window Actions Cybersafar માં જઈ PencilDraw1 પર ક્લિક કરી ડાબી બાજુ નીચેનું પહેલું બટન દબાવવાથી Action play થશે. અગાઉ રેકોર્ડ કરેલ સ્ટેપ્સ પલકવારમાં રીપીટ થઈને પેન્સિલ ચિત્ર તૈયાર!

ફોટોશોપ પ્રોગ્રામ પાર વગરની સુવિધાઓ ધરાવતો પ્રોગ્રામ છે. અત્યારે આપણે તેમાં માંડ એક ડગલું માંડ્યું છે. ફોટોશોપ પ્રોગ્રામ ઘણી બધી એસેસરીઝથી બનેલો પ્રોગ્રામ છે. જેમાંની પહેલી એસેસરી action.atn આપણે સમજ્યા. આગળ જતાં આપણે Brushes (.abr files) Styles (.asi files) Patterns (.pat files) Gradeints (.grd files files) Shapes (.CSH files) Swatches (.aco files) વગેરે વિશે પણ જાણઈશું. તમને ફોટોશોપનો બિલકુલ અનુભવ ન હોય તો આ બધું અટપટું લાગશે, પણ થોડો પરિચય કેળવાશે પછી રીતસર મજા પડશે. પ્રતિભાવો જરૂરથી લખશો.

ક્લિક કરો, અંક જુઓ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here