તમારી ગૂગલ એકાઉન્ટ તમારી જ માલિકીનો છે, એવું સાબિત કરવાનો સમય આવે તો? જાણો કેટલાંક અગમચેતીનાં પગલાં.
તમારા માટે તમારો ગૂગલ એકાઉન્ટ કેટલો મહત્ત્વનો છે? તમારા જીમેઇલને એક વાર ઓપન કરો, શાંતિથી તેમાં રહેલા તમારા બધા ઈ-મેઇલ પર એક નજર ફેરવો અને તમને આ સવાલનો જવાબ મળી જશે. હજી તો આપણે ફક્ત જીમેઇલનું ખાતું જોયું છે, બીજી ગૂગલ એપ્સમાં બીજી કેટલીય મહત્ત્વની માહિતી ધરબાયેલી પડી હશે. હવે બે ઘડી માટે ધારી લો કે તમે તમારા ગૂગલ એકાઉન્ટનો પાસવર્ડ ભૂલી ગયા, તો? અથવા કોઈએ તમારું એકાઉન્ટ હેક કર્યું પાસવર્ડ બદલી નાખ્યો અને હવે ગૂગલની અદાલતમાં સાબિત કરવાનું છે કે તમારા એકાઉન્ટના તમે જ માલિક છો, પેલો હેકર નહીં, તો એ કેવી રીતે કરશો?