હજી દસ વર્ષ પહેલાં જે માત્ર કાગળ કે કાપડ પર જોવા મળતા હતા એ નકશાએ આજે આપણા ડેસ્કટોપ કે મોબાઇલ ડિવાઇસમાં બિલકુલ નવો ડિજિટલ અવતાર મેળવ્યો છે અને હવે એ એકદમ ઝડપથી આપણી દુનિયા બદલી રહ્યા છે.
આગળ શું વાંચશો?
- ગૂગલ મેપ્સ વિશે જાણવા જેવું
- કઈ રીતે વિકસ્યા ગૂગલ મેપ્સ
માની લો કે ‘ખુશ્બુ ગુજરાત કી’ આખી દુનિયામાં પ્રસરી છે અને અમિતાભ બચ્ચનના ‘કુછ દિન તો ગુજારીએ ગુજરાત મેં’ એવા આમંત્રણને માન આપીને એક યુરોપિયન કપલ ગુજરાતના પ્રવાસે આવ્યું છે અને અત્યારે અમદાવાદમાં સીદી સૈયદની જાળીની કોતરણી જોઈને અભિભૂત થઈ ગયું છે. હવે એમને જવું છે કાંકરિયા. ગુજરાતી કે હિન્દીનો તો સવાલ જ નથી, અંગ્રેજી પણ ભાંગ્યુંતૂટ્યું બોલી શકતું આ કપલ શું કરશે?
બે રસ્તા છે. આ કપલ કોઈને પૂછવાની પળોજણમાં પડ્યા વિના, લાલ-દરવાજેથી કાંકરિયા જતી લાલ સિટી બસના નંબર અને ટાઇમિંગ જાણશે, સીદી સૈયદની જાળીથી લાલ દરવાજા ટર્મિનસનો રસ્તો જાણશે, પોતાની રીતે બસ સ્ટેન્ડ સુધી પહોંચશે, બસમાં ચઢશે, વચ્ચે કયાં કયાં સ્ટોપ આવશે તે જાણશે અને ‘કાંકરિયાનું સ્ટોપ આવે તો અમને કહેજો’ એવી કોઈને ભલામણ કર્યા વિના જ્યારે કાંકરિયા આવી જશે ત્યારે બસમાંથી ઊતરી જશે અને ત્યારે એમને એ પણ ખબર હશે કે હવે તેમની ડાબી તરફ કાંકરિયાનો મેઇન ગેટ છે!
બીજો રસ્તો, રીક્ષા પકડવાનો છે. અમદાવાદી રીક્ષા ડ્રાઇવર તેમને લાંબું ચક્કર કાપીને કાંકરિયા લઈ જવાની પેરવી કરશે તો આ કપલ તેને ટપારશે અને ‘નાઉ લેફ્ટ’ કે ‘નાઉ રાઇટ’ વગેરે કહીને આસ્ટોડિયા દરવાજા, ગીતામંદિરના રસ્તે મણીનગર જવાનો ટૂંકો રસ્તો રીક્ષા ડ્રાઇવરને કહેશે. એટલું જ નહીં, આસ્ટોડિયા પાસે અત્યારે ટ્રાફિક જામ હોવાનું કહી, બીજો શોર્ટકટ બતાવીને રીક્ષા ડ્રાઈવરને રીતસર ચક્કર લાવી દેશે!
હવે સીન-ટુ. તમે પહેલી જ વાર આવતા વેકેશનમાં પરિવાર સાથે જોધપુરના પ્રવાસે જવાના છો. આ બ્લુ સિટીની બજારમાં પ્રસિદ્ધ લહેરિયાં સાડીઓ ફંફોસવાનું પ્લાનિંગ થઈ ગયું છે અને સ્માર્ટલી તમે જાણી લીધું છે કે તમારી પહેલાં જોધપુરના પ્રવાસે ગયેલા તમારા મિત્ર પરિવારે કઈ સાડીની દુકાનને વખાણી હતી અને એ દુકાન સુધી તમે કેવી રીતે પહોંચી શકશો. આજુબાજુમાં તમારી બેન્કનું એટીએમ ક્યાં હશે એ પણ તમે જાણી લીધું છે. એટલું જ નહીં, બજારમાં પ્રવેશીને એ ચોક્કસ દુકાન તરફ જતાં રસ્તામાં ડાબી તરફની એક દુકાનમાં માટીની કૂલડીમાં કુદરતી મીઠાશવાળી લસ્સી મળે છે, એ વળી તમે બીજા કોઈ ગુજરાતી મિત્ર પાસેથી જાણી લીધું છે, જે અત્યારે સિડનીમાં બેઠા છે અને જેમને તમારા ટુર પ્લાનિંગની કોઈ ખબર જ નથી.
સીન-થ્રી. તમે બિઝનેસ ટુર પર ચાઇના જઈ રહ્યા છો, તમે હોંગકોંગમાં સ્ટોપ લઈને થોડું કામ પતાવ્યું અને હવે હોંગકોંગના ગામ જેવડા એરપોર્ટમાં ઘૂસીને શાંઘાઈ જતી ફ્લાઇટ પકડવાની છે. તમે એક છેડે ઇમીગ્રેશનની વિધિ પતાવીને બીજા છેડાના બોર્ડિંગ ગેટ સુધી પહોંચવા માટે, એરપોર્ટની અંદર ચાલતી ટ્રેન જેવી, ડ્રાઇવર-લેસ ઓટોમેટેડ પીપલ મૂવર સિસ્ટમમાં ચઢો છો. એરપોર્ટ સખ્ખત મોટું છે, પ્લેન સુધી પહોંચવા પાર વગરના બોર્ડિંગ ગેટ્સ છે, તમે અજાણ્યા છો, છતાં તમને એ વાતનું ટેન્શન નથી કે તમારી ફ્લાઇટ માટેના ગેટ સુધી કેવી રીતે, ઝડપથી પહોંચશો!
ઉપરની બધી જ કાલ્પનિક સ્થિતિઓમાં એક સમાનતા છે – મેપ્સનો સ્માર્ટ ઉપયોગ, સ્માર્ટફોન કે ટેબલેટમાં કે ડેસ્કટોપ-લેપટોપ પર. માંડ દસેક વર્ષ પહેલાં, નકશા એટલે કાગળ કે કાપડ પરનું ચિતરામણ એવી સાદી વ્યાખ્યા હતી. હવે નકશાની આખી દુનિયા જ બદલાઈ ગઈ છે!