બ્લુ-રે ડિસ્ક (બીડી) શું છે?

જાણીતા બુક અને મ્યુઝિક સ્ટોર્સમાં હવે જોવા મળવા લાગેલી બ્લુ-રે ડિસ્કે ઘણા બધાનું ધ્યાન ખેંચ્યું છે. ઘણી બધી ફિલ્મ હવે બ્લુ-રે ડિસ્કમાં ઉપલબ્ધ થવા લાગી છે.

સીડી અને ડીવીડી જેવી જ આ નવી બીડી સંગ્રહક્ષમતાની રીતે તેની બંને જોડીદાર કરતાં ઘણી વધુ દમદાર છે. ઓપ્ટિકલ ડિસ્કમાં અલગ અલગ લેયરમાં સ્ટોરેજ શક્ય હોય છે. સિંગલ લેયરની ડીવીડીમાં ૪.૭ જીબી અને ડ્યુઅલ લેયરમાં ૮.૫ જીબી સંગ્રહની ક્ષમતા હોય છે. બ્લુ-રેને તેની સાથે સરખાવીએ તો સિંગલ લેયર બીડીમાં ૨૫ જીબી, ટ્રીપલ લેયરમાં ૧૦૦ જીબી અને ક્વાડ્રુપલ લેયરમાં ૧૨૮ જીબી ડેટા સમાઈ શકે છે. ૫૦ જીબીની ડિસ્કમાં નવ કલાક જેટલી લંબાઈનો હાઇડેફિનિશન (એચડી) વીડિયો અને ૨૩ કલાક જેટલી લંબાઈનો સ્ટાન્ડર્ડ ડેફિનિશન (એસડી) વીડિયો રેકોર્ડ કરી શકાય છે!

બીડીને રીડ કરવા માટે બ્લુ લેસરનો ઉપયોગ થાય છે, તેથી તેનું નામ પડ્યું બ્લુ-રે ડિસ્ક. ડીવીડીમાંના ડેટાને રીડ કરવા માટે લાંબી વેવલેન્થવાળા રેડ લેસરનો ઉપયોગ થતો હોય છે. બ્લુ લેસર ડિસ્ક પર વધુ ચોક્સાઇથી ફોકસ કરી શકાય છે અને આ કારણે બીડીમાં ડિસ્કમાં ગીચોગીચ વધુ ડેટા સ્ટોરેજ થઈ શકે છે.

સૌથી પહેલાં તો એ સમજીએ કે ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગને આ નવા પ્રકારની બીડીની તલપ કેમ લાગી?

મુખ્ય કારણ બે છે :

  1. ઘણી વધુ સંગ્રહ ક્ષમતા
  2. વીડિયો રેકોર્ડિંગની વધુ ને વધુ સુધરતી જતી ગુણવત્તા

વાસ્તવમાં આ બંને એકમેક સાથે સંકળાયેલાં કારણો છે. તમે એચડીટીવી પર હાઇડ ડેફિનિશન વીડિયો જોયો હશે તો તેની શાર્પ પિક્ચર ક્વોલિટીથી ચોક્કસ અંજાયા હશો. એસડીમાં રેકોર્ડ કરાયેલા વીડિયો કરતાં એચડીમાં લગભગ પાંચ ગણું વધુ ડિટેઇલિંગ હોય છે. આજની ડીવીડી માત્ર એસડી વીડિયોનો સંગ્રહ કરી શકે છે અને એચડીનો સંગ્રહ કરવા માટે જેટલી ક્ષમતા જોઈએ એટલી તેનામાં નથી. આથી ડીવીડી કરતાં ક્યાંય વધુ ચઢિયાતી હોય તેવી ઓપ્ટિકલ ડિસ્કની જરુર ઊભી થઈ.

આથી એપલ, ડેલ, હિતાચી, એચપી, જેવીસી,એલજી, મિત્સુબિશી, પાનાસોનિક, પાયોનીયર, ફિલિપ્સ, સેમસંગ, શાર્પ, સોની, ટીડીકે અને થોમ્સન જેવી વિશ્ર્વની જાણીતી કન્ઝયુમર ઇલેક્ટ્રોનિક્સ, પર્સનલ કમ્પ્યુટર અને મીડિયા બનાવતી કંપનીઓએ સાથે મળીને એક એસોસિએશન બનાવ્યું – બ્લુ-રે ડિસ્ક એસોસિએશન (બીડીએ), જેણે બ્લુ-રે ડિસ્ક ફોર્મેટ વિક્સાવ્યું. બ્લુ-રે સામાન્ય રીતે હાઇ-ડેફિનેશન વીડિયોમાં ફૂલ લેન્થ ફીચર ફિલ્મના રેકોર્ડિંગ, રીરાઇટિંગ અને પ્લેબેક માટે વિક્સાવવામાં આવી છે.

બીડીમાં એચડી વીડિયો ઉપરાંત એચડી વીડિયો અને લોસલેસ ઓડિયો પણ સ્ટોર કરી શકાય છે. હાલમાં વિશ્વની ૨૦૦ જેટલી આગળ પડતી ફિલ્મ, વીડિયો ગેમ અને મ્યુઝિક કંપનીઓએ ડીવીડીના અનુગામી તરીકે બીડી અપનાવી લીધી છે.

બીડીમાંનો ડેટા – ધારો કે મૂવી – પ્લે કરવા માટે અલગ પ્રકારના પ્લેયરની જ‚રુર પડે છે. સેમસંગ, પાનાસોનિક, સોની, ફિલિપ્સ અને પાયોનીયર કંપનીનાં પ્લેયર મળવા લાગ્યાં છે. અલબત્ત, તમે ડીવીડીમાં મૂવીઝનું મોટું કલેક્શન તૈયાર કર્યું હોય ચિંતા કરવાની જરુર નથી, ફ્લોપી ડિસ્કની જેમ ટૂંક સમયમાં ડીવીડી ખોવાઈ જવાની શક્યતા નથી કેમ કે મોટા ભાગની કંપનીઓ બીડી ઉપરાંત સીડી-ડીવીડી પણ ચલાવી શકાય એવાં પ્લેયર વિક્સાવી રહી છે.

બીડી એસોસિએશનમાં એચપી અને ડેલ જેવી કંપની પણ હોવાથી પીસી માટે પણ બીડી-રોમ(રીડ-ઓન્લી), બીડી-આર (રેકોર્ડેબલ) અને બીડી-આરઈ (રીરાઇટેબલ) ડ્રાઇવ તૈયાર કરવાનું પ્લાનિંગ છે જ!

August-2013

ક્લિક કરો, અંક જુઓ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here