માઇક્રોસોફ્ટ એક્સેલ પ્રોગ્રામ માત્ર બિઝનેસમાં જ કામ લાગે એવું નથી. ઘરમાં ગૃહિણીઓને રોજિંદો આવક-જાવકનો હિસાબ રાખવામાં પણ આ પ્રોગ્રામ ખૂબ કામ લાગી શકે છે. જો અત્યાર સુધી તમે સાદી નોટ કે ડાયરીમાં ઘરના હિસાબો લખતા હો કે નાના વેપારી તરીકે ચોપડામાં રોજના હિસાબો લખતા હો તો અહીં આપેલી તદ્દન સરળ રીતથી તમારો રોજમેળ એક્સેલમાં બનાવી, તેને નિયમિત જાળવી શકો છો. એક્સેલનો ઉપયોગ કરવાનો ફાયદો એ થશે કે તમારે કોઈ સરવાળા-બાદબાકી જાતે કરવાં નહીં પડે, ભૂલો નહીં થાય અને ખાસ તો આવક-જાવકનું વિશ્લેષણ કરવું હોય, મહિના દરમિયાન ક્યાં વધુ ખર્ચ થયો એ જાણવું હોય તો આંકના પલકારામાં જાણી શકશો. એક્સેલના કોઈ અનુભવીની થોડી મદદ લેશો તો ચાર્ટ, પિવોટ ટેબલ વગેરેની મદદથી બધી માહિતી વધુ હાથવગી રહેશે. તમારા અનુભવ કે ગૂંચવણો જરુર જણાવશો. – સંપાદક