તમારા ફોનમાં વી-ચેટ, યુસી બ્રાઉઝર, ટ્રુકોલર, શેરઇટ, ક્લિન માસ્ટર જેવી કોઈ એપ હોય તો આ લેખ ધ્યાનથી વાંચજો.
વિવિધ અહેવાલો મુજબ, ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયે ભારતીય સશસ્ત્ર દળોના તમામ અધિકારીઓ અને જવાનોને એક આદેશ જારી કરીને ઉપર લખેલી એપ્સ સહિત કુલ ૪૨ એપ તાત્કાલિક અનઇન્સ્ટોલ કરવા કહ્યું છે. આ આદેશ અનુસાર આ એપ્સ સ્પાયવેર અથવા માલવેર હોવાને કારણે ભારતની સલામતી માટે જોખમી બની શકે તેમ છે.
શરૂઆતમાં આ આદેશ ચીન સાથેની સરહદે તૈનાત જવાનો માટે હતો. ભારતીય લશ્કરના જવાનો ફરજ પર હોય ત્યારે તેમના ફોનના ઉપયોગ પર નિયંત્રણો હોય છે.
સંરક્ષણ મંત્રાલયે રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (રો) તથા નેશનલ ટેકનિકલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (એનટીઆરઓ) તરફથી મળેલી માહિતીને આધારે આ કદમ ઉઠાવ્યું છે. રિસર્ચ એન્ડ એનેલિસિસ વિંગ વિદેશોમાં કાર્યરત ભારતીય જાસૂસી સંસ્થા છે અને એનટીઆરઓ એ ભારતના વડાપ્રધાનની કચેરીમાં રાષ્ટ્રીય સલામતી સલાહકારના વડપણ હેઠળ રચાયેલી ટેકનિકલ ઇન્ટેલિજન્સ એજન્સી છે.
એ ખાસ નોંધપાત્ર છે કે સંરક્ષણ મંત્રાલયે જાહેર કરેલી ૪૨ એપ્સની યાદીમાં મોટા ભાગની ચાઇનીઝ એપ્સ છે પરંતુ ટ્રુકોલર સ્વીડનમાં મૂળ ધરાવતી એપ છે. ટ્રુકોલર કંપની તરફથી તેની એપ માલવેર ન હોવાનો દાવો કરવામાં આવ્યો છે અને તેનું નામ આ યાદીમાં કેવી રીતે ઉમેરાયું તેની કંપની તપાસ કરી રહી હોવાનું જણાવવામાં આવ્યું છે (ટ્રુકોલરનાં જમા-ઉધાર પાસાં વિશે આપણે ઓગસ્ટ ૨૦૧૭ અંકમાં વિગતવાર વાત કરી છે).