આગળ શું વાંચશો?
-
ડિઝાઇન સંબંધિત ફેરફારો
-
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંબંધિત ફીચર્સ
-
મેઇલ્સને યોગ્ય રીતે સંભાળવાની સુવિધા
-
અન્ય એપ્સ સાથેનું સંકલન
-
મેસેજની સલામતી સંબંધિત સુવિધાઓ
-
ઓફલાઇન જીમેઇલની સુવિધા
-
મેઇલમાં બીજી વ્યક્તિનો ઉલ્લેખ કરવાની નવી સુવિધા
વર્ષ ૨૦૦૪માં ગૂગલે ‘જીમેઇલ’ નામે તેની નવી ઈ-મેઇલ સર્વિસ લોન્ચ કરી, ત્યારે લોન્ચ માટે તારીખ પસંદ કરવામાં આવી હતી – પહેલી એપ્રિલ!
એ સમય સુધીમાં ગૂગલ દર વર્ષે, એપ્રિલ ફૂલના દિવસે કંઈક ગતકડું કરીને યૂઝર્સ સાથે હળવી મજાક કરવા માટે જાણીતી બની ગઈ હતી. એટલે જીમેઇલના ન્યૂઝને પણ શરૂઆતમાં લોકોએ મજાક માની લીધી.
એમાં કોઈનો વાંક નહોતો કારણ કે એ સમયે જ્યારે હોટમેઇલ અને યાહૂ સહિતની મોટા ભાગની સર્વિસ ૨ એમબીની સ્ટોરેજ કેપેસિટી આપતી હતી, ત્યારે ગૂગલે જીમેઇલમાં તેનાથી ૫૦૦ ગણી એટલે કે ૧ જીબી સ્ટોરેજ આપવાની જાહેરાત કરી હતી!
જીમેઇલ સર્વિસ તેની અનેક સ્માર્ટ ખૂબીઓને કારણે દિવસે દિવસે વધુને વધુ લોકપ્રિય બનતી ગઈ. અલબત્ત, હજી પણ બિઝનેસ સર્કલ્સની વાત આવે ત્યારે માઇક્રોસોફ્ટ તેની આઉટલૂક સર્વિસ સાથે ગૂગલ કરતાં કયાંય આગળ છે, તોય અત્યારે દુનિયાના ૧.૪ અબજ લોકો જીમેઇલનો ઉપયોગ કરે છે.
ગૂગલે જીમેઇલને વધુ સ્માર્ટ બનાવવાનો વર્ષ ૨૦૧૫માં પ્રયાસ કર્યો. ત્યારે બધા માટે તેને લોન્ચ કરતાં પહેલાં, કંપનીના કર્મચારીઓને તેનાં ફીચર્સ અજમાવી જોવા કહ્યું ત્યારે કંપનીમાંથી જ નવા વર્ઝનનો જોરદાર વિરોધ થયો! છેવટે ગૂગલે જીમેઇલનું મૂળ વર્ઝન યથાવત રાખીને, ‘ઇનબોક્સ’ નામે નવી સર્વિસ લોન્ચ કરી, જે જીમેઇલ પર આધારિત હતી, પણ તેમાં સંખ્યાબંધ નવાં સ્માર્ટ ફીચર્સ હતાં. જોકે એ બધું તેના સમય કરતાં વહેલું હતું એટલે ગૂગલે ધાર્યું હતું એટલી એ સર્વિસ લોકપ્રિય થઈ નહીં.
એ પછી છેક હમણાં સુધી, ગૂગલે જીમેઇલમાં લગભગ કોઈ જ ફેરફાર કરવાની હિંમત કરી નહોતી! દરમિયાન, સ્માર્ટફોન માટેની જીમેઇલ એપમાં નાના-મોટા ફેરફાર થતા રહ્યા, પણ વેબવર્ઝન જેમનું તેમ રહ્યું. છેવટે હવે, ગયા મહિને (મે ૨૦૧૮)માં જીમેઇલનું નવું વર્ઝન લોન્ચ થયું.