સામાન્ય રીતે, વોટ્સએપ પર આપણે સૌ બિનજરૂરી કે બિનઉપયોગી મેસેજીની ફેંકાફેંક કરવામાં એકદમ પાવરધા છીએ, એટલે વોટ્સએપ સંબંધિત એક મહત્ત્વના સમાચાર તમને વોટ્સએપ દ્વારા, કોઈ ગ્રૂપમાં મળ્યા હોય એવી શક્યતા ઓછી છે. તમે પોતે વિવિધ સાઇટ્સ પર ટેક્નોલોજી ન્યૂઝ જોવા-વાંચવામાં રસ ધરાવતા હો તો તમે કદાચ આ સમાચાર, ભડકાવી મૂકે એવા હેડિંગ સાથે વાંચ્યા હશે – વોટ્સએપ તમારા મેસેજીસ ડિલીટ કરી નાખશે!
લગભગ તમામ ન્યૂઝ સાઇટ્સને વધુ ને વધુ યૂઝર્સ અને તેમની ક્લિક્સ ખેંચવામાં રસ છે એટલે તેમને આવાં ચોંકાવનારાં હેડિંગ્સ આપ્યા વિના છૂટકો નથી, પણ આ પ્રકારનાં મોટા ભાગનાં હેડિંગ્સની જેમ, આમાં પણ અર્ધસત્ય છે. વોટ્સએપ તમારા મેસેજીસ ડિલીટ કરશે એ વાત સાચી, પણ અમુક ચોક્કસ સ્થિતિમાં.
આ ચોક્કસ સ્થિતિ શું છે એ આપણે જાણીએ એ પહેલાં આપણે એ જાણવું જોઈએ કે મેઇલ અને વોટ્સએપ જેવી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ કે એસએમએસની વ્યવસ્થા કેવી રીતે કામ કરે છે.