ઇશ્વર અને ઇન્ટરનેટ. બંને અત્ર, તત્ર, સર્વત્ર હોવા છતાં આપણે કોઈ ઠેકાણે આંગળી મૂકીને બેમાંથી કોઈની હાજરી બતાવી શકીએ નહીં! જોકે જેમ મંદિરમાં મૂર્તિ બતાવીને આપણે કહી શકીએ કે અહીં ઇશ્વર વસે છે, એમ ઇન્ટરનેટની ક્યાંય હાજરી બતાવવી હોય તો આપણે ડેટા સેન્ટર તરફ આંગળી ચીંધી શકીએ.
રોજેરોજ આપણે ઇન્ટરનેટનો સતત ઉપયોગ કરતા હોવા છતાં તેનું આખું તંત્ર કેવી રીતે ચાલે છે એ વાત ઘણે અંશે આપણી નજર બહાર રહે છે.
‘સાયબરસફર’ના ફેબ્રુઆરી ૨૦૧૫ અંકમાં ઇન્ટરનેટનો ડેટા મહાસાગરોના તળિયે બિછાવેલા સબમરીન કેબલ્સની મદદથી કેવી રીતે હજારો કિલોમીટર દૂરથી આપણા સુધી પહોંચે છે એની આપણે માંડીને વાત કરી હતી. આ અંકમાં આ બધો ડેટા ક્યાં અને કેવી રીતે સચવાય છે તેની વાત કરીએ.
ઇન્ટરનેટ પર આપણે ફેસબુક પર કોઈ પોસ્ટ મૂકીએ, કોઈના સ્ટેટસને લાઇક કરીએ, વોટ્સએપ પર કંઇક લખીએ કે ગૂગલ પર કંઈ સર્ચ કરીએ કે કોઈને ઈ-મેઇલલ મોકલીએ કે મેળવીએ ત્યારે આપણા મનમાં મોટા ભાગે એ વિચાર ઝબકતો નથી કે આપણી કેટલીક ક્લિકની અસર આખી દુનિયામાં પથરાયેલાં અનેક ડેટા સેન્ટર્સમાં થાય છે, જ્યાં ઇન્ટરનેટ પરની આપણી દરેક પ્રવૃત્તિની પૂરેપૂરી ચોકસાઈ સાથે નોંધ લેવાય છે અને આવનારા બહુ લાંબા સમય સુધી તે સલામત રીતે સાચવવામાં પણ આવે છે.