આપણે હજી અમદાવાદ-મુંબઈ વચ્ચેની બુલેટ ટ્રેનની વાતો કરી રહ્યા છીએ ત્યારે તેનાથી ચાર ગણી, હા, ચાર ગણી સ્પીડ ધરાવતી મુંબઈ-પૂણે વચ્ચે ‘હાયપરલૂપ’ નામની બિલકુલ નવા પ્રકારની પરિવહન વ્યવસ્થાની ચર્ચા શરૂ થઈ ગઈ છે. વાસ્તવમાં છેલ્લા ઘણા સમયથી આખી દુનિયાને હાયપરલૂપના આ વિચારે ઘેલું લગાડ્યું છે. આપણે હાયપરલૂપનાં વિવિધ પાસાં સમજીએ.
વર્ષ ૨૦૧૦ના અરસામાં અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટમાં ‘હાઇ સ્પીડ’ રેલ પ્રોજક્ટને મંજૂરી મળી ત્યારે આ પ્રોજેક્ટની વિગતો જાણીને, અવકાશ ક્ષેત્રે સંશોધનો કરતી ‘સ્પેસએક્સ’ અને ઓટો ઉદ્યોગમાં નવી ક્રાંતિ લાવી રહેલી ‘ટેસ્લા’ કંપનીના વડા એલન મસ્ક નિરાશ થયા. એમને લાગ્યું કે જે સિલિકોન વેલીમાં ઇન્ટરનેટને પ્રતાપે આખી દુનિયાનો ડેટા એકત્ર કરવાનું કે મંગળ પર રોવર્સ પહોંચાડવાનું કામ ચાલી રહ્યું હોય, ત્યાંની બુલેટ ટ્રેન માઇલ દીઠ ખર્ચની દૃષ્ટિએ સૌથી મોંઘી અને કલાક દીઠ ૩૫૦ કિલોમીટરની ઝડપે દુનિયાની સૌથી ધીમી બુલેટ ટ્રેન્સમાની એક હોય, એ તો કેમ ચાલે?