આજના સમયમાં, લગભગ દરેક ઘરની આ વાત છે – ઘરમાં બાળકો હોય તો મમ્મી-પપ્પા કે દાદાના સ્માર્ટફોન મોટા ભાગે બાળકોના જ હાથમાં જોવા મળે! કદાચ તમારા ઘરમાં પણ આ સ્થિતિ હશે અને પરિવારનાં બાળકો કે કિશોરોને સતત સ્માર્ટફોનમાંની ગેમ્સમાં ખૂંપેલાં જોઈને, એમની આ લત કેવી રીતે ઓછી કરવી તેની ચિંતા પણ તમને સતાવતી હશે.
હમણાં અખબારોમાં આવેલા અને તમારી ચિંતામાં વધારો કરે એવા એક સમાચાર તરફ કદાચ તમારું ધ્યાન ગયું હશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ) દર વર્ષે વિશ્વમાં જોવા મળતા રોગોનું એક વર્ગીકરણ બહાર પાડે છે, જેનો ડોક્ટર્સ અને રિસર્ચર્સ ઉપયોગ કરે છે. વર્ષ ૨૦૧૮ માટેની આવી યાદીમાં, નિષ્ણાતોએ વધુ પડતી વીડિયો ગેમ રમવાની આદતને એક માનસિક બિમારી તરીકે ઉમેરવામાં આવી છે. જોકે આનો અર્થ એવો નથી કે વધુ પડતા વીડિયો જોતી દરેક વ્યક્તિ માનસિક રીતે બિમાર છે કે વીડિયો રમવી એ પોતે માનસિક બિમારીનું લક્ષણ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના તારણ મુજબ વધુ પડતી વીડિયો ગેમ રમવાથી જે અસરો થાય છે તે માનસિક બિમારી તરફ દોરી જાય છે.